ખેડા-
ગયા વર્ષે માર્ચ માસમાં દેગામનો અજય (ઉર્ફે-પકો) બોચી ઠાકોર 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી ભગાડી ગયો હતો. જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે મામલે પોલીસે તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી તેમજ સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કેસમાં આરોપીને સજા ફટકારવા સાથે ન્યાયાધિશ ડી.આર.ભટ્ટે વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવી આપવાનો પણ હુકમ કર્યો હતો.
દુષ્કર્મનો આ કેસ ખેડા જિલ્લાની સ્પેશ્યિલ કોર્ટમાં ન્યાયાધિશ ડી.આર.ભટ્ટ સમક્ષ ચાલવવામાં આવ્યો હતો. જેમાં સરકારી વકીલ ધવલ બારોટની દલીલ, દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઇ કોર્ટે આરોપી અજય ઠાકોરને IPC-કલમના ગુનામાં 5 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સખત કેદ, IPC-કલમ 376(2)(એન)ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ પોક્સો એક્ટની કલમ-3 (એ) સાથે 4ના ગુનામાં 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજા તથા પોક્સો એક્ટની કલમ-5(એલ) સાથે 6 ના ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10 હજારનો દંડ અને દંડ ન ભરેતો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.