માતાની કૂખ બાળકની પહેલી સ્કૂલ

લેખકઃ દ્રષ્ટિ ભટ્ટ | 


આ દુનિયામાં દરેક માનવી અનન્ય છે. કોઈ પણ બે વ્યક્તિ સમાન નથી. મુખ્યત્વે આ તફાવતો માતાપિતા તરફથી બાળકને મળતી આનુવંશિકતાને કારણે છે. વારસાગત આનુવંશિકતાને કારણે શારીરિક લાક્ષણિકતાઓમાં ફેરફારની તકો ખૂબ જ ઓછી હોય છે, પરંતુ માનસિક લાક્ષણિકતાઓ માતા તેના બાળકમાં બદલી શકે છે. તે માતાના વિચારો અને પ્રવૃત્તિઓથી બદલી શકાય છે.

તાર્કિક બુદ્ધિ, ગ્રહણશક્તિ અને યાદશક્તિ આ ત્રણેય ક્ષમતાઓના આધારે માનવ મગજની ક્ષમતા નક્કી થાય છે. જે માણસમાં આ ત્રણેય ક્ષમતાઓનો વધુ વિકાસ થયેલો હોય તે માણસ વધુ બુદ્ધિશાળી ગણાય છે.

ઉપરોક્ત તમામ માનસિક ગુણો ગર્ભાશયમાં વિકસિત થાય છે. ગર્ભાવસ્થાનો સમયગાળો માનવ મગજના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એ બાબત વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સાબિત થઈ ચૂકી છે. જાે ગર્ભવતી સ્ત્રી તેની ગર્ભાવસ્થા દરમિયાન જુદી જુદી બૌદ્ધિક પ્રવૃત્તિઓ કરે છે, તો તેનું બાળક ચોક્કસપણે ખૂબ બુદ્ધિશાળી જન્મે છે. એ જ રીતે જાે સગર્ભા સ્ત્રી ઘણી બધી યાદશક્તિની રમતો રમે અથવા ગર્ભાવસ્થા દરમિયાન વિવિધ નંબરોને યાદ કરવાનો પ્રયાસ કરે છે, તો બાળક ચોક્કસપણે ખૂબ જ સારી યાદશક્તિ સાથે જન્મે છે. જાે કોઈ સગર્ભા સ્ત્રી અલગ અલગ પ્રકારના અજાણ્યા તથ્યોને તાર્કિક રૂપે સમજવા માટે વિચારણા કરે છે, તો બાળક પણ ખૂબ જ સારી તાર્કિક શક્તિ સાથે જન્મે છે. આવી પારંગતતા જન્મ સાથે ઘણા બાળકોમાં કોઈ પણ વિષયમાં હોઈ શકે, જેવા કે આર્ટ્‌સ, સંગીત, ભાષાઓ, ફિલસૂફી, ગણિત, વિજ્ઞાન, હસ્તકલા વગેરે.

આ જ મુખ્ય કારણ છે કે સામાન્ય રીતે કોઈ સંગીતકારના ઘરે સંગીતકાર જ જન્મે છે. તે બહુ સ્વાભાવિક છે. કારણ કે એક સંગીતકારના ઘરમાં સંગીતની પ્રૅક્ટિસ રોજ થતી જ હોય અને તે ઘરની સગર્ભા સ્ત્રી તેની ગર્ભાવસ્થા દરમિયાન સંગીત દરરોજ સંભળાય જ છે, તો પરોક્ષ રીતે ગર્ભાશયમાં રહેલું બાળક પણ તે સાંભળે છે અને ગ્રહણ કરે છે અને તેથી જન્મ સુધીમાં તે બાળક પણ ઘણું સંગીત જાણવા લાગે છે અને તેથી તે નાનપણથી જ સંગીત તરફ આકર્ષાય છે. એ જ રીતે, ઘરમાં જે ભાષા બોલાતી હશે, એ ભાષા બાળક ગર્ભમાંથી જ શીખીને જન્મે છે.

પરંતુ, આવી દરેક પ્રવૃત્તિઓ બાળકના શરીરના અંગોના વિકાસના તબક્કા પ્રમાણે કરવામાં આવે તો જ સારું પરિણામ મેળવી શકાય. દા.ત. બાળકના કાન સાંભળી શકે તેવા ચોથા માસમાં જ બને છે એટલે બાળકને સંભળાવવા માટેનું સંગીત અથવા સારી વાર્તાઓનું વાંચન ચોથા માસ પછી કરવાથી સારું પરિણામ મળે છે. જ્યારે મગજનો સંપૂર્ણ વિકાસ ગર્ભના ૬ માસ બાદ થાય છે માટે જાે મગજના વિકાસ માટેની પ્રવૃત્તિ ૬ માસ પછી ગર્ભવતી સ્ત્રી કરે તો વધુ સારા પરિણામ મળે છે.

યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના બ્રેઇન મૅગેઝિનમાં પ્રકાશિત માહિતી પ્રમાણે પુખ્ત માણસના ૨૫% મગજનો વિકાસ ગર્ભમાં જ થાય છે અને ૮૦% મગજનો વિકાસ જન્મ બાદ ૨-૬ વર્ષની ઉંમરમાં થાય છે. એટલે કોઇ પણ માણસના મગજના વિકાસનો શ્રેષ્ઠ સમય ગર્ભમાં અને જન્મ પછીના ૨-૬ વર્ષ સુધીનો ગણી શકાય. જે કોઇ પણ સંજાેગોમાં આપણે વેડફવો ન જાેઈએ. અહીં મારો કહેવાનો મતલબ જરા પણ એવો નથી કે જન્મ બાદ તરત જ બાળકને અલગ-અલગ કોચિંગ ક્લાસ કે બીજી કોઇ ટ્રેનિંગ શરુ કરાવો પરંતુ ફ્લેશકાર્ડ્‌સ અને અન્ય સાધનોથી બાળક રમે તેવી વ્યવસ્થા ઘરમાં ઉભી કરો.

 જન્મ પછી પણ માતાપિતાએ બાળકોની ઉંમર અને ક્ષમતાઓ અનુસાર બાળકોને જુદા જુદા માધ્યમો દ્વારા મગજનો વિકાસ સારો બને તે માટેના યોગ્ય સંસાધનો પ્રદાન કરવા જાેઈએ. જાે માતાપિતા છ વર્ષની વય સુધી યોગ્ય સંસાધનો પૂરા પાડશે, તો પછીના વર્ષોમાં બાળક માટે દરેક શિક્ષણ સહેલું બનશે. પરંતુ જાે આ વર્ષોનો વ્યય કરશું તો બાળક અને માતાપિતા બંને યાદશક્તિ અને ગ્રહણશક્તિ માટે આખી જિંદગી મજૂરી જ કરતા રહેશે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ સાબિત થઇ ચૂક્યું છે કે - ગર્ભમાં ન્યુરોન કનેક્શન્સ (ચેતાકોષોનું જાેડાણ) તેની મહત્તમ ગતિથી થાય છે. આખી જિંદગીની સાપેક્ષે ૯ મહિનાની આટલી મહેનત બહુ ન કહેવાય એમ હું માનું છું, જે આપણા તરફથી આપણા બાળકને તેની આખી જિંદગી માટેની અમૂલ્ય ભેટ કહી શકાય. એટલે આ ૯ મહિનાના ગર્ભાવસ્થાના સમયનો સંપૂર્ણ ઉપયોગ કરો અને તમારા બાળકને અણમોલ ભવિષ્ય આપો.

મને લાગે છે - કોઈ યુનિવર્સિટી આ ૯ મહિનાના ગર્ભાવસ્થાના સમયની બરાબરી કરી શકે નહીં!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution