વડોદરા, તા.૨૮
આમ આદમી પાર્ટીના ઉમેદવારોના પ્રચાર માટે આજે પંજાબના મુખ્યમંત્રીએ ગેંડીગેટથી ચોખંડી હનુમાનજી મંદિર સુધી રોડ-શો યોજ્યો હતો અને સંબોધન પણ કર્યું હતું. જાે કે, રોડ-શો દરમિયાન ઉપસ્થિત કેટલાક લોકોએ મોદી મોદીના નારા પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપ કોઈ સર્વેમાં નથી, આવતી સીધી સરકારમાં આવે છે.
ભાજપ, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર તેજ બનાવ્યો છે. આજે સુરતમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે તો વડોદરામાં સાંજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આપના ઉમેદવારોના સમર્થનમાં રોડ-શો કર્યો હતો. સાંજના સમયે ચાર દરવાજા વિસ્તારમાં ગેંડીગેટથી ચોખંડી હનુમાનજી મંદિર સુધી રોડ-શોને પગલે ઠેર ઠેર ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષ જૂની સિસ્ટમ છે, લોકો પરેશાન છે, જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. લોકો જીતશે અને નેતાઓ હારશે તેમજ આપ કોઈ સર્વેમાં નથી, આવતી સીધી સરકારમાં આવે છે તેમ કહ્યું હતું. રોડ-શો દરમિયાન મોદી મોદીના નારા લાગ્યા હતા.