સંતરામ મંદિર દ્વારા ૧૩ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા મોકલાયા

નડિયાદ, કુદરતી આપદા સમયે હર હંમેશા સેવામાં પ્રથમ હરોળમાં સ્થાન પામતું નડિયાદ સંતરામ મંદિરની સેવા તાજેતરમાં આવેલા પુરપ્રકોપમા સરહાનીય રહી છે. સમગ્ર જિલ્લામાં પુર અસરગ્રસ્તોના ઘરના દ્વારે પહોંચી ભોજનની સેવા આપી છે. વડોદરામાં પુરપ્રકોપના લીધે જનજીવન ખોરવાયું છે ત્યાં આ મંદિર દ્વારા ફુડ પેકેટ સહિત કોરો નાસ્તો અને સુખડી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજીત ૧૩ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી રવાના કરાયા છે.સમગ્ર ગુજરાત હાલ જળપ્રલયની લપેટમાં આવ્યું છે. અતિવૃષ્ટિને કારણે ભારે તબાહી મચી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદને પગલે જન જીવન પ્રભાવિત થયુ છે. જાેકે હાલ પાણી ઓસરતા સ્થિતિ સામાન્ય બની છે. પરંતુ નિચાણવાળા વિસ્તારોમાં હજી પણ વરસાદી પાણી ઓસર્યા નથી. પૂર અસરગ્રસ્તોના સહારે નડિયાદનુ સેવાકીય મંદિર સંતરામ મંદિર આવ્યું છે. સેવાની જ્યોતથી મનુષ્યના જીવનમાં ઉજાસ પાથરતા આ મંદિરની સેવા અકલ્પનીય છે. કુદરતી હોનારતમાં હર હંમેશા આગળ આવીને મદદ કરતી આ ધાર્મિક સંસ્થા દ્વારા પુરપ્રકોપમા પણ ભોજન, આસરો આપી માનવ જીવનને ધબકતું રાખવાના પ્રયાસ કર્યા છે.આ મંદિરના વર્તમાન ગાદીપતિ રામદાસજી મહારાજ અને સંતો તેમજ ટ્રસ્ટીઓ અને સંતરામ ભક્તો દ્વારા મંદિરમાં ૧૩ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરી વડોદરા પુર અસરગ્રસ્તો માટે રવાના કરાયા છે. આ ઉપરાંત સુખડી-કોરો નાસ્તો પણ મોકલાયા છે. ગઈકાલે ૫ હજાર જેટલા ફૂડ પેકેટ કરમસદ સંતરામ મંદિરની ગાદી ખાતેથી મોકલી અપાયા હતા.  ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ને સાર્થક કરી આ સંસ્થા મદદ કરી રહી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પણ આ પુરપ્રકોપમા ભોજન, રહેવાની સુવિધાઓ અસરગ્રસ્તોને વિનામૂલ્યે સંતરામ મંદિરે કરી આપી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution