અર્થતંત્રનો આધુનિક આયામઃ ગીગ ઈકોનોમી

વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપિયન દેશોમાં જાઝ સંગીતનો દબદબો હતો. યુવાનોને જાઝ સંગીતનું ઘેલું લાગ્યું હતું. લુઈસ આર્મસ્ટ્રોંગ, સારાહ વોગન, બીલી હોલીડે જેવા ગાયકોના દુનિયાભરમાં જાઝ સંગીતના કોન્સર્ટ યોજાતાં. જાઝ કોન્સર્ટમાં માઇલ્સ ડેવિસ, જ્હોન કોલટ્રેન, ચાર્લ્સ મિંગુસ જેવા સંગીતકારોનું સંગીત સાંભળી હજારોની ભીડમાં ઉન્માદ જાગતો જે પાગલપનની હદ સુધી જતો. આવા કોન્સર્ટમાં ગાયકો ટુર દરમ્યાન સ્થાનિક મ્યુઝિશિયન્સને હંગામી ધોરણે બેન્ડમાં જાેડતાં. જે કોન્સર્ટમાં મ્યુઝિક ઇન્સ્ટ્રૂમેન્ટસ વગાડી સંગાથ આપતાં. કોઈ એક કોન્સર્ટ માટે કે ટુર પુરતા મ્યુઝિશિયન્સ કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવતા હતાં. જેને કોન્ટ્રાકટ માટે એન્ગેજમેન્ટ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. આવા એન્ગેજમેન્ટ ઉપર બેન્ડ સાથે જાેડાઈને મ્યુઝિશિયન્સ છુટક કામ કરતાં. તે કામ ગિગીન્ગ શબ્દથી ઓળખાવા લાગ્યું. જાઝ બેન્ડમાં કોન્ટ્રાકટ ઉપર સંગીત વગાડી ગિગીન્ગ કરતા મ્યુઝિશિયન્સ પોતાને ‘ગીગ’ કહેતાં.

એક સદી જૂનો ગીગ ઈકોનોમી શબ્દ હવે આધુનિક સમયમાં હ્યુમન રીસોર્સીસના ક્ષેત્રમાં પ્રચલિત બન્યો છે. કોન્ટ્રાક્ટ ઉપર કે છૂટક કામ કરતા લોકો તેમને મળતા હંગામી રોજગાર થકી જે અર્થવ્યવસ્થા ઉભી કરે તેને હાલમાં ગીગ ઈકોનોમી કહેવાય છે. હાલમાં ભારતમાં દોઢ કરોડ લોકો ગીગ ઈકોનોમી સાથે જાેડાયા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ટૂંક સમયમાં ગીગ વર્કર્સની સંખ્યા નવ કરોડની આસપાસ પહોંચશે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ભારતમાં ગીગ કામદારોની અને ગીગ સેવા આપતાં નિષ્ણાતો સાથે કોન્ટ્રાકટ કરવાનું એમ્પ્લોયર્સને પણ પસંદ છે. જાેબ માર્કેટમાં તેને કારણે વીન-વીન સીચ્યુએશન જાેવા મળે છે.

ભારત પાંચ ટ્રીલીયનની ઈકોનોમી બનવા તરફ હરણફાળ ભરી રહ્યું છે. ભારતમાં હાલ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીઝ બંને સમાંતર રીતે વિકસી રહ્યા છે. તેને કારણે બંને ક્ષેત્રોમાં ટેકનિકલ અને નોનટેકનિકલ એમ્પ્લોયીઝની જાેબ માર્કેટમાં ભારે માંગ છે. ગીગ ઇકોનોમીમાં સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ બંને પ્રકારના પ્રૉફેશનલ્સ કામ કરતા જાેવા મળી રહ્યા છે. ઓર્થોડોક્સ એમ્પ્લોયમેન્ટમાં નોકરી આપનાર એમ્પ્લોયર્સ ઉપર પગારની જવાબદારીનું ભારણ હોય છે. તે સાથે હ્યુમન રીસોર્સીસને લગતી સવલતો આપવા માટે કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું પણ એક પડકાર હોય છે. જેથી એમ્પ્લોયર્સ ગીગ વર્કર્સ અને એક્સપર્ટ્‌સને સારા વિકલ્પની રીતે જાેઈ રહ્યા છે.

ગીગ વર્કર કોઈ એક કંપનીનો કર્મચારી હોતો નથી. કોઈ કંપનીને તેનો ફિક્સ માસિક પગાર આપવાની જવાબદારી હોતી નથી. ગીગ વર્કર એક સમય ઉપર અનેક કંપનીઓ સાથે જાેડાઈને કામ કરી શકે છે. કોઈ ફૂડ ડિલિવરી કરનાર અથવા ઓનલાઇન શોપિંગના પાર્સલ ડિલિવરી કરનાર ગીગ વર્કર એકથી વધુ કંપનીઓને એકજ સમય ઉપર સેવાઓ આપે છે. જેથી ગીગ વર્કરને આવક મેળવવાના ઓપ્શન્સ મળે છે સાથે આવક વધારવાની વિપુલ તક મળે છે. તે પોતાના અનુકુળ સમય ઉપર કામ કરી શકે છે. ઓનલાઇન શોપિંગ કે ફુડ ડિલિવરી ચેઈન જેવા સેટઅપ ચલાવતી કંપનીઓને ગીગ કર્મચારીના માસિક પગારનું ભારણ રહેતું નથી. તેને કામગીરી પ્રમાણે કંપની ઈન્સેન્ટિવ આપે છે. ગીગ વર્કરને કામ કરવા કંપનીએ ઓફિસમાં જગ્યાની વ્યવસ્થા કરવાની કે અન્ય સવલતો આપવાની જવાબદારી રહેતી નથી. કોઈ કંપની માટે જેટલું વધારે કામ કરે તેટલું ઇન્સેટીવ રૂપે ગીગ વર્કર વધારે કમાણી કરતો હોય છે.

ગીગ ઈકોનોમીનો ફાયદો એ છે કે ગીગ વર્કર પાસે કોઈ ડિગ્રી ન હોય કે અભ્યાસ ઓછો હોય તેમ છતાં તેને કામ મળી રહે છે. ગીગ વર્કરનું એમ્પ્લોયમેન્ટ તરત થઈ જતું હોય છે. દેશના અનસ્કીલ્ડ યુવાનોની બેકારી એક સમય ઉપર મોટો મુદ્દો હતો. સરકાર પણ આ સમસ્યાનો ઉકેલ લાવવા અવઢવમાં હતી. એક સમય ઉપર આવી બેકારીને નિવારવા માટે મનરેગા જેવી યોજનાઓ સરકારે શરુ કરવી પડી હતી. પરંતુ હવે ગીગ ઈકોનોમીમાં અનસ્કીલ્ડ વર્કર્સની માંગ મોટા પ્રમાણમાં રહે છે. કોઈ આવડત કે અનુભવ વગરના અનસ્કીલ્ડ યુવાનોને ગીગ ઈકોનોમી હેઠળ કામ મળી રહે છે. તે ગીગ વર્કર તરીકે કામ કરી યોગ્ય આવક મેળવી શકે છે.

ગીગ ઈકોનોમીમાં માત્ર અનસ્કીલ્ડ બ્લુ કોલર વર્કર જ કામ કરતા હોય છે તેવું નથી. કેટલાક વિષયના નિષ્ણાત વ્યક્તિઓ પણ ગીગ ઈકોનોમી હેઠળ કામ કરે છે. કોઈ એક વિષયમાં અનુભવ અને કુનેહ ધરાવતા નિષ્ણાતો પણ કન્સલ્ટન્ટ તરીકે ગીગ ઈકોનોમીમાં સેવાઓ આપવાનું પસંદ કરે છે. જેમાં વર્ક ફ્રોમ હોમ જેવા ઓપ્શન મોટા પ્રમાણમાં હોય છે. નિષ્ણાત વ્યક્તિઓ મલ્ટીનેશનલ કંપનીના પ્રોજેક્ટસ ઉપર કામ કરે છે અથવા કોર્પોરેટ સેટઅપ્સમાં આઈટી કે નોન આઇટી ક્ષેત્રમાં ગીગ ઈકોનોમી થકી સેવાઓ આપે છે. કોવીડનો સમયગાળો વીતી ગયા પછી આવા તજજ્ઞો હવે મોટી સંખ્યામાં જાેવા મળે છે. એન્જીનીયર, ફાઇનાન્સ સલાહકારો, પ્લાનિંગ અને કોસ્ટીંગના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, ડિઝાઇન અને ગ્રાફીક્સના જાણકારો, વેબ ડેવલોપર્સ કે પ્રોગ્રામર્સ પોતાની ચોક્કસ ફી નક્કી કરી કોઈ એક પ્રોજેક્ટ માટે કામ કરે છે. આવા નિષ્ણાતો અલગ અલગ કંપનીઓ માટે નિર્ધારિત સમય પૂરતો કોન્ટ્રાકટ કરીને ગીગ ઇકોનોમીમાં સહયોગ આપતા જાેવા મળે છે.

ભારતમાંથી વિદેશમાં અભ્યાસ કરવા જતા યુવાનો વિદેશમાં વર્ષોથી આવી રીતે ગીગ ઈકોનોમીમાં કામ કરતા જાેવા મળે છે. વિદેશમાં ગીગ વર્કર્સને કામ સામે પ્રતિ કલાક નિયત રકમ આપવામાં આવે છે. જયારે હવે ભારતમાં એફડીઆઈનું પ્રમાણ વધવાની સાથે ગીગ ઈકોનોમીનું ચલણ ખુબ વધી રહ્યું છે. જેને કારણે બેકારીનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. દુનિયાના વિકસિત અને વિકાસશીલ દરેક દેશ પોતાના અર્થતંત્રને મજબૂત બનાવવા ગીગને પ્રોત્સાહન આપી રહ્યા છે. આગામી સમયમાં ભારત વિશ્વનું ત્રીજું અર્થતંત્ર બનશે ત્યારે તેની સફળતામાં ગીગ ઈકોનોમીનું નોંધપાત્ર યોગદાન હશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution