વોશિંગ્ટન, તા.૩૧
એલન મસ્કની કંપની સ્પેસ એક્સનું ખાનગી રોકેટ ફાલ્કન-૯ શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે ૩.૨૨ મિનિટે બે અમેરિકન અવકાશ યાત્રીઓને લઈને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જવા રવાના થયું હતું. આ સાથે જે ખાનગી અવકાશ યાત્રા ક્ષેત્રે એક ઈતિહાસ રચાયો છે. કાઉન્ટડાઉન પૂર્ણ થતા જ નાસાના રોબર્ટ બેનકેન અને ડગલસ હર્લે નામના બે અવકાશ યાત્રીઓને લઈને ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલ સાથે ફાલ્કન-૯ પોતાની યાત્રા પર રવાના થયું હતું. આ રોકેટે ગણતરીની પળોમાં જ અવકાશ યાત્રીઓને સુરક્ષિત ભ્રમણ કક્ષામાં પહોંચાડી દીધા હતા. સ્પેસ એજન્સી નાસા આ ઓપરેશન પર બારીક નજર રાખી રહી હતી. આ મિશન પૂર્વે ડગલસ હર્લેએ જણાવ્યું હતું કે ‘આવો અહીં દીવો પ્રગ્ટાવીએ’પઆ જ વાકય ૧૯૬૧માં એળન શેફર્ડે પણ પ્રથમ માનવ સ્પેસ મિશન વખતે ઉચ્ચાર્યું હતું. અમેરિકાએ સૌપ્રથમ વખત ખાનગી કંપનીના રોકેટ દ્વારા ક્રૂ ડ્રેગન કેપ્સ્યૂલમાં અવકાશ યાત્રીઓ સાથે ઉડાન ભરી છે. આ પ્રક્ષેપણ સાથે જે કમર્શિયલ સ્પેસ ટ્રાવેલના એક નવા યુગનો પ્રારંભ થયો છે. અમેરિકા અગાઉ સૌપ્રથમ રશિયા અને ચીન આ પ્રકારના મિશન હાથ ધરી ચુક્્યા છે. અવકાશમાં જતી વખતે યાત્રીઓને ત્યાં હવાની ગતિ નિયંત્રણના દાયરામાં રહેવાની જરૂર પડશે. ઓર્બિટમાં સફળતાપૂર્વક પહોંચ્યા બાદ ૧૯ કલાક પછી આ અવકાશ યાત્રીઓ તેમના ગંતવ્ય સ્થળ આંતરાષ્ટીય અવકાશ મથકે પહોંચશે. આ ખાસ પ્રસંગે અમેરિકાના રાષ્ટપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડી સ્પેસ સેન્ટર ખાતે હાજર રહ્યા હતા. આ ઉપરાંત વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ પણ તેમની પત્ની સાથે હાજર રહ્યા હતા. રાષ્ટપતિ ટ્રમ્પે આ સફળતા બદલ નાસાને શુભેચ્છા પાઠવી હતી તેમજ જણાવ્યું હતું કે અમેરિકનોની એકતાથી એવું કોઈ કામ નથી જે પુરું ના થઈ શકે. ૨૧ જુલાઈ ૨૦૧૧ બાદ સૌપ્રથમ વખત અમેરિકાની ધરતી ઉપરથી કોઈ સમાનવ મિશનને અવકાશમાં મોકલાયું છે. આ લો્ન્ચિગ તે જ લોન્ચપેડ પરથી થઈ જ્યાંથી ૫૦ વર્ષ પૂર્વે સૌપ્રથમ એપોલો અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. ખાનગી રોકેટથી અવકાશમાં મોકલાયેલા બન્ને અમેરિકના અવકાશ યાત્રીઓ ચાર મહિના સ્પેસ સ્ટેશન પર રહેશે અને ત્યારબાદ ધરતી પર પરત ફરશે.
આઈએસએસમાં અંતરિક્ષ યાત્રીઓ શું કરશે?
બંને અવકાશયાત્રી અંતરીક્ષમાં ૧૧૦ દિવસ સુધી રહેશે. સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલ એકસાથે ૨૧૦ દિવસ અંતરીક્ષમાં રહી શકે છે અને બાદમાં રિપેરિંગ માટે તેણે ધરતી પર આવવું પડશે. તે સમયે બંને અંતરીક્ષયાત્રીઓ પાછા આવશે અથવા સ્પેસ સ્ટેશનમાં રહેલા અન્ય બે અંતરીક્ષયાત્રીને તેમના બદલે ધરતી પર પરત મોકલશે.