નરેન્દ્ર મોદીનું સિંહાસન રાજા વિક્રમનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ‌ તોડે જ છે: વિજય રૂપાણી

ગાંધીનગર-

ગુજરાતની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અંગે આજે સરકાર દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 5300 કરોડના વિવિધ પ્રકારના વિકાસ કાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વિવિધ વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ચંદ્રકાન્ત પાટીલની ઉપસ્થિતિમાં જ્યારે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રિય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ દિવસ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ‘વિકાસ દિવસ’ નિમિત્તે રાજયભરમાં વિવિધ વિકાસના કામોનું ઇ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરાયા હતા.

આ પ્રસંગે કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દુનિયાભરમાં રહેતા ગુજરાતીઓને વતનપ્રેમ યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. આ સાથે તેમણે પોતાના મતવિસ્તારમાં 900 કરોડના વિકાસ કામોના લોકાર્પણ થયાનો આનંદ પણ વ્યક્ત કર્યો. આ સાથે જ કોંગ્રેસનું નામ દીધા વગર વિપક્ષને આડે હાથ લઈને કહ્યું હતું કે, ગુજરાતમાંથી ટેન્કરરાજ ખતમ થયું છે. બનાસકાંઠામાં પાણી પહોંચ્યું છે, તો સૌરાષ્ટ્રના ગામે ગામ સુધી પાણી પહોંચ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં દુનિયા થંભી ગઈ છે. ત્યારે ગુજરાતનો વિકાસ ચાલુ છે. આજે 5300 કરોડના કામો કર્યા છે. આ સરકાર લોકોની જનતાની સરકાર છે. આ સરકાર‌ માનવીની જ નહિ, તમામ જીવોની સરકાર છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈનું સિંહાસન રાજા વિક્રમનું સિંહાસન છે, જે બેસે તે વિક્રમ‌ તોડે જ છે. ગુજરાતમાં બેરોજગારનો દર સૌથી ઓછો‌ 2.2 ટકા છે. આજે આપણી સરકારને પાંચ વર્ષ પુરા થયા છે. જેના અંતર્ગત આજે વિકાસ દિવસ ઉજવવામાં આવ્યો છે. કરોડો રૂપિયા વિકાસના કામોનું એક મંચ ઉપરથી લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું છે તે પણ એક સિદ્ધિ જ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution