લેખકઃ તરૂણ બેન્કર |
ભૂત-પ્રેતની વાર્તાઓ ભલે ડરાવે, પણ એ આપણાં મનની નજીક છે. ભૂતિયા ફિલ્મો સિનેમાઘરમાં બેસી ડરતા-ડરતા જાેતા દર્શકોની સંખ્યા પણ મોટી છે. કેટલીક ફિલ્મવાળાએ તો દર્શકોને ચેલેન્જ પણ આપી છે કે, અમારી ફિલ્મ એકલા સિનેમાઘરમાં બેસી જૂઓ તો અમુક-તમુક ઈનામ આપીશું..! અને આ ફિલ્મ નાના બજેટની પણ હોય શકે. અને આ ફિલ્મનું બોક્ષ ઓફિસ કલેકશન ૧૦૦ કરોડની પાર પણ જઈ શકે. ફિલ્મનું નામ મુંજ્યા. આમ તો મુંજા છે, પણ હુલામણું નામ, મુંજ્યા. મુંજ્યા ભારતની કદાચ પહેલી ફિલ્મ છે, જેનું આ પાત્ર કોમ્પ્યુટર જનરેટેડ છે. ટૂંકમાં આ પાત્ર કોઈ અભિનેતાએ ભજવ્યુ નથી. ઝ્રત્નૈં એટલે કે કોમ્પ્યુટર દ્વારા જનરેટેડ ઈમેજરી મુંજ્યા, જે આખી ફિલ્મમાં એક પાત્રની જેમ રહે છે. ગ્રાફિક્સ, વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને એનિમેશનથી બનેલું આ પાત્ર શરૂઆતથી જ દર્શકના મનમાં ડર પેદા કરે છે અને જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તેના ડરનો પ્રકોપ પણ વધતો જાય છે.
વાર્તાનો આરંભ ૧૯૫૨માં થાય છે. કોંકણના ચૈતુકવાડી નામના ગામમાં રહેતો દસ વર્ષનો છોકરો મુંજ્યા તેના કરતા મોટી છોકરી મુન્નીના પ્રેમમાં પાગલ છે. મુંજ્યા મુન્નીને પોતાની બનાવવા માટે કાળો જાદુ અને બહેનનો ભોગ આપવાની હદ સુધી જાય છે. આ દરમિયાન કંઈક અજુગતુ થતાં મુંજ્યાનું મૃત્યુ થાય છે. આ વાર્તાનો આધાર મહારાષ્ટ્રમાં પ્રચલિત ‘મુંજ્યા’ની દંતકથા છે. મુંજ્યા એવુ ભૂત છે જેનું મૃત્યુ મુંડન થયાના દસ દિવસમાં થયુ હોય તેની અતૃપ્ત ઇચ્છાઓને કારણે ભૂત, બ્રહ્મરાક્ષસ બની જાય છે. આ અપશુકનને ટાળવા પરિવાર અને ગ્રામજનોએ મુંજ્યાની રાખને તે જ ઝાડ નીચે જંગલમાં દફનાવી દે છે, જ્યાં મુંજ્યા ધાર્મિક વિધિઓ કરી રહ્યા હતા. પણ મુંજ્યાનો અશાંત આત્મા ખતરનાક ભૂતનું સ્વરૂપ ધારણ કરે છે. ફિલ્મ બે ભાગમાં વહેંચાયેલી છે. મધ્યાંતર પહેલાંના ભાગમાં મુંજ્યાની વાત છે. તેની ઇચ્છા પૂરી કરવા તે શું શું કરે છે..? બિટ્ટુના માધ્યમથી શું શું કરાવે છે. માત્ર બિટ્ટુને જ નહીં, તેની સાથે સંકળાયેલાં લોકોને કેવી રીતે ડરાવે છે.
વર્ષો પછી (૨૦૨૪માં), જ્યારે મુંજ્યાનો વંશજ બિટ્ટુ(અભય વર્મા) અને માતા(મોના સિંહ) દાદી(સુહાસ જાેશી)ના ગામની મુલાકાત લે. જે વાત બિટ્ટુથી છુપાવી હતી તે સામે આવે છે. મુંજ્યાનું ભૂત વળગે. દાદી છડીથી મારી તેને ભગાવે. મુંજ્યા હાથનો પંજાે બિટ્ટુના ખભે મારી પોતાની છાપ છોડે. છળથી દાદીને મારી નાંખી બિટ્ટુ પર કબજાે કરે. બિટ્ટુને ડરાવી ટોર્ચર કરી, મુન્નીને શોધવા આદેશ આપે છે, જેથી તે મુન્ની સાથે લગ્ન કરવાની તેની અધૂરી ઇચ્છા પૂરી કરી શકે. બિટ્ટુ મુન્ની કોણ હતો તેની શોધખોળ આરંભે. કાકાની દીકરી રુકુ પાસેથી મુન્નીની ભાળ મેળવે. રુકુએ મોકલેલા જૂના ફોટોગ્રાફ પરથી ખબર પડે કે મુન્ની એટલે આજની બિટ્ટુની ગર્લફ્રેન્ડ બેલા(શર્વરી વાઘ). મુંજ્યો બેલા પર મોહિત થાય અને તેણી સાથે લગ્ન કરવાની જીદ પકડે..!
બીજા ભાગમાં આ ઘટનાક્રમ આકાર લે. બિટ્ટુનો ફિલ્મમેકર મિત્ર(આમ તો વિડીયોગ્રાફર) સ્પિલ્બર્ગ(તરણ સિંઘ) ભૂત-પ્રેત ભગાડનાર પાદરી એલ્વિસ કરીમ પ્રભાકર(સત્યરાજ) પાસે લઈ જાય. તેના આઈડીયા અનુસાર એક ચિન્હની મદદથી મુંજ્યાનો આત્મા બકરીમાં લાવી, બેલા સાથે લગ્નના બહાને તેને બોલાવી બકરીની હત્યા કરી મુંજ્યાથી છુટકારો મેળવવાનો છે. પ્રિ-વેડિંગ ગીત શૂટ કરવાના બહાને બેલાને ગામ લઈ આવે. જ્યાં મુંજ્યા અને બેલાના લગ્નનો કારસો રચાય. મુંજ્યા એમ માને કે લગ્ન પછી બેલાને મારી નાંખી બન્ને ભૂત બની મોજ કરશે. તેમના લગ્ન થશે..? બિટ્ટુ નિર્દોષ બેલાને મુંજ્યાની ચુંગાલમાંથી છોડાવી શકશે..? શું તેનો પરિવાર આ ભૂતના શ્રાપમાંથી બહાર આવી શકશે..?
દિગ્દર્શક આદિત્ય સરપોતદાર ફિલ્મને મનનીય બનાવવામાં સફળ રહ્યા છે. હા ફિલ્મના પહેલા હાફમાં દર્શકો પર દેખાતી ફિલ્મની પકડ બીજા હાફમાં ઢીલી પડે છે. અંતભાગે આવતી આત્માની અદલા-બદલીવાળી રમત જામતી નથી. ઘણાં અંશે પ્રિડિકટેડ ભાસે છે. જાે કે આમા લેખક યોગેશ ચાંદેકર અને નિરેન ભટ્ટ પણ એટલાં જ જવાબદાર છે. ફિલ્મ મૂળતઃ હોરર કોમેડી છે, પણ અનેક ઠેકાણે હોરર હસાવે છે અને કોમેડી રડાવે છે..! ટૂંકમાં અનેક દ્રશ્યો ફારસરૂપ લાગે છે. સૌરભ ગોસ્વામીનું ફિલ્માંકન અને બે-ચાર દ્રશ્યોને બાદ કરતાં મોનિશા બલ્દવાનું સંકલન ફિલ્મનું જમા પાસું છે. જીગર સરૈયાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ધારી અસર જન્માવવામાં સહાયક બન્યું છે. અનેક ઠેકાણે પ્રભાવી પણ. સચિન સંઘવીનું ગીત-સંગીત ખાનાપૂર્તિ કરે છે.
અભિનયની વાતન કરીએ તો બિટ્ટુ (અભય વર્મા) હેરી પોટર જેવા ભાસે છે. હાથમાં દાદીની છડી પણ એવી જ. પોતના દિલની વાત પ્રેમીકાને કહેતા ડરતો બિટ્ટુ માસુમ અને ચોકલેટી દેખાય છે. તેનો ડર દર્શકોનો પણ ડર બને તેટલો સબળ અભિનય તેણે કર્યો છે. માતાના પાત્રમાં મોના સિંઘ સબળ જણાતી નથી. દાદી (સુહાસ જાેષી)નો અભિનય નાના પાત્ર છતાંય યાદ રહી જાય તેવો છે. અભિનેત્રી તરીકે બેલા (શર્વરી વાઘ) પાસે પહેલાં ભાગમાં કરવા જેવું કશું નથી, અને બીજા ભાગમાં તેણી કશું કરી શકી નથી..! અભિનેત્રી હોવાની માત્ર ફોર્માલિટી નિભાવે છે. પાદરી (સત્યરાજ) કટપ્પા જેવો પ્રભાવ જન્માવી શક્યા નથી. સહાયક પાત્રોમાં સ્પિલબર્ગ (તરણ સિંઘ) સિવાય કોઈ પ્રભાવી જણાતા નથી.
પ્રાદેશિક કથાવાળી ફિલ્મો તુમ્બાડ(૨૦૧૮) અને કાંતારા(૨૦૨૨) જેવો પ્રભાવ મુંજ્યા ઉભો કરી શકી નથી, તોય ફિલ્મ હોરર કોમેડી તરીકે જાેઈ શકાય તેવી તો છે જ. બોક્ષ ઓફિસ પર પણ આ ફિલ્મે ૧૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે. કથાનક પણ નવું હોય દર્શકોને આકર્ષે છે. અનોખી અને મનોરંજક વાર્તા, ગામડાની પૃષ્ઠભૂમિ અને બિટ્ટુની દુર્દશા બતાવતો ડાર્ક હ્યુમરનો ઉપયોગ હોરર સાથે કોમેડી પણ જન્માવે છે. અંતે એટલું કહી શકાય કે દિનેશ વિજન અને અમર કૌશિક નિર્મિત ફિલ્મ મુંજ્યા હોરરના શોખીન હોવ કે કોમેડીના, આ ફિલ્મ એકવાર જાેવામાં આનંદ જરૂર આવશે.