વડોદરા, તા.૧૬
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાંની તૈયારી શરૂ થઈ છે. નર્મદા ડેમની જળસપાટી ૧૩૮.૫૮ મીટરે પહોંચી છે. આમ ડેમ ૯૯.૯૯ ટકા ભરાઈ ગયો છે. આવતીકાલે નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકાર વડાપ્રધાન મોદીને ભેટ આપશે, સાથે સીએમ ઓફિસમાંથી નર્મદા માતાનું ઈ-પૂજન કરશે. જ્યારે નર્મદા વિકાસ રાજ્યમંત્રી કેવડિયા ડેમ ખાતે નર્મદા માતાનું પૂજન કરશે.
નર્મદા ડેમ આ વખતે પ્રથમ વખત ૧૩૮.૬૮ મીટર સુધી છલોછો ભરાશે. હાલ ડેમ ૧૩૮.૬૮ મીટરની મહત્તમ સપાટીથી ૧૦ સે.મી. દૂર છે. ઉપરવાસમાંથી ૮ર હજાર કયુસેક પાણીની આવક થઈ રહી છે. રિવરબેડ પાવર હાઉસમાં છ ટર્બાઈન ચાલુ છે અને નદીમાં ૩૪,૭૬૬ કયુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી ડેમ મહત્તમ સપાટીએ પહોંચે તેવી શકયતા છે.સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આવતીકાલે સવારે નર્મદામૈયાનું ઈ-પૂજન કરશે, જ્યારે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ કેવડિયા કોલોની નર્મદા ડેમ ખાતે સવારે ૯.૩૦ વાગે નર્મદા ડેમના વધામણાં કરી નર્મદામૈયાનું પૂજન કરશે. ઉલ્લેખનીય છે કે ગત વરસે વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિને ૧૭મી સપ્ટેમ્બરના રોજ નર્મદાના નીરની પૂજા કરી હતી અને નર્મદા ડેમ છલોછલ ભરાતાં વધામણાં
કર્યાં હતાં.