મારી પ્રિન્સેસ, રાની..!

રેસિડેન્સીના ૨ મહિના થઈ ગયાં હતાં, ઉનાળાની એક રાત હતી અને પરસેવો મહેંક બનીને વરસી રહ્યો હતો.

વહેલી સવારનો ૪ઃ૪૫નો સમય.

એક ૮ વર્ષની છોકરીને તેના પપ્પા પોતાના ખોળામાં ઉંચકીને દોડતા દોડતા આવ્યાં અને કહેવા લાગ્યાં,

“મારી છોકરીને અતિશય પેટમાં દુઃખાવો થાય છે અને એક વાર ઉલ્ટી પણ થઇ. જલ્દી જુઓ ને, સર, એ એકદમ સુસ્ત થઈ ગઈ છે.”

મારી કો-રેસિડન્ટ ડૉ. અમી એ છોકરીની તપાસ કરે એ પહેલા જ એણે મોટી ચીસ પાડી અને આંખો બંધ કરી દીધી. શ્વાસ ચાલવાનો અચાનક ધીમો થઇ ગયો, હૃદયના ધબકારા ૧૨૦ના ૪૦ થયાં, તરત જ તેને પિડિયાટ્રિક આઈ.સી.યુ.માં શિફ્ટ કરવામા આવી અને ઇન્ટ્યુબેટ કરીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી.

એ છોકરીનુ નામ રાની.

ઘરની સૌથી લાડકવાયી છોકરી. રાનીના મમ્મી પપ્પાના તો હાંેશ જ ઉડી ગયા હતાં કે આ એક જ રાતમાં એમની છોકરીને શું થઇ ગયું?

ગઇકાલે હસતી રમતી છોકરી આજે પોતાનો શ્વાસ પણ નહતી લઇ શક્તી. જીવ બચાવવા બંને હાથમાં ભોંકાયેલી સોય, નાક અને શ્વાસનળીમાં નાખેલી ટ્યૂબ અને વચ્ચે વચ્ચે થતો વેન્ટિલેટર મશીનનો અવાજ આ બધું જ તેના પેરેન્ટ્‌સ માટે આઘાત સમાન હતું.

બધીજ તપાસ કરવામા આવી પણ બધાજ રિપોર્ટ નોર્મલ.!

સગાની પણ કડકાઇથી તપાસ કરવામા આવી કે રાનીએ કોઇ પોઇઝન ભૂલથી પી લીધું હોય અથવા કોઇએ પીવડાવ્યું હોય, પણ અમારી એ શંકા પણ ખોટી પડી.

૨૪ કલાક વીતી ગયા હતાં અને બધીજ તપાસ કરાવી લીધી હતી પણ કારણ બિમારીનું હજી સુધી અજાણ હતું, અને રાની હજી પણ વેન્ટિલેટરની મદદથી શ્વાસ લેતી હતી.

એ દિવસે સાંજે વોર્ડમાં અમે અમારુ કામ કરતા હતાં ત્યારે રાનીના ચારથી પાંચ સગા એકસાથે આવી ચડ્યા અને ગુસ્સાથી કહેવા લાગ્યા કે, “રાનીના બધા રિપોર્ટ નોર્મલ છે તો એની તકલીફનું કારણ શું છે?”

એમના આ પ્રશ્નોના જવાબ અમારી પાસે પણ નહતાં. તેઓ પેશન્ટને પ્રાઇવેટમાં લઇ જવાની તૈયારીઓ કરવા લાગ્યાં, પણ તેમના પ્રયાસો નિષ્ફળ નિવડ્યાં. કારણ કે જે પેશન્ટ આટલુ સિરિયસ હોય તેનો હાથ પકડતા સરકારી હોસ્પિટલ સિવાય અન્ય હોસ્પિટલ એક હજાર વાર વિચારે. અંતે તેમને અમારી સારવારમાં જ શ્રધ્ધા બેઠી.

રાનીની આવી બેભાન અવસ્થાનું કારણ જાણવાની એક છેલ્લી તપાસ બાકી હતી જે હતી એમ.આર.આઇ.ની. પણ વેન્ટિલેટર પર મૂકેલા પેશન્ટને એમ.આર.આઇ.માં લઇ જવામાં ઘણુ મોટંુ રિસ્ક હતું, પણ એમ.આર.આઇ. કરાવ્યા સિવાય બીજાે કોઇ વિકલ્પ નહતો.

ઓક્સિજન સિલિન્ડર અને સ્ટ્રેચર તૈયાર કરવામા આવ્યું. અને રાનીને અમ્બુ બેગ વડે ઓક્સિજન આપતા આપતા હું અને ડૉ જયંતભાઈ એમ.આર.આઇ. કરાવવા નિકળ્યાં.

એમ.આર.આઇ.માં લઇ જતી વખતે રાનીના ચહેરાને હુ એકીટશે જાેઇ રહ્યો, મનમાં એક જ વાક્ય રિપિટ મોડમા ચાલી રહ્યું હતું, “કંઇ પણ થાય પણ આ છોકરી બચી જાય.”

એમ.આર.આઇ.માં ૧૫ મિનિટ સુધી હું એક હાથથી અમ્બુ બેગ વડે ઓક્સિજન આપી રહ્યો હતો અને મારો બીજાે હાથ રાનીના હ્‌દય પર હતો કે ક્યાંક એ ધબકતુ બંધ ના થઇ જાય.

ટેન્શનથી ભરેલા વિચારો સાથે એમ.આર.આઇ. પૂર્ણ થયો અને રાનીને સાવચેતીપૂર્વક પાછી લાવીને વેન્ટિલેટર પર મૂકવામાં આવી.

હવે આતૂરતાથી રાહ જાેવાતી હતી એમ.આર.આઇ.ના રિપોર્ટની કે બિમારીનુ કોઇક કારણ તો જાણી શકાય.

થોડાક કલાકો પછી એમ.આર.આઇ.નો રિપોર્ટ આવ્યો અને રિપોર્ટ જાેઇ બધા આઘાતગ્રસ્ત થઈ ગયા કારણ કે એમ.આર.આઇ રિપોર્ટ પણ એકદમ નોર્મલ હતો.

અંધારુ ચોક્કસ હતું પણ હાથ પર હાથ ધરીને બેસી રહીએ તો ડૉક્ટર કહેવા પર ધબ્બા સમાન હતું.

ડૉ જયંત અને અમને સૌને રાની આવી ત્યારથી એક શંકા હતી, બસ એ શંકા દૂર કરવા પ્રખ્યાત ન્યૂરો પીડીયાટ્રીશ્યન ડૉ. હર્ષ સરને કન્સલ્ટ કરવામાં આવ્યાં.

અને ફક્તને ફક્ત બે જ મિનિટમાં રાનીની તપાસ કરીને તેમણે કીધું કે, “રાનીને સ્નેક બાઇટ(સર્પદંશ) છે....!! અને એ પણ કાળોતરો સાપ.”

આ જ શંકા અમને રાની આવી ત્યારથી જ હતી પણ રાનીના શરીર પર કોઇ બાઇટ માર્કસ નહતાં. હર્ષ સરે રાનીના ડાબા પગમા ઘૂંટણની ઉપર બે બાઇટ માર્કસ બતાવ્યાં. આ બાઇટ માર્કસ ૨૪ કલાક પછી લોહી જામવાના લીધે ઉપસ્યા હતા જે દાખલ કરતી વખતે દેખાતા નહતાં.

હર્ષ સરે અજવાળુ કરી આપ્યું હતું પણ આ રસ્તા પર આગળ ચાલવાનું હવે અમારે હતું.

ડૉ. જયંતં એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર છજીફ(એન્ટિ સ્નેક વિનમ) ચાલુ કર્યો અને રાનીને દર ૨ કલાકે ફાયસોસ્ટિગમાઇન અને એટ્રોપીનના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યાં.

અને ટ્રિટમેન્ટનો રિસ્પોન્સ શોકિંગ હતો,

૮ જ કલાકમાં રાનીના હાથપગની મુવમેન્ટ શરુ થઇ ગઇ હતી, અને ૨૪ કલાકની અંદર રાનીને વેન્ટિલેટર પરથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી.

પિ.આઇ.સી.યુ.ના તમામ ઉદાસ ચહેરાઓ પર ખુશીઓની ભરતી ઉભરાઇ જ્યારે રાનીએ ૩ દિવસ પછી આંખો ખોલી અને ‘મમ્મી’ શબ્દ બોલી.

રાનીની મમ્મી માટે તો આજે જાણે રાનીનો ફરીથી જન્મ થયો હતો. રાનીની મમ્મીની આંખો ખુશીઓના આંસુના દરિયાથી છલકાઇ ઉઠી હતી.

મે ધીરેથી રાનીની પાસે જઇને તેના કાનમાં કહ્યું, “બેટા, તુજે કિસી સાપને કાટા થા?”

બિચારી છોકરીએ એની કાલીઘેલી ભાષામાં કહ્યું, “હા, સર મુજે સ્કૂલમે એક ચિપકલીને કાટા થા.”

હવે રાનીને કોણ સમજાવે કે એની એ ચિપકલી એક ભયાનક કાળોતરો સાપ હતો.

ત્યારબાદ જ્યારે પણ તેનો રાઉન્ડ લેવા જઉ ત્યારે રાની મારા કાનમાં ધીમેથી બોલે,

“હેરત સર, મુજે સમોસા ખાના હે.” અને પછી મોટે મોટેથી હસે. એનુ આ હાસ્ય આખી ઇમરજન્સીનો થાક પળવારમા ઉતારી દેતું.

૨ દિવસ પછી રાનીને હોસ્પિટલમાંથી રજા આપવામા આવી.

રાનીના માતાપિતાની આંખોમાં રાનીને બચાવવા માટેની અમારી મહેનત સ્પષ્ટ દેખાતી હતી.

૧૫ દિવસ પછી, વોર્ડમાં બેસીને હું એક પેશન્ટની ટ્રિટમેન્ટ લખી રહ્યો હતો અને અચાનક પાછળથી એક નાની છોકરી આવીને મારા કાનમાં બોલી,“હેરત સર, મેંને સમોસે ખા લીયે...!!”

રેડ કલરનો ડ્રેસ, કાનમાં ઈઅરિંગ્સ, હાથમા ડ્રેસને મેચિંગ બેંગલ્સ પહેરેલી એક બ્યૂટિફૂલ પ્રિન્સેસ મારી સામે ઉભી હતી અને એ મારી રાની હતી.

મારી જીંદગીની આ એક અમૂલ્ય યાદગાર પળ હતી, પેલુ કહેવાય ને “પ્રાઇસલેસ મોમેન્ટ”, બસ, એવું જ કંઇક....!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution