મુંબઈ-
ઈ-વે બિલ, પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવો અને ગુડ્ઝ સર્વિસ ટેક્સ-જીએસટી-ની મુશ્કેલીઓને પગલે આજે ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું છે. માર્ગ પરિવહન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટર્સ વેલફેર એસોસિએશન અને અન્ય સંગઠનોએ પણ બંધના એલાનને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે.
કૈટના મહાસચિવ પ્રવિણ ખંડેલવાલે કહ્યું હતું કે, શુક્રવારે દેશભરમાં 1500 જેટલા સ્થળોએ ધરણા પણ યોજાશે. તમામ બજારો બંધ રખાશે. 40,000થી વધારે વેપારી સંગઠનો સાથે જોડાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે.
કૈટના જણાવ્યાનુસાર, ગયા વર્ષે 22મી ડિસેમ્બર અને ત્યારબાદ જીએસટીના નિયમોમાં અનેક ફેરફાર કરાયા છે, જેમાં અધિકારીઓને ખૂબ છૂટ અપાઈ છે. કોઈપણ અધિકારી કોઈપણ કારણ આપીને કોઈપણ વેપારીનું જીએસટી રજીસ્ટ્રેશન અને નંબર રદ કરી શકે છે. બેંક અકાઉન્ટ અને તેની સંપત્તિ પણ જપ્ત કરી શકે છે. ખાસ વાત એ છે કે, એ માટે કોઈ નોટિસ પણ અપાતી નથી. વેપારીઓના મૌલિક અધિકારોનું આ હરણ છે.
પહેલી જાન્યુઆરીથી અમલી બનેલા નવા ઈ-વે બિલના નિયમને પગલે ટ્રાન્સપોર્ટ અને વેપારીઓમાં ચિંતા પેઠી છે, કેમ કે, ઈ-વે બિલની મર્યાદા 100 કિમી થી વધારીને 200 કિમી કરી દેવાઈ છે. ખરેખર તો 2021-22ના બજેટમાં ઈ-વે બિલના અનુચ્છેદ 129માં ફેરફાર કરાયો છે. એ મુજબ, જો બિલમાં કોઈ ભૂલ હશે તો ટેક્સ અને પેનલ્ટી બંને સાથે લાગશે.
તમામ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુનિયનોએ પણ નવા ઈ-વે બિલ કાયદાના વિરોધમાં કૈટને ટેકો આપ્યો છે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે. મોલનું બુકીંગ, ડિલિવરી, લોડીંગ અને અનલોડીંગ પણ બંધ રહેશે. તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ સવારે 6 થી સાંજે 8 વાગ્યા સુધી પોતાની ગાડીઓ પાર્ક જ કરી રાખશે.