MLA મહેશ વસાવાની સરકારને ચીમકીઃ તમે બંદૂક ઉઠાવશો તો અમે તીર કામઠાં

રાજપીપળા-

ઈકો સેન્સેટિવ ઝોન મુદ્દે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાભ લેવા નામ પૂરતી રદ કર્યાની વાતો કરી વિવાદ વધતા સરકારે ઈકો સેન્સેટિવ ઝોનના નામની એન્ટ્રી રદ પણ કરી દીધી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં બીટીપી એ “ઈકો સેન્સેટિવ ઝોન રદ કરો અનુસૂચિ ૫ બચાવો” ના નારા સાથે જંગી જાહેરસભાનું આયોજન કર્યું હતું. બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, મૂડીવાદીઓનું આદિવાસીઓને ખતમ કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે. ભાજપ-કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ છે. બાપ-દીકરા છે. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કરી આદિવાસીઓનું શોષણ કરી ભાજપને જન્મ આપી દીકરા તરીકે દેશનું રાજ સોંપ્યું છે. ઈકો સેન્સેટિવ ઝોનને લીધે આદિવાસીઓની સંસ્કૃતિ, પ્રકૃતિ ખતમ થઈ રહી છે.

જિલ્લાના ૧૨૧ ગામોને વિસ્થાપિત કરી મોટી હોટેલો, રિસોર્ટના નામે આદિવાસીઓની જમીન સરકાર હડપી લેવાનું કામ કરી રહી છે. જે પણ લોકો આદીવાસીઓને છેતરશે અથવા છેડશે તેને અમે નહિ છોડીએ. તમે બંદૂક ઉઠાવશો તો અમે તમારી સામે તીર કામઠા ઉઠાવીશું.આદીવાસી સમાજને હથિયાર ઉઠાવવા મજબૂર ન કરશો. તેમ કહી સરકારને લલકારી હતી. મહેશ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટિવ ઝોનનું આંદોલન વધતા સરકાર ઝૂકી હતી અને એન્ટ્રીઓ સ્થગિત કરી હતી.ભાજપ સાંસદ મનસુખ વસાવાનુ રાજીનામાનુ એક સ્ટંટ હતું.

ચૂંટણી આવી રહી છે એટલે સરકારે આ એન્ટ્રીઓ સ્થગિત કરી છે, ચૂંટણી પતશે એટલે એન્ટ્રી પાડવાનું ચાલુ થઈ જશે. નર્મદા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં મેં જ પ્રશ્ન પૂછ્યો કે ઈકો સેન્સેટિવ ઝોન રદ ક્યારે થશે ત્યારે કલેકટરે જવાબ આપ્યો કે એ કેન્દ્રનો પ્રશ્ન છે. કાયદો એવો છે કે સાંજના ૬ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી મહિલાઓની પોલિસ ધરપકડ ન કરી શકે તે છતાં કેવડિયા પોલીસે આંદોલન કરી રહેલી મહિલાઓને વહેલી સવારે ૪ વાગે અટકાયત કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution