વડોદરા : એમ.એસ.યુનિવર્સીટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નેશનલ એજ્યુકેશન પોલિસીના અમીલકરણની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે, એજ્યુકેશન પોલિસીમાં રિસર્ચને ભારણ આપવામાં આવ્યું હોવાથી એમ.એસ.યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓમાં એક રિસર્ચ સેલની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસર્ચ સેલ જે તે ફેકલ્ટીમાંથી રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓ અને અઘ્યાપકોને મદદરૂપ સાબિત થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એમ.એસ.યુનિવર્સીટી દ્વારા કેન્દ્ર સરકારની નેશનલ એજ્યુકેશન પોલિસીનું અમલીકરણ કઈ રીતે કરી શકાય તે માટે ૧૯ જેટલી કમિટીઓ બનાવવામાં આવી હતી. જોકે, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં રિસર્ચ પર ભારણ આપવામાં આવ્યું હોવાથી અને એમ.એસ.યુનિ. રિસર્ચક્ષેત્રે આગળ વધે તે માટે યુનિવર્સીટી દ્વારા તમામ ફેકલ્ટીઓમાં રિસર્ચ સેલ શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં યુનિવર્સીટીમાં ફેકલ્ટી કક્ષાએ કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ, પ્લેસમેન્ટ સેલ સહિતના વિવિધ સેલ કાર્યરત છે. ત્યારે, જે તે ફેકલ્ટીમાંથી રિસર્ચ કરનાર વિદ્યાર્થીઓ અને અઘ્યાપકોને ઓપોતાની ફેકલ્ટીમાંથી જ રિસર્ચ અંગે જરૂરી તમામ મદદ મળી રહે તે માટે આ સેલ શરુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે યુનિવર્સીટીમાં હાલમાં ડીન ઓફ સ્ટુડન્ટ્સ અને ડીન ઓફ સ્પોર્ટ્સ જેવી એક પોસ્ટ પણ છે. આ સાથે રિસર્ચ સ્કોલર્સ માટે ડીન ઓફ રિસર્ચની પણ નિમણૂંક કરવામાં આવશે. જેના માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂંક કરાશે.