વડોદરા -
કોરોનાના વાઈરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ રાજ્યો અને સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા તમામ સાવચેતીભર્યા પગલાં લેવાઈ રહ્યાં છે. તેમ છતાં કોરોના વાઈરસ આઉટ ઓફ કંટ્રોલ નજરે પડી રહ્યો છે.
આ સાથે સંખ્યાબંધ દર્દીઓ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે આવી રહ્યા છે પરંતુ સેવા સદનના આરોગ્ય વિભાગના ચોપડે કોરોના કાબૂમાં હોવાનું દર્શાવાઈ રહ્યું છે. વિતેલા છેલ્લા ર૪ કલાકમાં આજે કોરોના પોઝિટિવ ૧૧૭ દર્દીઓ નવા અને વધુ નોંધાતાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૧૨,૦૦૦નો આંક વટાવી ૧૨,૧૫૦ પર પહોંચ્યો છે. આજે બિનસત્તાવાર ૧૧ દર્દીઓના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ આજે વધુ એક દર્દીના મોતને કોરોનામાં સમર્થન આપતાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક ર૦૦ થયો હતો.
હાલ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાના ૧૬૩૩ સારવાર લઈ રહ્યા છે જેમાં ૧૩૮૧ દર્દીઓ સ્ટેબલ હોવાનું, ૧૭૯ ઓક્સિજન પર અને ૭૩ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની વિવિધ ટીમોએ શહેરના આજવા રોડ, દંતેશ્વર, વડસર, અકોટા, દિવાળીપુરા, વારસિયા રોડ, ગોત્રી, હરણી, તરસાલી રોડ, સમા, નવાપુરા, વીઆઈપી રોડ, વાઘોડિયા રોડ, ગોરવા, સુભાનપુરા, માંજલપુર, અટલાદરા, છાણી, તાંદલજા, નવાયાર્ડ અને માણેજા સહિતના વિસ્તારોમાં અને ગ્રામ્યના શેરખી, સેવાસી, ડભોઈ, પાદરા, રણોલી, જરોદ, સાવલી સહિતના વિસ્તારોમાં ૪૩૮૯ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૪૨૭૨ વ્યક્તિઓના કોરોનાના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૧૭ પોઝિટિવ આવ્યા હતા.
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી ૧૪૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને ૧૦,૩૧૭ થઈ હતી. આજે ડિસ્ચાર્જ આપવામાં આવેલ દર્દીઓમાં ૧૪ સરકારી હોસ્પિટલ, ૩૧ ખાનગી હોસ્પિટલમાંથી અને ૧૦૨ હોમ આઈસોલેશનમાંથી મુક્ત કરાયા હતા. આજે પોઝિટિવ આવેલા ૧૧૭ દર્દીઓમાં વડોદરા ગ્રામ્ય સહિત ચાર ઝોનમાંથી સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં ૨૯, ઉત્તર ઝોનમાં ૧૮, દક્ષિણ ઝોનમાં ૧૪ અને પૂર્વ ઝોનમાં ૧૪ કેસ નોંધાયા હતા, જ્યારે ગ્રામ્યમાંથી ૪૨ દર્દીઓ નોંધાયા હતા.
બાજવાની હોસ્પિટલનું કોવિડ સેન્ટર બંધ કરાવવા સ્થાનિકોની રજૂઆત
વડોદરા. બાજવાના કરોડિયા ખાતે સત્યમ્ ટેનામેન્ટ, અમરનાથ ટેનામેન્ટ, દીપજ્યોત સોસાયટી, દ્વારકેશ રેસિડેન્સી સોસાયટીના આશરે પાંચ હજાર જેટલા રહીશોએ તેમના રહેણાંક વિસ્તારમાં આવેલ કમલાદક્ષ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર અને દાખલ કરવામાં આવતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે જેને લઈને સ્થાનિક રહીશોએ પાલિકામાં રજૂઆત કરી કોવિડ સેન્ટર બંધ કરાવવાની માગ કરી હતી.