કલકત્તાથી કચ્છની મોટરકાર સફર

શુદ્ધ ઈતિહાસ લેખન માટે અનેક સાધન સામગ્રી, પૂરક માહિતી અને આધારોની આવશ્યકતા રહેતી હોય છે જે વિવિધ રીતે ઉપલબ્ધ હોય છે. આવા અનેક પ્રકારોમાં પ્રવાસ વર્ણનો ઈતિહાસ આલેખન માટે ઐતિહાસિક દ્રષ્ટિએ અનેક રીતે ઉપયોગી પૂરવાર થયાં છે, અહી છ દાયકા જૂના એવા મોટર કારના પ્રવાસ વર્ણનની વાત કરવાની છે કે જેમાં એ સમયનાં એક નવતર પ્રકારના સાહસની વાત છે.

 ઈસવીસન ૧૯૬૩માં મૂળ કચ્છના કોટડા(રોહા)ના વતની અને એ સમયે કોલકત્તા વસતા જમનાદાસ કોઠારીએ કોલકત્તાથી કોટડા(રોહા)ના ફીયાટ કારમાં કરેલા પ્રવાસનું વર્ણન હાથ લાગ્યું છે. કુલ ૪ર૦૦ માઈલનો એમનો એ પ્રવાસ અનેક રીતે રસપ્રદ રહ્યો હતો.

પોતાના પ્રવાસ વર્ણનની પ્રસ્તાવનામાં જ જમનાદાસભાઈ એ લખ્યું છે કે '' આજના જેટ યુગમાં કારથી કરાયેલો પ્રવાસ એ કોઈ નવી નવાઈની વાત નથી. પરંતુ આપણા આટલા વિશાળ દેશમાં એક રાજયમાંથી બીજા રાજયમાં કે દૂરના પ્રદેશમાં પરિભ્રમણ માટે અનુકુળ એવા રાજમાર્ગો બહુ ઓછા છે. એવા સમયે કોલકત્તાથી વતન કચ્છ સુધીના આપણા વિશાળ દેશના પ્રદેશને નીકટતાથી જાેવાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે જ આ પ્રવાસ નિર્ધારિત કરાયો. કેમ કે વિમાનથી કરાયેલી સફર એ કોઈ પ્રવાસ નથી. અને રેલવે મારફત કરેલા પ્રવાસથી તો માર્ગમાં આવતાં સ્ટેશનો નગરોના માત્ર પ્લેટફોર્મ પર જમા થયેલી માનવ મેદની સિવાય કોઈ જ સંપર્ક ન થાય. જ્યારે કારથી કરેલા પ્રવાસથી ઘણું જાેવાનું, જાણવાનું મળે અને અનેક લોકસંપર્ક થાય. આથી પોતાની કારમાં કચ્છનો પ્રવાસ કરવાનું નકકી કર્યુ”.

 જમનાદાસભાઈના વતન કોટડા(રોહા)માં એમના પરિવારના ટ્રસ્ટ દ્વારા કોટડા ખાતે નિર્માણ કરાયેલી હાઈસ્કૂલના ઉદ્‌ઘાટનના સમારંભમાં હાજરી આપવા વતન આવવા માટે એમણે આ કારના રોમાંચક પ્રવાસનો નિર્ણય કર્યો. ૧૭મી ડીસેમ્બર ૧૯૬૩ના દિવસે વહેલી સવારે ચાર વાગ્યે તેમના બે કિશોરવયના પુત્રો વિક્રમભાઈ તથા પ્રબોધભાઈ તથા માર્ગમાં ડ્રાઈવીંગ કરતાં થાક ન લાગે એ માટે એક વધારાના ડ્રાઈવરને સાથે રાખી એમણે પ્રવાસનો આરંભ કર્યો. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર, સાગર, ભોપાલ, ઈન્દોર થઈ ગુજરાતના ગોધરા થઈને જતો માર્ગ પસંદ કરી પ્રવાસને આગળ વધાર્યો.

 સૂરજકુંડથી આગળ વધતાં માર્ગમાં સોન નદી આવે છે. આ નદીનો પટ પહોળો અને વિશાળ હતો અને વળી એ સમયે તે પાર કરવા કોઈ પુલ ન હોવાથી તે પાર કરવા એમને રેલવેની સફરનો થોડો સહારો લેવો પડયો. નદી પાર કરવા ફીયાટ કારને રેલવેના વેગનમાં ચડાવવી પડી. દિવસમાં ચાર વખત આ પુલ પસાર કરતી રેલવે એ સમયે પસાર જતી આથી થોડી તેની રાહ પણ જાેવી પડી. કારનો લગેજ ચાર્જ રપ રૂપિયા આપવો પડયો અને પસેન્જરનો ટિકિટ ચાર્જ એક વ્યકિતના છ આના થયો. સોન નદી પસાર કરી દેહરી સ્ટેશનથી પુનઃ મોટર કાર મારફતનો એમનો માર્ગ પ્રવાસ આગળ વધ્યો.

 આગળ વધતાં માર્ગમાં બાદશાહ શેરશાહે સસરાલમાં ૧૪૪૦–૪પના વર્ષો દરમ્યાન બંધાવેલી સુંદર મસ્જિદ તેમણે નિહાળી. આ મસ્જિદની કારીગરીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હોવાની વિગત પણ જમનાદાસભાઈએ લખી છે. માર્ગમાં દિલ્હીના રસ્તાને જાેડતું મથક મુગલસરાઈ આવ્યું. અહીંથી કાશી થઈ દિલ્હી અને છેક પેશાવર સુધી જતા માર્ગને ગ્રાંટ ટ્રંકરોડ કહેવાય છે.

મિર્ઝાપુરમાં હોટેલમાં રાતવાસો કરી પ્રવાસના બીજા દિવસે ૧૮મી ડીસેમ્બરના વહેલી સવારના છ વાગ્યે પ્રવાસનો પુનઃ આરંભ કયોર્ે . રેવા, સતના અને પન્ના પસાર કરી તેઓ ખજુરાહો પહોંચ્યાં. ખજુરાહો જવા માટે પન્ના અને છત્રપુર વચ્ચેથી ૧૦ માઈલ અંદર જવું પડે છે. ખજુરાહોના સુંદર મંદિરો તેમણે જાેયાં.

વીસમી ડીસેમ્બરના વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદથી વતન તરફનો પ્રવાસ શરુ કરતાં સૌને એક અનોખો આનંદ અને રોમાંચ હતો.

 અમદાવાદ થી વિરમગામ સુધીનો પ્રવાસ તો સરળતાથી ચાલ્યો એ પછી રસ્તાની વિટંબણાનો આરંભ થયો. અમદાવાદમાં મળેલી સલાહમાં હવે આ પ્રવાસીઓને તથ્ય જણાવા લાગ્યું હતું. અમદાવાદથી કચ્છના માર્ગનું તેમનું વર્ણન એ સમયે કેવી પરિસ્થિતિ હશે તે સૂચવે છે. વીરમગામ પછી રસ્તાનું કોઈ જ ઠેકાણું ન મળે. આમ છતાં હવે પાછા ફરવાનો તેમના માટે કોઈ સવાલ જ નહોતો. સૌએ નકકી કર્યુ કે ઝુકાવ્યું છે તો હવે પાર ઉતરીને ઝંપશું. એવું વિચારી હિંમત રાખીને સૌ આગળ વધે છે. પાટડીથી સુરેન્દ્રનગર થઈ ધાંગધ્રા પહોંચતાં બપોર થઈ ગઈ. ધાંગધ્રામાં જમવાનું કાર્ય સંપન્ન કરી કારમાં પૂરતું પેટ્રોલ પૂરાવ્યું કેમ કે હવે પછી છેક ભચાઉ સુધી કયાંય પેટ્રોલ મળે તેમ ન હતું. ધાંગધ્રાથી હળવદ અને ત્યાંથી ટીકર આવ્યા. ટીકરથી રણમાર્ગનો પ્રવાસ આરંભાયો. ટીકરમાં લોકોએ ખૂબ જ ડરાવ્યા અને પાછા ફરવાની આગ્રહથી સલાહ આપી. રણમાંથી તો આ ગાડી નીકળી શકે તેમ જ નહોવાનું લોકોએ જણાવ્યું. આમ છતાં જમનાદાસભાઈ સહિતના પ્રવાસીઓએ તો સફળતાથી રણ પાર કરવાની શ્રદ્ધા સાથે બપોરના અઢી વાગ્યે ટીકરમાં ચા–પાણી પતાવી ઝંપલાવ્યું. પૂરી સાવચેતીથી કાર ચલાવી બરાબર બે કલાકે રણ પસાર કરીને સાડાચાર વાગ્યે પલાંસવા સુખરૂપ પહોંચી જતાં સૌના હૈયા આનંદથી ઝૂમી ઉઠયા. વતનના પાદરે ફીયાટ કારે સલામત અને સરળતાથી પહોંચાડયાનો આનંદ વિશેષ હતો. આનંદમાં ને આનંદમા ફીયાટની પીઠ થાબડી અને વતનની માટીને માથે ચડાવી. પલાંસવા પહોચ્યા એટલે જાણે ઘેર પહોચ્યાનો આનંદ તે તમામને થયો હતો. આ હકીકત કચ્છીનો વતન પે્રમ દર્શાવે છે.

કોટડામાં હાઈસ્કૂલના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ પૂરા થયા પછી બે દિવસ રોકાઈ આ પ્રવાસીઓએ એ જ માર્ગે પોતાનો વળતો પ્રવાસ આરંભ્યો હતો અને આવતાં લાગેલા સમય કરતાં ઓછા સમયમાં ૬૦ કલાકમાં પરત કલકત્તા પહોંચી ગયાનું તેમણે નોંધ્યું છે. જમનાદાસભાઈએ તેમના આ પ્રવાસ દરમ્યાન કરાયેલા ખર્ચની આપેલી વિગતો પણ રસપ્રદ છે. કલકત્તાથી કોટડા અને પરત કોટડાથી કલકત્તા સુધીનો કુલ ૬૦૦૦ કિલોમીટરના ફીયાટ કારથી કરાયેલા પ્રવાસમાં ૧૦૦ ગેલન પેટ્રોલ વપરાયું અને પેટ્રોલ ઉપરાંત ખાવા પીવા તથા હોટલમાં રહેવાનો તમામ કુલ ખર્ચ રૂા. ૪પર.૬૧ પૈસા થયો હતો જે એ સમયની રેલવેની ત્રીજા વર્ગની સફર કરતાં પણ ઓછા ખર્ચે અને અનેક સુખદ અને રોમાંચક અનુભવો સાથે પૂરો થયો હોવાનું તેમણે પોતાના આ પ્રવાસ વર્ણનના અંતમાં જણાવ્યું છે. જમનાદાસભાઈ સાથે પ્રવાસમાં રહેલા તેમના પુત્ર વિક્રમભાઈ કે જેઓ અત્યારે મુંબઈ ખાતે નિવૃત્ત જીવન ગાળે છે જેઓ આ પ્રવાસ સમયે ખૂબજ નાની કિશોર વયના હોવાથી તેમણે પણ પોતાના આ પ્રવાસના પોતાના પિતાએ લખેલા વર્ણન અંગે સુખદ આશ્ચર્ય વ્યકત કરી પોતાની સ્મૃતિમાં રહેલા પ્રવાસના ઝાંખા સંસ્મરણો રજુ કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution