કાબુલ-
તાલિબાન સત્તા મેળવ્યા બાદ પોતપોતાના વિરોધીઓને શોધી શોધીને ટાર્ગેટ કરી રહ્યા છે. આ જ ઘટનાક્રમમાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અફઘાનિસ્તાન મૂળના એક ભારતીય નાગરિકનું બંદુકના નાળચે દુકાન પાસેથી અપહરણ કરી લેવાયું હતું. તાલિબાનીઓએ આ અપહરણ કર્યું હોવાના રિપોર્ટ છે. અપહરણ કરાયેલા ભારતીયનુ નામ બંસરી લાલ અરેન્દ્રે છે. નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનના રૂપિયાને પરત આપવાની અમેરિકાની પાસે માગણી કરી છે. જેને હવે ચીને સમર્થન આપ્યું છે અને તાલિબાનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. અફઘાનિસ્તાનની ૩૨ જેટલી મહિલા ફૂટબોલરે અફઘાનિસ્તાન છોડીને પાકિસ્તાનમાં શરણ લીધું છે. આ મહિલા ખેલાડીઓને તાલિબાન દ્વારા અવાર નવાર ધમકીઓ મળી રહી હોવાથી પોતાનો જીવ બચાવવા તેમણે આ પગલુ ભર્યું છે.અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનતા જ આંતરીક વિખવાદ વધી ગયો છે. તાલિબાન સરકારમાં ઉપવડાપ્રધાન બનાવવામાં આવેલા મુલ્લા અબ્દુલ ગની બરાદર અને હક્કાની નેટવર્ક વચ્ચે વિવાદ સર્જાયો હતો. મતભેદોને પગલે મુલ્લા અબ્દુલ ગની બરાદરે કાબુલ છોડી દીધુ હોવાના અહેવાલો છે. આ વિવાદ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. બીજી તરફ એક ભારતીય નાગરિકનું તાલિબાને અપહરણ કરી લીધુ હોવાના અહેવાલો છે. જેને છોડાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. ગત સપ્તાહે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં બરાદર અને હક્કાની નેટવર્કના નેતા ખલીલ ઉર રહમાન વચ્ચે ખુલ્લેઆમ બોલાચાલી થઇ ગઇ હતી. બાદમાં બન્ને નેતાઓના સમર્થકો એકબીજાની સાથે ટકરાયા હતા. ખલીલ ઉર રહમાન તાલિબાન સરકારમાં શરણાર્થી મંત્રી છે. એક તાલિબાની નેતાએ જણાવ્યું હતું કે કેબિનેટની બેઠકને લઇને બન્ને વચ્ચે વિવાદ થયો હતો. તાલિબાનની સરકારમાં હક્કાની નેટવર્કને સ્થાન આપવાનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે હક્કાની નેટવર્ક ખુદને તાલિબાનનું સૌથી ફાઇટર યૂનિટ માની રહ્યું છે. બરાદરના સમર્થકોનું માનવુ છે કે બરાદરની કૂટનીતીને કારણે અફઘાનિસ્તાન પર તાલિબાન કબજાે કરી શક્યું હતું. તેથી હાલ બન્ને સંગઠનો આમને સામને આવી ગયા છે. જ્યારે કંધહાર અને અન્ય વિસ્તારોમાં પણ તાલિબાનીઓમાં સત્તાને લઇને ખેંચતાણ ચાલી રહી છે.