મમ્મીનો મેસેજ

આ દુનિયામાં કોણ સંઘર્ષ નથી કરતું? સફળતાની દરેક વાર્તાઓ આ સંઘર્ષની ફરતે જ વીંટળાયેલી છે.

મારી નાની ઉમરમાં પૈસાની કિંમત કેટલી મોટી હોય છે એ મને સમજાવા લાગી હતી.

બિઝનેસમાં ખોટ જવાના કારણે ખેતી કરી બે પૈસા મેળવવા એક વર્ષ પપ્પા ગામડે રહ્યાં ત્યારે જે કપરો સમય મેં જાેયો છે એ વિચારીને આજે પણ રૂંવાડા ઉભા થઈ જાય છે. હું ત્યારે આઠમા ધોરણમાં ભણતો હતો. મારી મમ્મી ઘર ચલાવવા માટે મોડી સાંજ સુધી ટ્યૂશન કરતી. પૈસાની કટોકટીમાં પણ ક્યારેય મારી ખુશીઓમાં કમી તેણે વર્તાવા દીધી નહતી. આજે આટલાં વર્ષો વિત્યા બાદ પણ મારા મમ્મીના ચહેરા પર આર્થિક ભીંસના લીધે પથરાયેલી એ લાચારી હું ભૂલી શકતો નથી. રેસીડેન્સીની ટ્રેનિંગમાં તકલીફ ઘણી પડતી, પણ જે તકલીફો વેઠીને મારા માબાપે મને અહીં સુધી પહોંચાડ્યો તેની આગળ રેસીડેન્સીમાં પડતા દુઃખ મને ખુબ જ સામાન્ય લાગતાં.

મારા ફર્સ્ટ યર રેસીડેન્સીના આઠ મહિના પૂરા થવા આવ્યા હતાં. કેઝ્‌યુઅલ્ટીમાં ઉભરાતા પેશન્ટસ.

ચારે તરફથી સંભળાતી ચીસો અને ફક્ત દુઃખ જ દુઃખ.

અચાનક એક ૭૦ વર્ષના ડોશીમાને લઇને બધા દોડતા આવ્યાં. હ્ય્દયરોગનો હુમલો આવેલો ડોશીમાને. બધા જ પ્રયાસો કરવામા આવ્યાં. સી.પી.આર. આપવામાં આવ્યો.પણ બધુ જ નિષ્ફળ.

હ્ય્દયની પટ્ટી કાઢવામાં આવી અને તેમાં હતી સ્ટ્રેટ લાઇન. ડોશીમાને ડેડ ડિક્લેર કરવામાં આવ્યાં.

તેમની ડેડબોડી હું પિડિયાટ્રીકની ઓ.પી.ડી. જાેવા જ્યાં બેઠો હતો તેની બરાબર પાછળ સ્ટ્રેચર પર મૂકવામાં આવી હતી.

થોડીકવારમાં તેમને શોધતા શોધતા તેમની ત્રણ દીકરીઓ આવી અને તેમાંથી એક દીકરી બોલી,

"બા, એ બા, તું કેમ ઉઠતી નથી?”

પણ તેની બાએ આંખ ખોલી જ નહીં.

અને પછી ત્રણેય દીકરીઓનું હ્ય્દયદ્રાવક આક્રંદ.

આ બધું જ હું સાંભળતો હતો.

“બહેન, ભઈલાને ફોન કર્યોં કે નહીં? એને કહેવું પડે કે બા આપણને મૂકીને જતી રહી.”

સૌથી નાની દીકરીએ પોતાની મોટી બહેનની તરફ જાેઈને રડતાં રડતાં કહ્યું. “કર્યો’તો ફોન. પણ આવાની ના પાડે છે, કે છે મારે અને એને કોઇ સંબંધ નથી.”

ડૂસકાં લેતા મોટી બહેન બોલી. “મર્યા બાદ શેનો ઝગડો ને શેનું દુઃખ? પોતાની માનું છેલ્લી વાર મોં જાેવા પણ એ નહીં આવે તો એ મારી માનો દીકરો કેમનો કેવાય?”

ત્રીજી જે દીકરી હતી તે એકદમ સ્થિર અવાજે બોલી.

“દીકરા હોય તો જ થોડા અંતિમ સંસ્કાર થાય એવું કંઈ થોડું છે, આપણે ત્રણ જણા કાફી છીએ.”

મોટી બહેને મક્કમ અવાજ સાથે કહ્યું.

આ ચર્ચા ચાલતી હતી ત્યારે એક ત્રણ વર્ષની નાની છોકરીને તાવની તકલીફ માટે બતાવવા એક ૩૦ વર્ષના બહેન આવ્યા હતાં.

હું એ ઢીંગલીની દવા લખતો હતો ત્યારે આ બહેન બધી ચર્ચા સાંભળતા હતાં. દવાનું કાગળ હાથમાં પકડી પોતાની દીકરીને ખોળામાં લઈને તે બોલ્યાં, “સાહેબ, જે છોકરાઓ માટે માબાપ મરી પરવારે છે, જેમને પોતાના માબાપને રાખવા નથી હોતા, એના કરતા તો અમે પથરા શું ખોટા કે જેને પારકા ગણીને પરણાવી દે છે તોય અમારા મનમાં અમારા માબાપની ચિંતા કદી ઓછી નથી થઈ શકતી.”

એ બહેનની વાત મને સંપૂર્ણ સત્ય લાગી. તે બહેન તો નીકળી ગયા પણ આ ત્રણ દીકરીઓનું આક્રંદ વધી રહ્યું હતું.

વારે વારે કાનમાં સંભળાતો ‘મા’ શબ્દ સીધો દિલમા રેડાયો અને મારી ‘મમ્મી’નો ચહેરો મારી સામે આવી ગયો!

રેસિડન્સી એક કઠોર તપ જેવી છે, જેમા ફેમિલી, રિલેશન્સ કોઇના માટે કોઇ જ જગ્યા નથી.

કેટલાય દિવસોથી મમ્મીનો અવાજ ફોન પર સાંભળ્યો નહતો અને તેમાં પણ કાનમાં સંભળાતો આ ‘મા’ શબ્દ એક ટીસ ઉભી કરતો હતો.

પથ્થરદિલમાં આજે જાણે લાગણીઓ રેડાઇ હતી, કેઝ્‌યુઅલ્ટીના તમામ અવાજાે સાંભળવા માટે જાણે કે કાન સૂન્ન થઇ ગયા હતાં, બસ, ફકત એક જ શબ્દ કાનમાં ગૂંજી રહ્યો હતો અને એ હતો ‘મા’..!

વાત ના થઇ શક્વાના લીધે, મમ્મી સવારે અને સાંજે મને મેસેજ ભૂલ્યા વિના કરતી, અને દરરોજ એક જ સવાલ,

"તંે જમ્યું કે નહીં?”

"તારી તબિયત સાચવજે.”

મનથી દુઃખી હોઉં કે ફિઝિકલ કોઇ તકલીફ હોય, મમ્મીને કદી કહેવાની જરૂર જ નથી પડતી, ખબર નહીં કઇ રીતે પણ તેને ખ્યાલ આવી જ જાય છે કે મારી તબિયત આજે સારી નથી.

શબ્દો અને અવાજ વગરનું લાગણીઓનું એક અલગ જ કોમ્યુનિકેશન, જેને કદાચ કોઇ મેડિકલ સાયન્સ એક્સપ્લેઈન નહીં કરી શકે.

પાછળથી રડવાનો અવાજ ઓછો થયો, અને બધી દીકરીઓ માની અંતિમ યાત્રા લઇને નીકળી.

સ્ટ્રેચર હજી બહાર જ પહોંચ્યુ હતું, અને વોટ્‌સએપમાં એક મેસેજ બ્લિંક થયો,

"કેવુ છે તને? તબિયત સારી છે ને? આજે ખબર નહીં કેમ પણ, તું બહુ જ યાદ આવે છે.”

સામે છેડે મેસેજ મમ્મીનો હતો.....!!

ભીની આંખોથી એ મેસેજ હું એકીટશે જાેઈ રહ્યો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution