અમદાવાદ
ગુજરાતમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે અને છેલ્લાં ત્રણ દિવસમાં ફરી કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઇ રહ્યો છે. આજે કોરોનાનાં નવાં ૧૧૨૫ કેસ અને છ મોત નોંધાયા છે. હવે અમદાવાદમાં ફરી સુરતથી વધારે કેસો નોંધાઇ રહ્યા છે. આજે અમદાવાદમાં ૨૦૭ અને સુરતમાં ૧૮૪ કેસ નોંધાયા છે. હાલ સમગ્ર રાજ્યમાં ૧૨,૨૪૫ એક્ટિવ કેસ છે.
આજે અમદાવાદમાં ૨૦૭, સુરતમાં ૧૮૪, રાજકોટમાં ૧૩૪, વડોદરામાં ૧૩૦, મહેસાણામાં ૭૦, ગાંધીનગરમાં ૪૭, બનાસકાંઠામાં ૪૧, પાટણમાં ૩૮, જામનગરમાં ૩૮, સાબરકાંઠામાં ૨૩, મોરબીમાં ૨૨, સુરેન્દ્રનગરમાં ૨૦, ભરૂચમાં ૧૮, પંચમહાલમાં ૧૭ અને જૂનાગઢમાં ૧૭ કેસ નોંધાયા છે. મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં કેસોનો રાફડો ફાટવાના કારણે પરિરિસ્થિતિ ગંભીર બની છે. અહીં કોરોનાની સારવાર માટે પ્રમાણમાં ઓછી સગવડતા હોવાથી અહીંના દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે ગાંધીનગરની હોસ્પિટલોનો આધાર રાખવો પડે છે.
છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં બે, રાજકોટમાં બે, સુરતમાં એક અને વડોદરામાં એક એમ કુલ છ કોરોના દર્દીઓના મોત થયાં છે. રાજકોટમાં કેસોની સંખ્યા વડોદરા કરતા પણ વધુ હોવાથી અહીં પણ કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. આજના કેસો બાદ કુલ કેસોની સંખ્યા ૧,૮૩,૮૪૪ થઇ છે અને કુલ મોતનો આંક ૩,૭૭૯ થયો છે. સમગ્ર રાજ્યમાં અત્યારે ૧૨,૨૪૫ એક્ટિવ છે. જે પૈકી ૭૪ વેન્ટિલેટર પર અને ૧૨,૧૭૧ સ્ટેબલ છે. આજે થયેલા ૧૩૫૨ ડિસ્ચાર્જ બાદ કુલ ડિસ્ચાર્જનો આંક ૧,૬૭,૮૨૦ થયો છે.
દિવાળીના તહેવારને લીધે અમદાવાદ ફાયર વિભાગના કર્મચારીઓની રજા રદ્દ
દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે તે માટે કાળજી રાખવા આયોજન કરાયું. તો રહેણાંક વિસ્તારની આસપાસમાં આગ લાગે તો ફાયરવિભાગના તમામ વાહનોને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા સેનીટાઈઝરનો ઉપયોગ કરી ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી છે.