શિહોરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ માતા-પુત્રી પૂરમાં તણાયા

ભાવનગર, શુક્રવારના રોજ વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૧ તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે ભાવનગરના ગારિયાધરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ ખાબકતાં સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ભાગનગર જિલ્લામાં પ્રથમ વરસાદે જ એક દુખદ ઘટના સામે આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર શિહોરમાં ચાલુ વરસાદે વરસાદે વોકળો ઓળંગી રહેલી માતા-પુત્રી પુરના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેથી સમયસૂચકતા વાપરીને સ્થાનિકોએ ભારે જહેમતથી મહિલાનો જીવ બચાવી લીધો હતો.

પરંતુ મહિલાની દિકરીને બચાવી શક્યા ન હતા. જેથી સગીરા ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. માલધારી પરિવારની મહિલા અને તેની ૮ વર્ષની દિકરી મોડી સાંજે ચાલુ વરસાદે કુંબરબાઇ નહેરના વોકળામાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે અચાનક આવેલા પાણી પ્રવાહના લીધે માતા અને દિકરી બંને તણાયા હતા. માતા અને દિકરીને તણાતા જાેઇને આસપાસથી લોકો તેમની મદદે દોડી આવ્યા હતા. ભારે જહેમત બાદ જીવના જાેખમે લોકો મહિલાનો જીવ બચાવવામાં સફળ રહ્યા પરંતુ કમનસીબે સગીરાને બચાવી શક્યા ન હતા. થોડીવાર શોધખોળ બાદ સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ શિહોર પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.સગીરાના મૃતદેહને પીએમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution