ચેન્નાઈ :લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે ૧ જૂને મતદાન થશે. આ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ ૩૦ મેની સાંજે શાંત થશે. પીએમ મોદી ૩૦ મેના રોજ સાંજે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલમાં તેઓ ધ્યાન કરશે. જાે કે પીએમ મોદીના આ કાર્યક્રમથી કોંગ્રેસે નારાજગી દર્શાવી છે. તમિલનાડુ કોંગ્રેસે કહ્યું છે કે પીએમ મોદીનો આ કાર્યક્રમ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. દરમિયાનમાં કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ ચૂંટણી પંચની કચેરીમાં પહોંચી રજૂઆત કરી વિરોધ નોંધાવ્યો હતો. અભિષેક મનુ સિંઘવીએ ચૂંટણી પંચ સમક્ષ એવી રજૂઆત કરી છેકે આ કાર્યક્રમ થકી કોઇને પણ પ્રત્યક્ષ કે અપરોક્ષ રીતે પ્રચાર કરવાની અનુ મતિ આપવી જાેઇએ નહીં. આ તો પ્રચાર કરવાનો અને પોતાને સમાચારોમાં ધ્યાન કેન્દ્રીત કરવાનો હંથકડો છે.કોંગ્રેસે પીએમ મોદીના કાર્યક્રમને લઈને ચૂંટણી પંચમાં જવાની પણ વાત કરી છે. તમિલનાડુ કોંગ્રેસે કન્યાકુમારીના વિવેકાનંદ રૉક ખાતે પીએમ મોદીના ધ્યાન કાર્યક્રમ વિશે કહ્યું છે કે આ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલા યોજાયેલું નાટક છે. કોંગ્રેસે કહ્યું કે તે ચૂંટણી પંચનો સંપર્ક કરશે અને કહેશે કે છેલ્લા તબક્કાના એક દિવસ પહેલા મત માંગવાનો આ ડ્રામા છે. તમિલનાડુ કોંગ્રેસના વડા સેલવાપેરુન્ધાગાઈએ કહ્યું કે પીએમ મોદી દ્વારા આ કાર્યક્રમનું આયોજન આચારસંહિતાનું ઉલ્લંઘન કરે છે કારણ કે તે સતત મીડિયા કવરેજ દ્વારા મતદારોને પ્રભાવિત કરી
શકે છે.આ સાથે ડીજીપીને આગામી ત્રણ દિવસમાં પ્રવાસીઓ માટે સંભવિત વિક્ષેપને ટાંકીને પીએમ મોદીના કાર્યક્રમની પરવાનગી નકારવા માટે પણ વિનંતી કરવામાં આવશે.પીએમ મોદીનો આ કન્યાકુમારી પ્રવાસ ૩૦ મેથી ૧ જૂન સુધી રહેશે. આ પહેલા ૩૦ મેના રોજ સવારે ૧૧ વાગ્યે પીએમ મોદી હોશિયારપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ પછી તે તમિલનાડુ જશે અને ત્યાં રાત્રી રોકાણ કરશે.