રાજ્યમાં મોડેલ ઈન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ભવન બનશેઃરવિશંકર પ્રસાદ

રાજપીપળા

કેવડિયા ટેન્ટસિટી ખાતે ઈન્ક્‌મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ની ૨ દિવસીય કોન્ફ્રન્સના આજે બીજા દિવસે સમાપન સમારોહ યોજાયો હતો.ઈન્ક્‌મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન અને જસ્ટિસ પી.પી.ભટ્ટની અધ્યક્ષતામાં ૨ દિવસીય નેશનલ કોન્ફ્રન્સ યોજાઈ હતી. બીજા દિવસે કોન્ફ્રન્સના સેશન ચેરમેન સંજીવ ખન્ના જસ્ટિસ સુપ્રીમ કોર્ટ દિલ્હી હતા. આજના મુખ્ય વક્તા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે વર્ચ્યુઅલી ઉદ્‌બોધન કરી જણાવ્યું હતું કે ૮૦ વર્ષ જૂની આ સંસ્થા છે. ઈન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ભારતમાં ખુબજ અગત્યની છે. દેશની આર્થિક ગતિ વિધિને વધુ વેગ આપવા આઇટીએટી માં ટેક્નોલોજીનો ઉપયોગ થાય તે માટે તેમને ખાસ માર્ગદર્શન આપ્યું હતું. ફેસલેસ એસેસમેન્ટ સ્કીમની અપીલો અને નિરાકારણને આઇ.ટી. માધ્યમથી નિકાલ કરવા માટે સલાહ સૂચનો કર્યા હતા. ગુજરાતમાં પણ હવે અદ્યતન ઈન્ક્‌મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ ભવન બને તે માટે ગુજરાતમાં જમીન સંપાદન પણ કરવામાં આવી છે તે બદલ ઈન્ક્‌મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન અને જસ્ટિસ પી.પી.ભટ્ટને અભિનંદન પણ આપ્યા હતા. કાયદા મંત્રીએ તેમના પ્રવચન દરમ્યાન ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરી કોઈ વ્યક્તિએ અપીલ ફાઈલ કરવા જાતે ના આવવું પડે અને અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી એ ફાઇલિંગ કરવા પર ભાર મુક્યો હતો. કોવિડ ૧૯ દરમ્યાન ૨૦ હજાર અપીલનું નિરાકરણ કરવા બદલ તેઓએ આ ટ્રીબ્યુનલને અભિનંદન આપ્યા હતા. તેઓએ જ્યારથી કોર્ટ શરુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૭૬ લાખ અપીલોનું નિરાકરણ લાવી લોકોને ન્યાય અપાવ્યો તેને પણ એક સિદ્ધિ ગણાવી ઇન્કટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલ સંસ્થાના તમામ અધિકારીઓને ખાસ બિરદાવ્યા હતા. કેનેડાના ચાર્ટર અકાઉન્ટન્ટ અને લેખક ડો.અમર મહેતાએ આંતરરાષ્ટ્રીય કર માળખા પર ઉદભવતા વિવાદો પર ચર્ચા કરી હતી. કવિતા પાંડે (પ્રિન્સિપલ સીઆઈટી)એ જનરલ એન્ટી એવિડન્સ રુલ પર તેમના વિચારી રજુ કર્યા હતા. એમ.એસ.સાયલીએ આંતરરાષ્ટ્રીય ટેક્ષ મલ્ટી લિટરલ ઇન્સ્ટ્રૂમેન્ટ્‌સ પર જાગૃકતા લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાપન સમારોહમાં ભારતભરમાંથી આવેલા લગભગ ૨૫૦ જેટલા ટેક્ષ પ્રેક્ટિશનર, ચાર્ટર એકાઉન્ટન્ટ, ટેક્ષ કન્સલ્ટન્ટ ધારાશાસ્ત્રીઓ અને ટેક્ષ હિતધારકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution