વડોદરા તા.૧૪
રાજય સરકારના શિક્ષણ વિભાગના સહયોગથી વડોદરામાં ગુજરાત નેવલ યુનિટ ખાતે રોઈંગ સિમ્યુલેટર અને ગુજરાત એર સ્ક્વોડ્રન ખાતે વાઈરસ માઈક્રોલાઈટ સિમ્યુલેટર ફ્લાઈટનો ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એનસીસીના અધિક મહાનિર્દેશક રોય જોસેફના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સિમ્યુલેટર મશીનથી એનસીસી કેડેટ્સની તાલીમની આંતરમાળકીય સવલતોમાં વધારો થવાની સાથે કોરોના વાયરસની મહામારીમાં સામાજિક અંતર સાથે ટ્રેઇનિંગ કરી શકાશે.
અધિક મહાનિર્દેશક રોય જોસેફે જણાવ્યુ કે, વાયરસ એસડબલ્યુ ૮૦ માઈક્રોલાઈટ ફ્લાઈટ સિમ્યુલેટર અને રોઈંગ સિમ્યુલેટર મશીન મળવાથી એનસીસી કેડેટ્સના કૌશલ્યોવર્ધનમાં ખૂબ મોટી મદદ મળશે.
નેવલ કેડેટ્સને તાલીમના ભાગરૂપે માટે સમુદ્રમાં બોટ સાથે જવાનું હોય છે. જે સિમ્યુલેટર મશીનથી કેડેટ્સની ટ્રેઇનિંગ કરવી ખૂબ સરળ રહેશે. તબક્કાવાર તેમની ક્ષમતા વધારો થઈ શકશે. આ વાયરસ એસડબલ્યુ ૮૦ ફ્લાઈટ સિમ્યુલેટર મળવાથી લગભગ વાસ્તવિક સમયના ફ્લાઈંગ અંગે શીખવામાં ફાયદો થશે અને તેઓ એકલા પણ વર્ચ્યુલ ઉડાન ભરી શકે છે. તેમજ તમામ કટોકટી અને હવામાનની પરિસ્થિતિઓનું પણ તેમા સિમ્યુલેશન થઈ શકે છે.
આ ફ્લાઈટ સિમ્યુલેટરથી ઈંધણની પણ બચત કરી શકાશે. આ સિમ્યુલેટર એરક્રાફ્ટથી વાસ્તવમાં કેડેટ્સને પ્રત્યેક્ષ અહેસાસ અને પરિચય થશે. નેવલ કેડેટ્સ માટે હોડી ખેંચવી તેમની તાલીમ દરમિયાન એક ખૂબ મહત્વપૂર્ણ પ્રવૃતિઓમાંની એક છે. કેડેટ્સની બોટ્સનું સંચાલન કરવું ખૂબ જરૂરી છે. આ નેવલ સિમ્યુલેટરથી કેડેટ્સની સહનશક્તિમાં વધારો થશે. આમ, એનસીસી કેડેટ્સની ક્ષમતા વધારવાની સાથે બહુપરિમાણીય રીતે તાલીમ મેળવવામાં મદદ મળી રહેશે.