શિમલાની મસ્જિદના વિવાદમાં મુસ્લિમ કલ્યાણ સમિતિની શાંતિપુર્ણ ઉકેલની પહેલ આવકાર્ય

શિમલામાં કથિત ગેરકાયદેસર મસ્જિદના મુદ્‌ે ભારે તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. આમ તો આ વિવાદ ૧૪ વર્ષ જુનો છે પરંતુ તાજેતરમાં વિરોધ પ્રદર્શન અને તેના પર પોલીસના દમનના કારણે પરિસ્થિતિ વકરી ગઈ છે.

શિમલામાં ગેરકાયદેસર મસ્જિદને લઈને વિવાદ વચ્ચે, મુસ્લિમ કલ્યાણ સમિતિના પ્રતિનિધિઓએ ૧૨મી સપ્ટેમ્બરે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ભૂપેન્દ્રકુમાર અત્રીને એક મેમોરેન્ડમ સુપરત કર્યું. તેઓએ વિનંતી કરી કે સંજૌલીમાં ગેરકાયદેસર મસ્જિદના અનધિકૃત ભાગને સીલ કરવાના આદેશો જારી કરો. તેઓએ ઉમેર્યું હતું કે કલ્યાણ સમિતિ કોર્ટના આદેશ અનુસાર માળખાના ગેરકાયદેસર ભાગને તોડી પાડશે. પ્રતિનિધિઓમાં મસ્જિદના ઈમામ, વક્ફ બોર્ડના સભ્યો અને મસ્જિદ પ્રબંધન સમિતિના સભ્યો સામેલ હતા. તેઓએ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં રહેતા મુસ્લિમો હિમાચલ પ્રદેશના કાયમી રહેવાસી છે. સમિતિના પ્રતિનિધિઓએ કહ્યું કે તેઓ પ્રદેશમાં સંવાદિતા અને ભાઈચારો જાળવવા પગલાં લેશે. કલ્યાણ સમિતિના મુફ્તી મોહમ્મદ શફી કાસમીએ કહ્યું, “અમારા પર કોઈ દબાણ નથી; અમે અહીં દાયકાઓથી રહીએ છીએ, અને આ ર્નિણય હિમાચલીઓ તરીકે લેવામાં આવ્યો છે. અમે શાંતિમાં રહેવા માંગીએ છીએ અને ભાઈચારો પ્રબળ થવો જાેઈએ.”

દેવ ભૂમિ સંઘર્ષ સમિતિના સભ્યો, જેમણે મસ્જિદમાં અનધિકૃત બાંધકામ સામે વિરોધનું આહ્વાન કર્યું હતું, તેમણે આ પગલાંને આવકાર્યું છે. સમિતિના સભ્ય વિજય શર્માએ જણાવ્યું હતું કે, “અમે મુસ્લિમ સમુદાયના પગલાને આવકારીએ છીએ અને વ્યાપક હિતમાં આ પહેલ કરવા બદલ અમે તેમને સૌથી પહેલા ગળે લગાવીશું.”

 શિમલાના સંજૌલીમાં મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાની માગણી સાથે વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

કોંગ્રેસની આગેવાની હેઠળની હિમાચલ પ્રદેશ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે સ્થિતિ વણસવા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વ અને મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુના સંપર્કમાં છે.

આ ગેરકાયદે બાંધકામનો વિવાદ ૧૪ વર્ષ જુનો છે. પરંતુ તાજેતરના એક બનાવે તેને હિંસક વળાંક આપ્યો હતો. ૩૦મી ઓગસ્ટના રોજ કેટલાક મુસ્લિમ યુવાનોએ માલ્યાના ક્ષેત્રમાં હિન્દુ વેપારીઓ પર સળિયા અને લાકડીઓ વડે ઘાતક હુમલો કર્યો. આ ઘટનાથી તણાવ વધી ગયો હતો અને સ્થાનિક હિંદુ સમુદાય ગેરકાયદેસર મસ્જિદનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યો હતો.

બીજી તરફ વક્ફ બોર્ડે તાજેતરમાં શિમલાની કોર્ટમાં રજૂઆત કરી હતી કે તે મસ્જિદની માલિકી ધરાવે છે અને વિવાદ માત્ર તેના વધુ વિકાસ પર છે. બીજી તરફ, રાજ્ય વિધાનસભામાં પણ આ મામલો ચમક્યો હતો જેમાં શાસક કોંગ્રેસ પક્ષના નેતાઓમાં મતભેદો બહાર આવી ગયા હતા. ધારાસભ્ય હરીશ જનાર્થાના જણાવ્યા અનુસાર, મસ્જિદ ૧૯૬૦ પહેલા વક્ફ બોર્ડની માલિકીની જમીન પર બનાવવામાં આવી હતી. જાે કે, ૨૦૧૦માં ત્રણ માળ ગેરકાયદેસર રીતે બનાવાયા હતા.

મંત્રી અનિરૂધ્ધસિંઘે, જાેકે ગૃહમાં તેમનું ખંડન કરીને કહ્યું કે “હું કોઈ સમુદાયની વિરુદ્ધ નથી પરંતુ તેઓએ ૨૦૧૦માં ૨૫૦૦ ચોરસ ફૂટનું અનધિકૃત બાંધકામ કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ સુધીમાં વધુ ચાર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા માળ હતા. મુકદ્દમો બાકી હતો ત્યારે ચાર માળની ઇમારત કેવી રીતે બનાવવામાં આવી હતી? વહીવટીતંત્ર ક્યાં સૂતું હતું? બીજી આશ્ચર્યજનક વિગત છે, આ મસ્જિદની જમીનની માલિકી હિમાચલ પ્રદેશની સરકાર ધરાવે છે. સરકારી જમીન પર નકશો કેવી રીતે મંજૂર થયો તેવો સવાલ પણ તેમણે કર્યો હતો.

 રાજ્યમાં રાજકીય અને સામાજિક રીતે ઘેરા પ્રત્યાઘાત સર્જનારા આ ઘટનાક્રમમાં સ્થાનિક મુસ્લિમોની શાંતિપુર્ણ ઉકેલની પહેલ અને હિન્દુ સંગઠનોએ તેને આપેલો આવકાર એક આશાનું કિરણ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution