ફેમિલી લાઈફમાં ખુબ મહત્વનું છે ‘મિચ્છામિ દુક્કડમ’

क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा।

क्षमा वशीकृते लोके क्षमयाः किम् न सिद्ध्यति।।

  હમણાં થોડા દિવસ પહેલા જૈન ધર્મનું એક મહાપર્વ ઉજવાયું,પર્યુષણ. જૈન ધર્મમાં આ દિવસને ક્ષમાપર્વ તરીકે પણ ઓળખાય છે. આપણા ધર્મનાં વિવિધ તહેવારો પણ સમાજ માટે કોઈને કોઈ સંદેશો લઈને આવતા હોય છે.પર્યુષણના આ દિવસે પરસ્પર “મિચ્છામી દુકડમ” કહેવાય છે. જેનો અર્થ થાય છે કે જાણતા અજાણતા વિચારમાં શબ્દમાં કે કોઈ ક્રિયા દ્વારા જાે તમે કોઈને પણ દુઃખ પહોંચાડ્યું હોય તો હું ક્ષમા પ્રાર્થું છું. સંવત્સરી ઝઘડા કે મતભેદ કે અજાણતા પોતાના દ્વારા થયેલી ભૂલની માફી માંગવાનો દિવસ હોય છે. આ પર્વ શીખવે છે કે ક્ષમા એ આપણી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જાેડાયેલી પરંપરા છે.

 પરંતુ આપણે ક્યાંક આ સંસ્કારને ભૂલતા જઈએ છીએ. બાળપણમાં સંતાનોને બાળાધુટ્ટી સાથે જે સંસ્કારને કેળવવા જાેઈએ તે ખુદ માતાપિતા જ વિસરતા જાય છે. પ્રવર્તમાન સમયમાં કુટુંબવિચ્છેદ એ સામાન્ય બનતી ઘટના છે. હવે સમાજમાં સંયુક્ત કુટુંબો ખૂબ ઓછા પ્રમાણમાં જાેવા મળે છે અને વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. આ એક સાવર્ત્રિક રીતે થયેલું સર્વેક્ષણ છે. બહુ ઓછા કુટુંબ એવા જાેવા મળે છે જ્યાં પતિ પત્ની પોતાના સંતાનો અને માતા પિતા એમ ત્રણ પેઢીની સાથે રહેતા હોય. બદલાતો સમય બદલાતી વિચારસરણી અને પરિવર્તિત થતા સમાજ અને સંબંધોના મૂલ્યો વચ્ચે આ એક સહજ ઘટના ગણવામાં આવે છે. દરેક વ્યક્તિને પોતાની સ્વતંત્રતા અને ઈચ્છા પ્રમાણે જીવનશૈલી જીવવી હોય છે.જે સંયુક્ત કુટુંબમાં મર્યાદિત બની જતી હોય છે. માફી માંગવી અને માફી આપવી એ સંબંધોનો મહત્વનો અધ્યાય ગણી શકાય. ઘરગૃહસ્થી અને પરિવારનાં સભ્યો વચ્ચે આ ક્ષમાનું વર્તન અને વ્યવહાર સહજ હોવા જાેઈએ. પરિવારમાં નાના બાળકોની ખોટી જીદ અને વડીલોના ખોટા અહમ્‌ વચ્ચે દંપતીને સામંજસ્ય કેળવીને રાખવું ખૂબ અઘરું બની જતું હોય છે. પરંતુ તેનો ઉકેલ પણ એટલો જ હાથવગો હોય છે. જાે કુટુંબની દૈનિક ક્રિયાઓ, લાગણી, અને સામાજિક વ્યવહારોમાં સરળતા, ક્ષમા, અને કરુણાના ભાવને ઘરના વડીલો દ્વારા પોતાના આચરણમાં ઉમેરવામાં આવે તો સંતાનોને ઘરનું વાતાવરણ જ ક્ષમાદાનવાળું અને ઉર્જાવાન મળે છે.

   હવેના સમયમાં સંબંધોની ઉષ્મા ઘટતી જતી હોય તેવું લાગે છે. લોકો જ્યાં સુધી સગવડતાઓ સચવાય ત્યાં સુધી સંબંધોને પણ સાચવે છે. જ્યારે પોતાની ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ બને ત્યારે સંબંધમાં આપ્તજનોની માફી માંગવા કરતા એ સંબંધને ત્યાં જ ટૂંકાવી દેવામાં વધારે સહમતિ દર્શાવતા હોય છે. પરંતુ આ કાયમી ઉકેલ નથી. દરેક વ્યક્તિ સાથેના દરેક સંબંધમાં આજીવન જે કંઈ પણ ઘટનાઓ બનશે એ આપણા મન મુજબની જ બને તેવું ક્યારે શક્ય બનતું નથી.પરિણામે દરેક સંબંધ દરેક લાગણીઓ સમયાંતરે છૂટતી જાય છે અને સંબંધોને આ રીતે અધવચ્ચે છોડી દેવાનો સ્વભાવ કેળવાતો જાય છે. માફી માંગવી કે માફી આપવી અથવા “જતુ કરી દેવા કરતા..જાતુ કરી દેવાની ભાવના વધારે કેળવાતી જાય છે.” અને આ જ કેળવણી આપણે જાણતા અજાણતા આપણા સંતાનોને પણ શીખવી રહ્યા છીએ.પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે તેનાં જ પરિણામસ્વરૂપ પેઢી દર પેઢી દરેક કુટુંબમાં આંતરવિગ્રહ થતાં જાેવા મળે છે અને વ્યક્તિ ઉંમરના એક પડાવે પહોંચે ત્યારે એકલતાનો અનુભવ કરવા લાગે છે.

  ક્ષમા એ અહમ્‌નો હાસ નથી પણ હૃદયનું શુદ્ધિકરણ છે. આપણા મન, વચન કે કર્મ દ્વારા થયેલી ભૂલની માફી માગવી એ બંને પક્ષ માટે લાભકારી હોય છે. ઘરમાં વડીલો દ્વારા કરાયેલા ખોટા ગુસ્સા બદલ સંતાનોની માફી માંગવી એ સંતાનોને એક પ્રકારની શિક્ષાની કેળવણીનો એક ભાગ છે. કારણકે સંતાનો સામે પૌત્ર પૌત્રી,માતા પિતા,કે દાદા દાદીને પોતાનાં દ્વારા થયેલી ભૂલનો સ્વીકાર કરતા અને ક્ષમા માંગતા જાેશે ત્યારે સ્વાભાવિક રીતે જ આ વર્તન તેમનાં સ્વભાવમાં પણ કેળવણી પામશે. જ્યારે થયેલી ભૂલની માફી માંગવામાં આવે છે ત્યારે પશ્ચાતાપ દ્વારા હૃદયમાં શાંતિની અનુભૂતિ થાય છે. જ્યારે તમે કોઈને મોટું મન રાખીને તેણે કરેલા અપરાધ બદલ માફી આપો છો ત્યારે મન ઉપર રહેલા ભારને હળવો કરો છો. આ શિક્ષણ ઘરના વડીલોથી વિશેષ સંતાનોને કોઈ પણ આપી શકે નહીં.

 આમ જાેઈએ તો ઘર પરિવાર કે કુટુંબ જ શા માટે..? સમાજમાં બંધાયેલા દરેક સંબંધોમાં પણ આ બાબતને અનુસરવી અનુસરવી જાેઈએ. સમાજમાં વધી રહેલા ગુનાઓ અને ગુનેગારની સંખ્યામાં થતો વધારો પણ ક્ષમાનાં મનોભાવની અવગણનાને પ્રસ્તુત કરે છે. ઘરમાં વડીલો દ્વારા સંતાનોને યોગ્ય અયોગ્ય વચ્ચેનો ભેદ પારખતા અને ભૂલ બદલ માફી માગતા શીખવવામાં આવે તો શક્ય છે કે સમાજમાં બનતી અગણિત સામાજિક દુર્ઘટનાઓને ઓછી કરી શકાય.કુટુંબ વિગ્રહ, છુટાછેડા,લગ્નેતર સબંધો વિગેરે ઘણી સામાજિક અને કૌટુંબિક સમસ્યાનો અંત લાવી શકાય. સમાજમાંથી વૃદ્ધાશ્રમ નામની કલંકિત વ્યવસ્થાને બાદ કરી શકાય.

  આવનારા સમયમાં જાે પરિવારની ભાવનાને જીવંત રાખવી હશે તો આપણે આપણા સંતાનોને ક્ષમાનું મૂલ્ય સમજાવવું પડશે.તેમને 'क्षमा वीरस्य भूषणम्’... આ ઉક્તિનો મર્મ સમજાવવો પડશે. ભૂલની માફી માંગવામાં ઉંમર કે હોદ્દો ક્યારેય આડખીલીરૂપ ન બનવો જાેઇએ. કારણ કે સંતાનોને ઉદાહરણો આપી સમજાવવા કરતા વડીલોએ જાતે પોતાના સ્વભાવમાં ક્ષમા પ્રાર્થવાનો ગુણ કેળવી અને બાળકોની સમક્ષ ઉદાહરણરૂપ વ્યવહાર કેળવતા શીખવું પડશે. સંબંધો, કુટુંબ અને પરિવારને છોડીને આગળ વધી જવા કરતા પોતાના દ્વારા થયેલી ભૂલનો પસ્તાવો કરી અને ક્ષમાપ્રાર્થનાનો ગુણ પરિવારને જાેડીને રાખવામાં એક મહત્વની ભૂમિકા ભજવે છે.

કેમ કે,પોતાના દ્વારા થયેલી ભૂલોનું બીજું કોઈ સાક્ષી હોય કે ન હોય પરંતુ વ્યક્તિનું આંતરમન કરેલા અપરાધનું સાક્ષી હોય છે. જ્યારે સંબંધોમાં ભૂલનો સ્વીકાર કરી કરેલા વ્યવહાર બદલ માફી માગવામાં આવે ત્યારે આંતરશુદ્ધિ થાય છે. સંબંધોમાં પરસ્પર સ્નેહનાં તંતુનું ફરી જાેડાણ થાય છે. શકય છે કે વિચ્છેદની અણી ઉપર આવેલું સગપણ ફરી પાછું જીવંત બની શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution