ખ્યાતિ શાહ (સિદ્ધયતી) |
ફિલ્મી દુનિયામાં લગભગ ત્રણ દાયકા સુધી અભિનયના ઓજસ પાથરનાર ચુન્નીબાબુને કેમ ભૂલી શકાય? ૧૯૫૫ની ફિલ્મ ‘દેવદાસ’માં ચુન્નીબાબુની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવનાર મોતીલાલે પોતાના ફિલ્મી કેરિયરમાં ૬૦ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો. જેમાંથી ૩૦ ફિલ્મોમાં તો લીડ હીરો તરીકે ભૂમિકા ભજવેલી. તેમની એક્ટિંગ એટલી નેચરલ હતી કે તેમને હિન્દી ફિલ્મોના પ્રથમ નેચરલ અભિનેતા તરીકે ઓળખ મળી.
‘દેવદાસ’ અને ‘પરખ’ માટે ફિલ્મ ફેર પુરસ્કાર મેળવનાર મોતીલાલ રાજવંશનો જન્મ ૪ ડિસેમ્બર ૧૯૧૦માં બ્રિટિશ શાસન દરમિયાન શિમલામાં થયો હતો. તેમના પિતા પ્રખ્યાત શિક્ષણવિદ હતાં પરંતુ મોતીલાલને પિતાનો પ્રેમ કદાચ નસીબમાં નહોતો. માત્ર એક વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં કાકા પાસે રહી મોટા થયાં. શાળાકીય અભ્યાસ શિમલા અને ઉત્તરપ્રદેશમાં પૂર્ણ કર્યા પછી તેઓએ દિલ્હી જઈ વધુ અભ્યાસ કર્યો. કોલેજ છોડ્યા પછી મોતીલાલ નેવીમાં જાેડાવા માટે બોમ્બે ગયાં પરંતુ કોઈક કારણોસર તેઓ પરીક્ષા આપી શક્યા નહીં. જાેકે, તેમના નસીબમાં કંઈક બીજું જ લખ્યું હશે!
એક દિવસ સાગર સ્ટુડિયોમાં ડાયરેક્ટર કે.પી. ઘોષનું શૂટિંગ જાેવા ગયાં હતાં. ઘોષની નજર મોતીલાલ પર પડતાં ૧૯૩૪માં(૨૪ વર્ષની વયે) સાગર ફિલ્મ કંપની દ્વારા 'શહેર કા જાદુ’ ફિલ્મમાં હીરોની ભૂમિકા માટે તેમને ઓફર કરાઈ. પછી તેમણે સામાજિક નાટકોમાં પણ અભિનય કર્યો હતો. મોતીલાલે મહેબૂબ ખાન, રાજ કપૂર, દિલીપકુમાર વગેરે જેવા લોકપ્રિય અભિનેતાઓ સાથે સ્ક્રીન શેર કરી.
૧૯૬૫માં આવેલી ભોજપુરી ફિલ્મની ભૂમિકા માટે મોતીલાલને વર્ણવી ન શકાય તેવી પ્રશંસા મળી હતી. મોતીલાલને ૧૯૬૫માં રિલીઝ થયેલ બીમલ રોયની ફિલ્મ ‘દેવદાસ’માં ચુન્નીબાબુની ભૂમિકા માટે સૌથી વધુ યાદ કરાય છે. જે કિરદાર માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો હતો. અભિનેતા નસરુદ્દીન શાહે તો મોતીલાલને સર્વકાલીન અભિનેતા ગણાવ્યાં હતાં.
મોતીલાલ સ્વભાવે નમ્ર અને સૌમ્ય હતાં. તેમણે ક્યારેય પણ પૈસા કમાવા માટે ફિલ્મમાં કામ કર્યું ન હતું. નામમાં જ રાજવંશ હોય એટલે પૈસાની કમી તો હોય જ નહીં! તેઓ એક સમૃદ્ધ પરિવારથી હતા, જેની સાક્ષી તેમની જીવનશૈલી હતી. ૧૯૪૦ની આસપાસ તેમણે પાત્ર સાથે પ્રયોગો કરવાનું પણ શરૂ કર્યું હતું. જ્યારે અન્ય કલાકારો રોમેન્ટિક ભૂમિકાઓ પસંદ કરતાં ત્યારે મોતીલાલ બોલ્ડ ભૂમિકાઓ પસંદ કરતા હતાં. એમની એક્ટિંગ એકદમ નેચરલ લાગતી હતી. તેમને ઘોડેસવારીનો પણ શોખ હતો.
‘દેવદાસ’ ફિલ્મના ચુન્નીબાબુ તેમની રીયલ લાઇફમાં પણ એટલા જ રંગીન હતાં. બે અભિનેત્રીઓ સાથેના અફેરના કારણે તેઓ ઘણા ચર્ચામાં રહ્યાં હતાં. આમ તો મોતીલાલની જીવનશૈલીના લીધે અનેક અભિનેત્રીઓ તેમના પર પ્રભાવિત હતી. પરંતુ તેમનું દિલ માત્ર બે જ અભિનેત્રીઓ પર ફિદા થયું હતું. જાેકે એ બેમાંથી કોઈની પણ સાથે લગ્ન તો નહોતા જ કર્યા. પહેલા નાદીરાના સાથેના સંબંધની ચર્ચામાં રહ્યાં પરંતુ લગ્ન કર્યા નહીં. નાદીરા સાથેના બ્રેકઅપ પછી અભિનેત્રી શોભના સમર્થના પ્રેમમાં પડ્યાં. સાગર ફિલ્મ કંપનીમાં કામ કરતાં મોતીલાલ ચાર બાળકોની માતા શોભના સમર્થને મળ્યાં ત્યારે એટલા બધા મોહી ગયાં હતાં કે શોભના પરિણીત છે અને ચાર બાળકોની માતા છે તેનાથી કોઈ જ વાંધો પણ ન હતો. બંનેએ ભલે લગ્ન તો ન કર્યા પરંતુ તેમની નિકટતા હંમેશા ચર્ચામાં જ રહી હતી.
મોતીલાલે રમુજી શૈલિમાં પોતાના જીવન વિશે એક વખત કહ્યું હતું કે, તેમણે ૧૦૦ વખત લગ્ન કર્યા, લગભગ બે વાર મૃત્યુ પામ્યાં,તે ક્યારેય જન્મ્યા તો નથી જ, પરંતુ હંમેશા પેરાશુટ દ્વારા જ નીચે લાવવામાં આવ્યા હતા.
મોતીલાલની અમિતાભ બચ્ચને પ્રશંસા કરતા ‘ધ હંડ્રેડ લ્યુમીનેરીઝ ઓફ હિન્દી સિનેમા’ની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘એક મહાન અને નેચરલ અભિનેતા માટે આમ તો વધારે લખાયું નથી. તે મોતીલાલ તેમના સમય કરતા ઘણા આગળ હતાં. જાે તેઓ આજે જીવતા હોત તો મોતીલાલની બહુમુખી પ્રતિભા હોત.’
એટલું જ નહીં, ૧૯૪૦માં ‘અછૂત’ ફિલ્મમાં એક અછૂતનું કિરદાર નિભાવનાર મોતીલાલને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી પણ ઘણી પ્રશંસા મળી હતી.
કહેવાય છે ને કે એક દશકો સારો તો બીજાે ખરાબ આવે જ. મોતીલાલ રાજવંશના નામમાં જ રાજવંશ હતું એટલે જીવન એકદમ ઐય્યાશ હતું. જેમાં દારૂ, જુગારની લતે તેમને બરબાદ કરી નાખ્યાં. હોર્સ રેસિંગમાં પણ ઘણા પૈસા ગુમાવ્યાં હતાં. તબિયત બગડતા ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન તેમને ત્રણ ત્રણ એટેક પણ આવી ચૂક્યાં હતાં. જે બાદ તેઓ સ્ક્રીપ્ટ રાઇટીંગ, દિગ્દર્શન અને નિર્માણ તરફ વળ્યાં. છેલ્લે તેમણે ૧૯૬૫માં 'છોટી છોટી બાતે’ ફિલ્મ લખી તેમજ નિર્મિત અને દિગ્દર્શિત પણ કરી. જેમાં તેમણે ૧૩મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ત્રીજી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો પુરસ્કાર અને મરણોત્તર શ્રેષ્ઠ વાર્તાલેખક માટેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. પરંતુ તે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ૧૭ જૂન ૧૯૬૫માં મોતીલાલ ફાની દુનિયાને અલવિદા કહી ગયાં.