અમેરિકામાં એક જ દિવસમાં 91,000 કરતા વધારે કેસ નોંધાયા, હોસ્પિટલો ઉભરાઈ

ન્યુયોર્ક-

અમેરિકામાં કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસોએ નવો રેકોર્ડ તોડ્યો છે, અહીં એક દિવસમાં 91,000 કરતા વધારે કેસ નોંધાયા છે. કેસો વધવાની સાથે હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસને કાબૂમાં લાવવા માટેના પ્રયાસો વચ્ચે નવો ઉછાળો આવતા ચિંતામાં વધારો થયો છે. ઠંડીનું પ્રમાણ વધતા પણ કોરોનાનો ખતરો વધવાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે અને ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી આવી રહી છે અને તેના પહેલા આ રીતે કેસમાં આવેલો ઉછાળો ચિંતાનું કારણ બન્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાની સૌથી વધારે અસર ઓહિયો, મિશિગન, નોર્થ કેરોલિન, પેન્સિવેલિયા અને વિસકોન્સિનમાં થયો છે. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલા કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેના કારણે ચિંતાનો વિષય બન્યો છે. આ સાથે યુરોપમાં પણ રેકોર્ડ લેવલ પર કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. અહીં કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે ફ્રાન્સ અને જર્મનીમાં આ અઠવાડિયે લોકડાઉન જાહેર કરાયું છે. આ પહેલા અમેરિકામાં 23 ઓક્ટોબરે 84,169 નવા કેસ નોંધાયા હતા, કોઈ એક દેશમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસના રેકોર્ડમાં ભારતમાં 17 સપ્ટેમ્બરે 97,894 કેસ નોંધાયા હતા. 

વ્હાઈટ હાઉસના કોરોના વાયરસ ટાસ્કફોર્સે જણાવ્યું કે, કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. ગુરુવારે 12 રાજ્યોમાં એક દિવસમાં કોરોના વાયરસના નવા કેસનો નવો રેકોર્ડ નોંધાયો હતો. કોરોના વાયરસના કેસ વધવાની સાથે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ ગયો છે. ગુરુવારે ઓક્ટોબરમાં ત્રીજી વખત કોરોનાના કારણે 1000 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસથી 2,29,000 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં દુનિયાના બાકી દેશો કરતા સૌથી વધુ લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. ઓક્ટોબરમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યામાં 50%નો ઉછાળો આવ્યો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution