અમદાવાદ-
હવામાન વિભાગની આગાહી અનુસાર 24 જુલાઈને શનિવારથી ગુજરાત તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ કચ્છમાં પણ વરસાદની સંભાવના છે.
25, 26 અને 27 જુલાઈએ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ આવવાની શક્યતા છે. 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર છે, પણ બાકીના વિસ્તારો હજુ પણ કોરાકટ છે. સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લામાં તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદ અંધારેલો રહે છે, આ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ આવતો નથી. છેલ્લા પાંચ દિવસથી વરસાદ નથી. વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારાને કારણે લોકો કંટાળી ગયા છે. ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે. વાવણી થયા બાદ બીજી વખત વરસાદ આવે તો પાક સારો થાય તેમ છે. હવે હવામાન વિભાગે આગાહી મુજબ આગામી 3 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે.