મોહમ્મદ રફીઃ ના ફનકાર તુઝ સા તેરે બાદ આયા..

ભારતના જે કોહિનૂરને ખુદાએ આપણી પાસેથી છીનવી લીધોે એવા કરોડો ચાહકોના દિલમાં બિરાજમાન સુરીલા સ્વરના માલિક મોહમ્મદ રફીની કારકિર્દી ચાર દાયકા સુધી વિસ્તરેલી હતી. તેમણે પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર અને છ ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. ૧૯૬૭માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં. રફીએ ૨૬,૦૦૦થી વધુ ફિલ્મી ગીતો ગાયા છે.

તેમણે ઘણી ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, કોંકણી, ઉર્દૂ, ભોજપુરી, ઉડિયા, પંજાબી, બંગાળી, મરાઠી, સિંધી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, મઘી, મૈથિલી અને આસામી જેવી ભાષાઓમાં ગીતો ગાયા હતાં. તેમણે કેટલાક અંગ્રેજી, પર્શિયન, સ્પેનિશ અને ડચ ગીતો પણ રેકોર્ડ કર્યા હતાં.

૨૪ ડિસેમ્બર, ૧૯૨૪માં પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં હાજી અલી મોહમ્મદના ઘરે જન્મેલા અને છ પુત્રોમાંથી સૌથી નાના મોહમ્મદ રફી હતાં. તેમણે ગામના એક ફકિરની નકલ કરતા કરતા ગાવાનું શરૂ કર્યું, આથી રફીને ફકિરના હુલામણા નામથી ઓળખવામાં આવતા.૧૯૩૫-૩૬માં રફીના પિતા લાહોર ગયા અને બાદમાં તેમના પરિવારે પણ તેમની પાછળ સ્થળાંતર કર્યું. રફીના કુટુંબે લાહોરના નૂર મોહલ્લામાં પુરુષો માટેનું એક સલૂન ખરીદ્યુ હતું.

૧૯૪૫માં રફીએ તેમની પિત્રાઈ બિલ્કીસ સાથે તેમના ગામમાં લગ્ન કર્યા. જેનાથી તેમને ચાર પુત્રો અને ત્રણ પુત્રી થઈ. તેમના સાળા મોહમ્મદ હમીદ હતા કે જેમણે રફીની આવડતને પારખી અને તેમને પ્રોત્સાહિત કર્યા. રફી ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યાં. રફીએ ૧૩ વર્ષની વયે પોતાની પ્રથમ જાહેર રજૂઆત કરી હતી. કે. એલ. સાયગલ માટેના એક સંગીત જલસામાં તેમને ગાવાની તક મળી.૧૯૪૧માં પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચ‘ માં ઝિનત બેગમ સાથે ‘સોનિયે ની, હીરિયે ની’ ગીતમાં શ્યામ સુંદર હેઠળ રફીએ પાર્શ્વ ગાયક તરીકેનું પોતાનું પ્રથમ ગીત ગાયું. ૧૯૪૪માં રફી બોમ્બે આવ્યાં. ભાઈઓએ ભેગા મળીને ભીંડી બજારના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં દસ બાય દસની રૂમ લીધી. અહીં કવિ તનવીર નકવીએ તેમને કેટલાક ફિલ્મ નિર્માતાઓ અબ્દુલ રશિદ કારદાર, મહેબૂબ ખાન,અને અભિનેતા-દિગદર્શક નાઝિર સાથે ઓળખાણ કરાવી આપી. ચોપાટીના દરિયા કિનારે સવારના સમયે લાંબા કલાકો સુધી તેઓ રિયાઝ કરતાં. શ્યામ સુંદર મુંબઈમાં હતાં અને તેમણે ફરી એકવાર રફીને તક આપી. જી.એમ દુર્રાની સાથે ગાંવ કી ગોરીમાં યુગલ ગીત 'અજી દિલ હો કાબુમેં તો દિલદાર કી ઐસી તૈસી...’ ગાયું, જે હિન્દી ફિલ્મોમાં રફીનું પ્રથમ રેકોર્ડેડ ગીત હતું. ૧૯૪૮માં મહાત્મા ગાંધીની હત્યા બાદ, હુસનલાલ ભગતરામ-રાજેન્દ્ર ક્રિશ્ના-રફીના જૂથે મળીને રાતોરાત ‘સુનો સુનો એ દુનિયાવાલોં, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા તેમને આ ગીત ગાવા માટે ગાંધીજીના ઘરે બોલાવવામાં આવ્યા હતાં. ૧૯૪૮માં સ્વતંત્રતા દિને નહેરુ દ્વારા રફીને મેડલથી નવાજવામાં આવ્યા હતાં.

ભારતના ભાગલા બાદ રફીએ ભારતમાં જ રોકાઈ જવાનો ર્નિણય કર્યો, અને તેમનું કુંટુંબ મુંબઈ આવી ગયું. પોતાના સમયમાં રફી ઘણા સંગીતકારો સાથે જાેડાયેલા હતા, જેમાંથી નૌશાદ મુખ્ય હતા.૧૯૫૦ના અંતમાં અને ૧૯૬૦માં રફીએ ઓ. પી. નૈયર, શંકર જયકિશન, અને એસ. ડી. બર્મન જેવા અન્ય સંગીતકારો સાથે કર્યું.

૧૯૪૯માં ‘સુહાની રાત ઢલ ચૂકી’ ગીત રફીએ નૌસાદ સાથેની બેલડીમાં આપ્યું, જેણે તેમને હિન્દી સિનેમામાં પાર્શ્વ ગાયક તરીકેની ખ્યાતિ અપાવી. બૈજુ બાવરાના ગીતો ‘ઓ દુનિયા કે રખવાલે’ અને ‘મન તડપત હરિ દર્શન કો આજ’ એ રફીની ઓળખ બન્યાં. રફીએ નૌશાદ માટે કુલ ૧૪૯ ગીતો ગાયા હતાં.

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રફી અને શંકર-જયકિશનની ભાગીદારી હતી. શંકર-જયકિશનના બેનર હેઠળ રફીએ શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા કલાકારો માટે કેટલાક ગીતો પણ તૈયાર કર્યા હતાં. રફીને મળેલા છ ફિલ્મફેરમાંથી ત્રણ ગીતો શંકર-જયકિશનના હતાં. રફી દ્વારા ગાયેલુ ‘યાહુ! ચાહે કોઈ મુઝે જંગલી કહે’,એક માત્ર ગીત હતું જે અત્યંત ઝડપી ઓર્કેસ્ટ્રા સાથે તૈયાર કરાયું હતું. જેના સંગીતકાર શંકર જયકિશન હતાં. રફીને પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર ‘ચૌદવી કા ચાંદ’ ફિલ્મના ટાઈટલ ગીત માટે મળ્યો હતો, જે રવિએ તૈયાર કર્યું હતું. ફિલ્મ ‘નિલ કમલ’નું ‘બાબુલ કી દુઆએં લેતી જા’ ગીત પણ રવિ દ્વારા રચાયું હતું, જે માટે રફીને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રફી આ ગીતના રેકોર્ડીંગમાં રડી પડ્યાં હતાં. ૧૯૭૭માં બીબીસી સાથેની એક મુલાકાત દરમિયાન તેમણે ખુદ આ વાત કબુલી હતી. રફી અને ઓ. પી. નૈય્યરે ૧૯૫૯-૬૦ના દાયકામાં કેટલુંક સંગીત સાથે મળીને તૈયાર કર્યું. ઓ. પી. નૈય્યરે એક વાર કહ્યું હતું ‘જાે મોહમ્મદ રફી ના હોત તો ઓ. પી. નૈય્યર પણ ના હોત’.

 લતા મંગેશકર એમ ઈચ્છતા હતા કે ફિલ્મના નિર્માણમાં ગીતની રૉયલ્ટીના પાંચ ટકામાંથી અડધો ભાગ ગાયકને આપવાની માંગણીમાં રફી તેમને ટેકો આપે. રફીએ કહ્યું, “અમે પાર્શ્વગાયક કલાકારો ગીતની રચના નથી કરતા, અમે માત્ર સંગીત નિર્દેશકોના નિર્દેશ મુજબ, પડદા પર તેનું પુનઃનિર્માણ કરીએ છીએ. અમે ગાઈએ છીએ, તેઓ ચૂકવે છે, તેથી ત્યાં જ બંને તરફની પ્રતિબદ્ધતાનો અંત આવે છે.”

લતાએ રફીના આ દ્રષ્ટિબિંદુને રૉયલ્ટીના મુદ્દા પર અવરોધ તરીકે નિહાળ્યું. લતાએ કહ્યું કે તેઓ હવે રફી સાથે નહીં ગાય. બાદમાં, એસ. ડી. બર્મનના આગ્રહથી, બંનેએ સમાધાન કરવાનું અને યુગલ ગીતો ગાવાનું નક્કી કર્યું.

રફી કદી પણ મદ્યપાન ન કરનારા, અત્યંત ધાર્મિક અને ખૂબ જ નમ્ર વ્યક્તિ હતાં. તેઓ એક ચુસ્ત મુસ્લિમ હતાં. તેઓ ઘણા પારિવારીક માણસ હતાં. રેકોર્ડિંગ રૂમથી ઘર અને ઘરથી રેકોર્ડિંગ રૂમ તેમનો ક્રમ હતો. તેઓ ક્યારેક પારિવારીક પ્રસંગોમાં હાજરી આપતા નહી તેમજ ધુમ્રપાન કે દારૂનુ સેવન પણ કરતા નહી. તેઓ ભૂલ્યા વગર દરરોજ સવારે ૩થી ૭ વાગ્યા સુઘી તેમના સંગીતનો અભ્યાસ કરતાં. તેમને માત્ર કેરમ અને બેડમિન્ટન રમવાનો અને પતંગ ઉડાડવાનો શોખ હતો.

૩૧ જુલાઈ ૧૯૮૦ને ગુરુવારના રોજ હૃદયરોગના હુમલાના પગલે રફી રાત્રે ૧૦-૫૦ વાગ્યે જન્નતનશીન થયા. તેમનું છેલ્લું ગીત હતું ફિલ્મ આસપાસ નું “શામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત” જે તેમણે મૃત્યુના થોડા જ કલાકો પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે રેકોર્ડ કર્યુ હતું. રફીને જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવાયા હતા.આ મુંબઈએ જાેયેલી સૌથી મોટી અંતિમવિધિઓમાંની એક હતી, જેમાં દસ હજાર કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો. દુર્ભાગ્યે ૨૦૧૦માં નવા મૃતદેહો માટે જગ્યા કરવા માટે તેમની કબરને તોડી નંખાઈ હતી. મોહમ્મદ રફીના ચાહકો જે દર વર્ષે બે વખત, ૨૪ ડિસેમ્બર અને ૩૧ જુલાઈના રોજ, તેમની જન્મ અને પુણ્યતિથિએ કબર પર આવે છે. તેઓ નિશાની તરીકે તેમની કબરની સૌથી નજીક આવેલી નાળીયેરીને ધ્યાનમાં રાખે છે.

'ક્રોધ’ ફિલ્મમાં મોહમ્મદ રફીને ટ્રિબ્યુટ આપતું એક ગીત - ના ફનકાર તુઝસા તેરે બાદ આયા... આનંદ બક્ષીએ લખ્યું, મોહમ્મદ અઝીઝે ગાયું અને પડદા ઉપર તેને અમિતાભ બચ્ચને રજૂ કર્યું હતું.જે ખુબ ચાહના પામ્યું હતું.

એમ કહેવાય છે કે અંત સમયે તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી.ત્યારે તેમણે આ ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, “ઓ દૂનિયા કે રખવાલે, સુન દર્દ ભરે મેરે નાલે; જીવન અપના વાપસ લેલે, જીવન દેને વાલે”.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution