લેખક : સુરેશ મિશ્રા
યુવાન કાગડો અને કાગડી હજુ હમણાં હમણાં જ પ્રેમસૂત્રે બંધાયા હતાં અને જીવનમાં મોજની મોસમ ચાલી રહી હતી.
પછી જેમ હંમેશા બને છે તેમ કાગડી ગર્ભવતી થઈ. હવે એક માળો બનાવવો બંનેને જરૂરી લાગ્યું એટલે મંડી પડ્યા તણખલા ભેગા કરવા અને તેમને પ્રિય ઘેઘૂર લીમડાની સઘન ડાળી શોધી માળો માંડ્યો.
સમાજમાં માન્યતા છે તેમ કાગડાથી પણ ચતુર ગણાતી એક કોયલડી કાગ દંપતીની માળો બાંધવાની કસરત જાેઈને હરખાઈ રહી હતી. એ પણ ગર્ભવતી હતી અને એને પણ એક પ્રસૂતિગૃહની જરૂર હતી અને કાગ દંપતીએ વ્યવસ્થા કરી આપી એટલે એ આળસુડી મનોમન હરખાઈ.
અને એ દિવસ પણ આવી પહોંચ્યો અને કાગડીને પ્રસૂતિ થઈ, એણે બે ઈંડા મૂક્યાં.
આ તરફ કોયલને પણ વેણ ઉપાડયું અને કાગડીને આઘીપાછી જાેઈ એ માળામાં ઘુસી ગઈ અને ઈંડા મૂકી બહાર આવી ગઈ. અને મનોમન હરખાઈ કે ફરી એકવાર ચતુર કાગ દંપતીને કોયલની સરખામણીમાં ભોળું સાબિત કર્યું!
જાે કે સાવ એવું નહતું. કાગડી બાળપણથી આ વાત સાંભળીને જ મોટી થઈ હતી અને કેટલાક દિવસથી પોતાના માળાની આસપાસ ગર્ભવતી કોયલના આંટાફેરા પર એની ચકોર નજર હતી.
એટલે એને કોયલની આ કરામતની ખબર પડી જ ગઈ હતી તો પણ એ અજાણ હોવાનો ડોળ કરીને પોતાના અને કોયલના ઈંડા એક સરખી કાળજી રાખીને સેવી રહી હતી.
જિજ્ઞાસુ કાગડો આ જાેઈને આશ્ચર્ય પામ્યો અને પૂછ્યું કે કોયલના ઈંડા છે એ જાણવા છતાં કેમ સેવે છે?
અને કાગડીએ પ્રેમ અને વ્હાલ છલકાતાં શબ્દોમાં મલકાતાં મલકાતાં જવાબ આપ્યો.
“સૌથી પહેલાં હું મા છું.અને એટલે હું ઈંડા કે બચ્ચામાં મારા અને કોયલના એવો ભેદ કેવી રીતે કરું? માની મમતા પર તો બધાં બચ્ચાંઓનો અધિકાર..ભલે એ મારા હોય કે કોયલના..”
અને ચતુર કાગડો ભીની આંખોમાં અહોભાવ ભરીને એ પ્રેમાળ માને જાેઈ જ રહ્યો..એને પણ એની માતા સહજપણે યાદ આવી રહી હતી....!!!