મુંબઈ-
ઘણા પ્રયત્નો બાદ નાગિન ફેમ અભિનેતા પર્લ વી પુરીને આખરે આજે જામીન મળી ગયા છે. સગીર બાળકી સાથે રેપ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી હતી. અભિનેતા પર પોસ્કો એક્ટ લાદવામાં આવ્યો હતો. અભિનેતાની જામીનની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આજે વસઈ સેશન્સ કોર્ટમાં પર્લ વી. પુરીના કેસની સુનાવણી કરવામાં આવી હતી.
અગાઉ કોર્ટે પર્લની જામીન અરજી નામંજૂર કરી હતી. 11 મી જૂને પર્લની જામીન અરજી પર સુનાવણી થવાની હતી. અભિનેતાને મુંબઈ પોલીસે 5 જૂને બળાત્કારના કેસમાં ધરપકડ કરી હતી. જે બાદ અભિનેતાને 14 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. અભિનેતાને 11 દિવસ પછી જામીન મળી ગયા છે. ધરપકડ બાદ અભિનેતાના વકીલોએ જામીન મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા પરંતુ બધા નિષ્ફળ રહ્યા. સગીર યુવતીના પિતાએ જાતીય શોષણ કરવાના આરોપમાં અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવ્યા બાદ તેની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સ્પોટબોયના સમાચાર મુજબ, પર્લના વકીલે પુષ્ટિ કરી હતી કે અભિનેતાને જામીન આપવામાં આવ્યા છે.
અભિનેતાની ધરપકડ બાદ ટીવી કલાકારો તેના સમર્થનમાં આગળ આવ્યાં હતાં. કલાકારોએ ખુલ્લેઆમ કહ્યું હતું કે પર્લ આવુ કૃત્ય નહીં કરી શકે, આ આક્ષેપ ખોટો છે અને સત્ય બહાર આવશે. તે જ સમયે, એકતા કપૂરે પર્લ માટે ખૂબ લાંબી પોસ્ટ લખી. જેમાં તેને લખ્યું હતું કે પુત્રીને લઈને એક દંપતી વચ્ચેના વિવાદમાં પર્લને ફસાવી દેવામાં આવ્યો છે. પીડિતાની માતાએ પોતે ફોન પર કબૂલાત કરી હતી કે પર્લ નિર્દોષ છે. એકતા અને પીડિતાની માતા વચ્ચે થયેલી વાતચીતનો એક ઓડિઓ પણ વાયરલ થયો હતો.