જીવતાં જાગતાં સંઘર્ષનું નામઃ વિનેશ ફોગાટ

વિનેશે કહ્યું- ‘મને હજુ ખબર નથી કે શું થયું હતું. હું બસ ઊઠીને લડવાનું ચાલુ રાખવા માંગતી હતી. પરંતુ મારા પગ કામ કરતા નહતા. હું ઈચ્છતી હતી કે કોઈ મને પેઇનકિલર્સ આપે. હું ફરીથી ત્યાં જવા ઇચ્છતી હતી. મેં હજી હાર માની ન હતી. હું હાર સ્વીકારનાર નથી, પણ એવું થયું નહીં. હું બધું જાેઈ શકતી હતી પણ અસહાય પડી હતી....” ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક પહેલા વિનેશ ફોર્મમાં હતી. દરેકને તેની પાસેથી મેડલની આશા હતી. વિનેશ પ્રથમ મુકાબલામાં ૧-૦થી આગળ હતી, પરંતુ બચાવ કરતી વખતે તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ અને વિનેશ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં મેચમાંથી રડતી બહાર આવી હતી.

પણ વિનેશે હાર ન માની. ૨૦૧૭ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાંથી પુનરાગમન કર્યું. તેણે એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. એશિયન ગેમ્સમાં કુસ્તીમાં ગોલ્ડ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા બની હતી.

કઝાકિસ્તાનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મુશ્કેલ ડ્રો વચ્ચે વિનેશે બ્રોન્ઝ જીત્યો અને ટોક્યો ઓલિમ્પિકની ટિકિટ મેળવી. અહીં ૫૩ કિગ્રામાં રમી રહેલી વિનેશ ફોગાટને બેલારુસની વેનેસા કાલાડઝિંસ્કાયાએ ૯-૩થી હાર આપી અને તેની ગોલ્ડની આશા તુટી ગઈ. મુસીબતોનો સમય અહીંથી શરૂ થયો. તેની આ હારના કારણોમાં એ સમયે અનેક વાતો ચર્ચાતી હતી. જેમ કે, વિનેશે ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ઈજામાંથી સાજા થયા બાદ પુનરાગમન કર્યું હતું પણ ઇજાને ધ્યાનમાં રાખીને તેના ફિઝિયોને ટોક્યો જવા માટે વિઝા આપવામાં આવ્યા નહતા. બીજું, રેસલિંગ ફેડરેશન દ્વારા આપવામાં આવેલી કિટ તેને ફાવતી નહતી પણ તેને તેની સ્પોન્સર કીટ પહેરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. વળી, મુશ્કેલ કુસ્તી મેચો વચ્ચે તેણે પોતાનો બધો સામાન જાતે જ લઈ જવો પડતો. તે ક્વાર્ટર ફાઇનલમાં, વધુ પડતી મહેનત અને કિટને કારણે બીમાર પડી હતી. પ્રેક્ટિસ દરમિયાન તેની જૂની ઈજા પણ સામે આવી હતી, પરંતુ તેને પર્યાપ્ત ટ્રીટમેન્ટ મળી નહતી. ભારતીય ફેડરેશનના પ્રમુખે, આપણે લંગડા ઘોડા પર દાવ લગાવવો ન જાેઈએ એમ કહીને વિનેશને ખોટો સિક્કો ગણાવી! એશિયન ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર રેસલર ‘ખોટો સિક્કો’!?

 આ બધાને લઈને વીનેશને ડિપ્રેશન આવી ગયું. ડોક્ટરે કહ્યું કે ૨૦૧૮માં પ્રેક્ટિસ દરમિયાન તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી તે હવે અસર દેખાડી રહી છે તેથી ડોક્ટરે તેને રેસલિંગથી દૂર રહેવા અને પરિવાર સાથે સમય પસાર કરવાની સલાહ આપી. પણ વિનેશે કુસ્તી ન છોડી અને કોમનવેલ્થ ગોલ્ડ પણ જીત્યો.

હતાશા, પ્રતિબંધ અને સરકારના મંત્રી સામે એથેલેટ્‌સના આંદોલન પછી પણ વિનેશે હાર ન માની. તેણે વચ્ચે પ્રેક્ટિસ ચાલુ રાખી અને ૨૦ એપ્રિલે પેરિસ ઓલિમ્પિકની ક્વોલિફિકેશન ઇવેન્ટમાં ૫૦ કિગ્રા વર્ગમાં ક્વોટા જીત્યો.

જે ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં મેચમાંથી રડતી રડતી બહાર આવી હતી, જેને ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિકમાં પરાજય બાદ ખોટો સિક્કો કહેવામાં આવ્યો હતો, જેને ડોકટરોએ કુસ્તી છોડવાનું કહ્યું હતું તે વીનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ગજબનો રંગ રાખ્યો.

પ્રી-ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં વિનેશે વિશ્વની નંબર-૧ રેસલર યુઈ સુસાકી સામે જીતી. યુઈ સુસાકી એ ખેલાડી હતી કે જે અત્યાર સુધી તેની તમામ ૮૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં એક પણ મેચ હારી નથી. સુસાકી ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન છે અને ટોક્યો ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક વિજેતા પણ છે. સુસાકી પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. પણ વિનેશે સુસાકીને તેની જ યુક્તિઓથી હરાવી લીડ લીધી અને ૩-૨થી જીત મેળવી.

