મોઢેરા સૂર્યમંદિર

મોઢેરા સૂર્યમંદિર મહેસાણાથી ૨૫ કિલોમિટર જેવાં અંતરે પુષ્પાવતી નદીને કિનારે સહેજ આગળ આવેલું છે. ગુજરાત પુરાતત્વ વિભાગ દ્વારા બહુ જ સરસ દેખભાળ(મેન્ટેનન્સ) કરી તેને જાળવવામાં આવ્યું છે.

  એ સ્થાપત્ય આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં ચાલુક્ય વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા બાંધવામાં આવ્યું હતું. ખૂબ જ પુરાણું મંદિર છે પરંતું સારી રીતે જળવાયેલું છે. સંપૂર્ણ માળખું રેતીના પથ્થરોમાંથી બનેલું છે અને તેમ છતાં ૧૦૦૦ વર્ષો બાદ પણ અતિ બારીક કોતરણી એવી ને એવી મંત્રમુગ્ધ કરે એવી છે.

  તેના ત્રણ મુખ્ય ભાગ છે. મૂળ મંદિરનું ગર્ભગૃહ, સભામંડપ અને સામે રામકુંડ જેમાં ૧૦૮ નાનાં મોટાં મંદિરો છે અને ચારેતરફ ઉપરથી નીચે પાણી સુધી જવા એકસરખી સાઈઝનાં પગથિયાંઓ છે. જેની ઊંચાઈ ઓછી હોઈ કોઈ પણ ઉંમરની વ્યક્તિ ચડી ઉતરી શકે છે. મોટે ભાગે એ કુંડ ફરતી પ્રદક્ષિણાનો ઉપયોગ ફોટો શૂટ માટે જ થતો લાગ્યો. કેમ ન થાય? બેનમુન, એકદમ સિમેટ્રિકલ પગથિયાં અને ચોરસ ઘાટ.

  સભા મંડપમાં સૂર્યની ૧૨ પ્રતિમાઓ છે જે દરેક મહિનાનું પ્રતિનિધિત્વ કરે છે. કુંડમાં ૧૦૮ નાની દેરીઓમાં મુખ્ય ગણેશજી, નર્તન કરતા શિવજી અને શેષશાયી વિષ્ણુની મૂર્તિ ખાસ જાેવા લાયક છે. વચ્ચે રામકુંડમાં ૧૦૮ નાનાં મંદિરો સાથે અલગ અલગ ઊંચાઈએ નીચે ઉતરી અલગ અલગ એંગલથી મોબાઈલમાં ફોટો કે સેલ્ફી જરૂર લો અને વચ્ચે સ્થિર પાણીના કુંડમાં આકાશ અને નજીકનાં વૃક્ષોનું પ્રતિબિંબ પણ આવે એમ લો.

કુંડ પાસે બે સ્તંભ છે જેમાં વચ્ચે એક જગ્યાએ ધાતુ, કહે છે પિત્તળનું- પથ્થરની અંદર પૂરણ હોઈ તમે નાનો પથ્થર લઈ 'ટીન’ અવાજ પણ કરી શકો છો. મેં ઈંટની નાની પથરી અથડાવી સાંભળ્યો છે ને ખાતરી કરી છે.

સામે બે મંદિર છે જેમાં એક મૂળ ગર્ભગૃહ અને પ્રદક્ષિણા માર્ગ છે જ્યારે બીજાે રંગમંડપ છે.

બંનેના સ્તંભો પર મહાભારત, રામાયણ અને પ્રાચીન ઐતિહાસિક પ્રસંગોનું અદભુત બારીક કોતરણીથી આલેખન કરેલું છે.

  સભામંડપમાં અનેક હાથીઓનાં મસ્તકો, સ્ત્રીપુરુષ યુગ્મ, યુદ્ધ, નૃત્યનાં દ્રશ્યો વગેરે એકદમ બારીક કોતરણીમાં અંકિત કરેલું છે. સ્તંભો અને છત પર પણ ફૂલો, દીપમાળ, મોર, કળશ, વગેરે કોતરણીઓ છે. બધી જ કોતરણીઓ એકદમ બારીક છે.

  મૂળ મંદિરમાં સૂર્યની મૂર્તિની જગ્યાએ ગોખલો જ છે અને એ જાળીમાં છે, તાળાંમાં બંધ છે. પ્રદક્ષિણા માર્ગમાં ઊંચા ઝરૂખા પણ છે. ત્યાંના સ્તંભોની કોતરણી ખાસ જાેવા લાયક છે.

  દર વર્ષે અહીં અખિલ ભારતીય નૃત્યોત્સવ ઉજવાય છે જેનું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. કંપાઉન્ડમાં મંદિર પરિસર આવતાં જ પાર્કિંગ છે. કમ્પાઉન્ડમાં દાખલ થવા માટે ટિકિટ લેવી પડે છે જે ભારતીયો માટે ૨૫ રૂપિયા છે. ટિકિટ માટે લાઈનમાં ઊભા રહેવું ન હોય તો સ્કેન કરી ત્યાં જ મોબાઈલ પર ટિકિટ મેળવી શકો છો. યાત્રા.કોમ પર પણ ટિકિટ મળે છે.

  મંદિર અને કુંડ પહેલાં આગળ વિશાળ લીલીછમ લૉન સાથે બગીચો પણ છે. પરિસરમાં ગુજરાત ટુરિઝમ દ્વારા સંચાલિત સુંદર કેન્ટીન પણ છે જ્યાં અમે મોટો કપ ચા અને ગરમ સ્વાદિષ્ટ ગોટાનો સ્વાદ માણ્યો.નજીક મ્યુઝિયમ પણ છે જેનો ટાઈમ ૧૦થી ૫ છે.

 હું બોપલ અમદાવાદ થઈ ગયેલો. બે કલાક પાંચ મિનિટે પહોંચ્યો હતો. જતી વખતે મણિપુર,સાણંદ,નંદાસણ થઈ ગયેલા. બે કલાક પાંચ મિનિટે પહોંચ્યાં. બપોરે પોણા ત્રણે બોપલથી નીકળ્યા અને પોણા પાંચે સૂર્યમંદિરના પાર્કિંગમાં હતા. વળતાં મહેસાણા બાયપાસ, કલોલ, ત્રિમંદીરનો રસ્તો લીધો કેમ કે રાત પડી ગયેલી. કલોલ અને બીજી એક જગ્યાએ સખત ટ્રાફિક છતાં સાડા છ વાગેમોઢેરા છોડેલું, આઠને પાંચે શિલજ થઈ પંચાયત રોડથી ઘેર આવી ગયેલા કેમ કે વળતાં ત્યાં ઓછો ટ્રાફીક હોય. મહેસાણા અમદાવાદ એકસપ્રેસ હાઇવે પર કાર ૧૦૦ની સ્પીડે લઇ શકો છો.

  આમ જાે ઝડપ લેવી હોય તો ટ્રાફિક નડવાનાં જાેખમ સાથે મહેસાણા થઈ હાઇવે પકડો તો દોઢ કલાકમાં પહોંચી શકો. નહીં તો સવા બે કલાક અમદાવાદ એસ.પી. રીંગરોડથી ગણવા.

 ભવિષ્યમાં એક દિવસીય પિકનીકનું આયોજન કરવુ હોય તો આ જગ્યા ધ્યાનમાં રાખવા જેવી. સાથે ત્રિમંદિર અને યુવા વર્ગને ગમતું હોય તો શંકુ વૉટરપાર્ક પણ રાખી શકાય. અર્ધા દિવસની પણ મેં કરી તેમ પીકનીક કરી શકાય.

આમ આ એક પુરાતત્વ ખાતાએ જાળવેલ જરૂરથી જાેવાલાયક સ્થળ છે. ત્યાં પુરાતત્વ ખાતાએ એ જગ્યા વિશે વિગત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં મૂકી છે જે વાંચીએ એટલે બધો ખ્યાલ આવી જાય. મને જગ્યા ગમી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution