મુંબઇ,
૨૪ કલાકમાં મુંબઈના પરાં વિસ્તાર અને પાડોશી જિલ્લા થાણેમાં ૧૦૦ મિ.મી. એટલે કે ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં મુંબઈ, થાણે ઉપરાંત કોંકણ વિસ્તારમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી ગઈ કાલે કરી હતી.
ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યા સુધીમાં થાણે-બેલાપુર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં સૌથી વધુ ૨૧૩.૪ મિ.મી. એટલે કે ૮.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. અહીં ૨૪ કલાકમાં ૧૧૫ મિ.મી. પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કે. એસ. હોસલીકરે ટ્વિટરના માધ્યમથી જણાવ્યા મુજબ આગામી ૨૪ કલાકમાં પણ મુંબઈ તથા આસપાસ તેમ જ કોંકણ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડશે.
મુંબઈમાં પરા વિસ્તારમાં ૧૧૬ મિ.મિ. તો તળ મુંબઈમાં ૨૪ કલાકમાં માત્ર ૧૨.૪ મિ.મી. વરસાદ જ ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યા સુધી નોંધાયો હતો. જોકે બપોર બાદ પણ શહેર અને પરાં વિસ્તાર તેમ જ થાણેમાં સારો વરસાદ નોંધાયો હતો.
રાયગઢ જિલ્લાના માથેરાનમાં ૯૦ મિ.મી. તો દહાણુમાં ૬૦ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે નાશિકમાં ૧૩.૪ મિ.મી., રત્નાગિરિમાં ૫.૪ અને ૫.૯ મિ.મી. જેવો સાવ સામાન્ય વરસાદ થયો હતો.
હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તથા મહારાષ્ટ્રના કોંકણ અને મુંબઈના આકાશમાં વરસાદી વાદળ છવાયેલાં હોવાનું સેટેલાઇટ ઇમેજમાં દેખાઈ રહ્યું હોવાથી અહીં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે.