સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટર ખાતે ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ

વડોદરા : કોરોના મહામારીના બીજા તબક્કાની શરૂઆત સમગ્ર રાજ્યના શહેરોમાં થઈ ચૂકી છે તેવા સમયે જ રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગની બનેલી ગોઝારી ઘટના બાદ આજે સાવચેતીના પગલાંરૂપે હોસ્પિટલના ફરજ પરના સમગ્ર સ્ટાફની સક્રિયતા અને આપત્તિકાલીન કર્મચારીઓની કાર્યક્ષમતા, બચાવ પદ્ધતિ અને જાગૃતતાના ભાગરૂપે સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરના ત્રીજા માળે હોસ્પિટલના ફાયર સ્ટાફ દ્વારા કોર્પોરેશનના ફાયર બ્રિગેડના અધિકારીઓની ઉપસ્થિતિમાં મોકડ્રીલ બપોરના સમયે યોજાઈ હતી. આ મોકડ્રીલમાં સ્વીપર, સર્વન્ટ, સિકયુરિટી ટેકનિશિયન સ્ટાફ કર્મચારીઓના કાર્યચપળતા ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો તેમ કોવિડ સેન્ટરના વહીવટી નોડલ અધિકારી ડો. બેલિમે જણાવ્યું હતું. કોરોનાની વૈશ્વિક મહામારીના પ્રથમ રાઉન્ડ દરમિયાન સમગ્ર દેશ-રાજ્યો અને મોટા શહેરોમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે, એ દરમિયાન અમદાવાદ, જામનગર, વડોદરા ત્યાર બાદ રાજકોટની કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવો બનવા પામ્યા હતા. જેમાં નિર્દોષ દર્દીઓએ જાન ગુમાવ્યા હતા. તાજેતરમાં જ બે દિવસ અગાઉ રાજકોટની ખાનગી કોવિડ હોસ્પિટલમાં આગના બનાવમાં કોવિડ વોર્ડમાં દાખલ છ નિર્દોષ દર્દીઓ જીવતા ભડથું થવાની અત્યંત કરુણ ઘટના બની હતી. આ અગાઉ પણ અમદાવાદની શ્રેય હોસ્પિટલ અને વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં - સેન્ટરોમાં આગ લાગવાના બનાવો બન્યા હતા. રાજકોટની કોવિડ હોસ્પિટલના આગના બનાવે સરકારી તંત્રને પણ હચમચાવી મૂકયું હતું, તેવા સમયે અને સંજાેગોમાં વડોદરા શહેરની સરકારી સયાજી હોસ્પિટલમાં આગના બનાવનું પુનરાવર્તન ન થાય તેમજ સાવચેતીના ભાગરૂપે આજે બપોરના સમયે હોસ્પિટલના ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલના કોવિડ સેન્ટરના ત્રીજા માળે ફાયરની મોકડ્રીલ યોજવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution