રાજપીપળા, તા.૧૧
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨ દિવસથી અનરાધાર વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એક જ દિવસમાં ૧૭ ઇંચ, સાગબારામાં ૮.૫૨ ઇંચ, ગરૂડેશ્વરમાં ૫.૬ ઇંચ, તિલકવાડામાં ૧૦.૮૮ ઇંચ, નાંદોદમાં ૧૦.૩૨ ઇંચ વરસાદ ખાબકતા જિલ્લામાં વરસાદી પાણીને લીધે ભારે નુકશાન થયું છે.નર્મદા જિલ્લાના રાજપીપળા અને ડેડીયાપાડા સહિતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી છે.
નર્મદા જીલ્લામાં છેલ્લા બે દીવસથી ભારે વરસાદ ખાબકી રહયો છે જેના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.રાજપીપળાની વાત કરીએ તો ખાડા ફળિયા અને કાછીયાવાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા જેના કારણે ઘરવખરીને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા.મનસુખ વસાવાએ અસરગ્રતોને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવાય એ માટે કલેક્ટરને ટેલીફોનીક રજૂઆત કરી હતી.રાજપીપળાના મુખ્યમાર્ગો પર બાઇક પાણીમાં તણાઈ બીજી બાજુ તરોપા ગામે એક કાર તણાઈ હોવાના એહવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.જ્યારે રાજપીપળા હેલીપેડ પર ૩ લોકો ફસાઈ જતાં એસ.ડી.આર.એફ ની ટીમ દ્વારા એમનું રેસ્ક્યું હાથ ધરાયું છે.
બીજી તરફ તિલકવાડા તાલુકાનું પૂછપૂરા ગામ નજીક આવેલ કોઝ વે પાણીમાં ગરકાવ થઈ જતાં ગામનો સંપર્ક તૂટી ગયો હતો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ આવન જાવન કરવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારના માર્ગોનું ધોવાણ થયું છે, રાજપીપળાથી ડેડીયાપાડા અને મોવીથી ડેડીયાપાડા માર્ગનું પણ ભારે ધોવાણ થતા માર્ગના વચ્ચેથી બે ભાગ થઈ જતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.ગરુડેશ્વર તાલુકામાં પણ મુશળધાર વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા અને અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.તિલકવાડાની મેણ નદી પણ ગાંડી તૂર બની જતા કાંઠાના ગામના ૨૦૦ લોકોના સ્થળાંતર કરાયા હોવાનું જાણવા મળે છે.ગરૂડેશ્વરના નઘાતપુર ગામમાં પાણી ફરી વળતા ૪૦૦ મકાન અને ૫૦૦૦ લોકોની વસ્તી ધરાવતા ગામમાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.ગરુડેશ્વરનો ૩૫ મીટર ઊંચો વિયર ડેમ ઓવરફલો થયો છે. ડેડીયાપાડાના ગારદા અને મોટા જાંબુડાની મોહન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા મોહન નદી પર આવેલ પૂલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.જેના કારણે ડેડીયાપાડા તાલુકાના ૫ થી ૬ ગામડાઓ ગારદા ,ખામ, ભૂતબેડા, મંડાળા, ખાબજી, તાબદા સહિત અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે.તેમજ ખેડૂતોના પાકને પણ ભારે નુકશાન થવા પામ્યું છે.ગારદા અને મંડાળાને જાેડતા રસ્તા પર પણ ૨ કોઝવે પર પાણી ફરી વળતા શાળાએ જતા બાળકો તેમજ નોકરીએ જતા નોકરિયાત લોકોને અટવાવવાનો વારો આવ્યો હતો.