બપોરે યુક્રેનની ઓક્સાના લિવાચ સામે તેની ક્વાર્ટર ફાઈનલ મેચ હતી જે વીનેશે ૭-૫થી જીતી.

વિનેશે સેમિફાઇનલ મેચ એકતરફી રીતે જીતી લીધી હતી. તેનો સામનો ક્યુબાની રેસલર ગુઝમેન લોપેઝ સામે હતો. વિનેશે આ મેચ ૫-૦થી જીતી હતી.

સુસાકીને હરાવીને વીનેશે એવા ખેલાડીને મ્હાત આપી હતી કે જેણે ક્યારેય હારનો સ્વાદ ચાખ્યો નહોતો. તે એક એવા શિખરે પહોંચી કે જેને આજ સુધી કોઈ કુસ્તીબાજે સર નહોતું કર્યું. બધું જ ઉજળું ઉજળું હતું. હવે વિનેશનો ગોલ્ડ મેડલનો મુકાબલો અમેરિકાની સારાહ એન હિલ્ડરબ્રાન્ડ સાથે થવાનો હતો પણ...ત્યારે એક નિયમ દ્વારા તેને રમતી અટકાવવામાં આવી! જે કોઈપણ ઓલિમ્પિયન માટે ક્યારેય આટલો ક્રૂર નહતો.

તે એક દિવસમાં, ત્રણ મુકાબલા, ત્રણ વિજયના કાફલા સાથે ગોલ્ડ મેડલ તરફ જઈ રહી હતી. મંગળવારે રાત્રે ફાઇનલમાં પહોંચ્યા બાદ આખોય દેશ વિનેશ ગોલ્ડમેડલ લઈ આવશે એવા સપનાં જાેઈ રહયો હતો.પરંતુ બુધવારે સવારે, ગોલ્ડ મેડલ મેચના માત્ર ૧૧ કલાક પહેલા, વીનેશને અયોગ્ય ઠેરવવામાં આવી. કારણ તેનું વજન નિર્ધારિત વજન શ્રેણી કરતા ૧૦૦ ગ્રામ વધુ હોવાનું બહાર આવ્યું. અને, ભારતીય રમતગમત માટે સૌથી પ્રેરણાદાયી ક્ષણ - એક મહિલા કે જેને વારંવાર સિસ્ટમ દ્વારા ઓછી આંકવામાં આવી હતી અને તે જ મહિલા દેશની પ્રથમ મહિલા સુવર્ણ ચંદ્રક વિજેતા બનવા જઇ રહી હતી, આ ગૌરવ અને આનંદનો દિવસ અચાનક શોકના દિવસમાં ફેરવાઈ ગયો!

વિનેશે કાયમ આઘાતો સહન કર્યા છે. જ્યારે તે નવ વર્ષની હતી, ત્યારે તેના પિતાને તેમના ગામના એક માનસિક વિકલાંગ સંબંધીએ તેમના ઘરની સામે ગોળી મારી દીધી અને તેની યુવાન વિધવા માતાએ તે દિવસે સ્મિત ગુમાવ્યું હતું. પરંતુ તેણે પુત્રીનો ઉછેર મજબુત મનથી કરી તેને એવી હિંમતવાન બનાવી જે કોઈનાથી પણ ડરતી નહતી. નાનપણથી લઈને મોટા થયા સુધી, વિનેશના પિતરાઈ ભાઈ બહેનો કે જેઓ હરિયાણાના બલાલીમાં તેમના ઘરથી થોડે દૂર રહેતા હતાં, તેઓ વધુ પ્રખ્યાત ફોગાટ હતાં. તેઓ કુસ્તીના બાદશાહ હતાં, તેમના પર એક ફિલ્મ પણ બની હતી. વિનેશની કથા વધુ જટિલ હતી કારણ કે તેના અવરોધો તેની બહેનો કરતાં ઘણા વધુ હતાં. વળી, જુનિયર તરીકે, તે ચોથા નંબરની સર્વોચ્ચ ક્રમાંકિત ખેલાડી હતી. પણ મોટા સપનાઓ ધરાવતી નીડર છોકરી સાઇડ સ્ટોરી બનવા માટે નહોતી જન્મી.

અને હજુ તેણીની સામે મુશ્કેલ પડકાર છે. કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધા બાદ હવે તેણે ઓલિમ્પિકની પીડાને દૂર કરીને આગળ વધવું પડશે. અલબત્ત, માત્ર સો ગ્રામ વધુ વજનને કારણે ઓલિમ્પિકમાંથી બહાર નીકળી જવું પડે એ મોટી બેદરકારી કહેવાય. તેના કોચ, ડાયેટિશ્યન, ફિટનેસ એડવાઇઝર અને વિનેશ પોતે, શું બધા ગફલતમાં રહી ગયાં? છતાં પણ,ભારતીય રમતગમતમા વીનેશ એક એવા મકામ પર છે કે ભલે તેને સિલ્વર મેડલ નકારવામાં આવી શકે છે,પરંતુ તેને હંમેશા એક એવાં ખેલાડી તરીકે યાદ કરવામાં આવશે જે વગર ગોલ્ડ મેડલે, ગોલ્ડમેડલીસ્ટ જ છે!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution