અમદાવાદ-
દેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસ એક્સપ્રેસ પ્રવાસીની અછતનો સામનો કરી રહી છે, જેના કારણે મુંબઈ-અમદાવાદ અને દિલ્હી-લખનઉ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેનને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. દેશમાં કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યા પછી ૧૯ માર્ચથી આ બન્ને ટ્રેનનું સંચાલન બંધ કરાયું હતું, પરંતુ તાજેતરમાં અનલૉકની પ્રક્રિયા દરમિયાન મુંબઈ-અમદાવાદ વચ્ચે સાત મહિનાના વિરામ બાદ બન્ને ટ્રેનની સેવાઓ ઑક્ટોબરમાં ફરી શરૂ થઈ હતી. એ અનુસાર ૧૭ ઑક્ટોબરથી મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ફરી દોડવા લાગી હતી. તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. જોકે કોવિડ-19 રોગચાળાના કારણે પ્રવાસીઓ ન મળવાને લીધે મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એક્સપ્રેસ ૨૪ નવેમ્બરથી અને નવી દિલ્હી-લખનઉ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન ૨૩ નવેમ્બરથી બંધ કરવામાં આવી રહ્યું છે.
તેજસ એક્સપ્રેસ મુંબઈ-અમદાવાદ વચ્ચે ૨૪ નવેમ્બરથી બંધ થવાના એક નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે 'આ બન્ને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ તેજસ એકસપ્રેસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેવામાં આવશે. આ ટ્રેનમાં કુલ ૭૩૬ સીટ છે, પરંતુ આ સમયે એમાં માત્ર ૨૫થી ૪૦ ટકા સીટ જ બુક થઈ રહી છે, જ્યારે લૉકડાઉન પહેલાં આ એક્સપ્રેસમાં ૫૦થી ૮૦ ટકા સીટ બુક થઈ જતી હતી. દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી ૧૯ માર્ચથી આ બન્ને ટ્રેનનું સંચાલન બંધ કરાયું હતું. જોકે આ વર્ષે દિવાળી દરમિયાન પણ તેજસમાં સીટ્સ ખાલી રહી હતી. IRCTCએ ગયા વર્ષે દિલ્હી-લખનઉ ચાર ઑક્ટોબરથી અને મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ ૧૯ જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી હતી.' IRCTCએ લખેલા પત્રમાં એમ પણ કહ્યું છે કે ટ્રેન બંધ કરવામાં આવી છે, પરંતુ પ્રવાસીઓની માગણી વધશે તો ફરી આ ટ્રેન શરૂ પણ કરવામાં આવશે.
મુંબઈ-અમદાવાદ રૂટ પર વેસ્ટર્ન રેલવેની ત્રણ ટ્રેનો દોડે છે જેમાં 02933/02934 સ્પેશ્યલ (કર્ણાવતી એક્સપ્રેસ), 0293102932 સ્પેશ્યલ (ડબલ ડેકર એક્સપ્રેસ), 02009/02010 સ્પેશ્યલ (શતાબ્દી એક્સપ્રેસ)નો સમાવેશ થાય છે. આ ટ્રેનોનો પ્રવાસીઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પરંતુ તેજસ એક્સપ્રેસને ઓછો પ્રતિસાદ મળતાં બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે આ જ રૂટ પર ભારતની પહેલી બુલેટ ટ્રેન પણ આવનાર સમયમાં દોડશે. જોકે તેજસ એક્સપ્રેસના પ્રતિસાદ બાદ બુલેટ ટ્રેનના પ્રતિસાદ સામે પણ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.