મુંબઇ:પંજાબ નેશનલ બેંકના રૂા. ૧૩,૦૦૦ કરોડના ફ્રોડના કેસમાં મુંબઈની વિશેષ અદાલતે મંગળવારે આદેશ આપ્યો હતો. કોર્ટે મેહુલ ચોક્સીની રૂા. ૨,૫૬૫.૯૦ કરોડની સંપત્તિના મુદ્રીકરણને મંજૂરી આપી હતી. જે બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી આપવામાં આવી હતી.
તપાસ એજન્સી દ્વારા કથિત પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં મેહુલ ચોક્સી સામે તપાસના ભાગરૂપે ૨૦૧૮થી તેની મિલકતો જપ્ત કરાઇ હતી. પંજાબ નેશનલ બેંક અને આઇસીઆઇસીઆઇ બેંક લિમિટેડની સાથે ઇડીએ કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ કોર્ટ દ્વારા ર્નિણય જાહેર કરાયો છે. ઇટીએ સોશિયલ મીડિયા પર જાહેર કરેલી માહિતીમાં જણાવ્યું છે કે, ઇડીએ પીએનબી અને આઇસીઆઇસીઆઇ બેંક સાથે મળીને એક નક્કર પ્રયાસ કર્યો હતો અને મેહુલ ચોક્સી કેસમાં સંપત્તિની પુનઃ પ્રાપ્તિ માટેની અરજી દાખલ કરી હતી. આ આદેશ બાદ મેહુલ ચોક્સીની રૂા. ૧૨૫ કરોડની મિલકતો સહિતની સંપત્તિઓનું હેન્ડઓવર શરૂ થઈ ગયું છે.
મેહુલ ચોક્સી અને તેનો ભત્રીજાે નીરવ મોદી ઇડી અને સીબીઆઇ દ્વારા પીએનબીને તેના કેટલાક કર્મચારીઓ સાથે મળીને રૂ. ૧૩,૪૦૦ કરોડની છેતરપિંડી કરવા બદલ વોન્ટેડ છે. એજન્સીએ ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ પ્રથમ એફઆઈઆર નીરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને કાકા મેહુલ ચોક્સી સામે કરી હતી. જે બાદ ૨૯ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ મુંબઈમાં પીએનબીની ઝોનલ ઑફિસના ડેપ્યુટી જનરલ મેનેજરની ફરિયાદને પગલે અન્ય લોકો સામે નોંધી હતી.
સીબીઆઈએ ત્યારબાદ વધુ બે એફઆઈઆર નોંધી. જેમાં મોટાભાગના આરોપીઓ સરખા જ હતા. તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરાયા છે. મેહુલ ચોક્સીએ દાવો કર્યો હતો કે, તેણે ફોજદારી કાર્યવાહીથી બચવા માટે ન તો ભારત છોડ્યું હતું અને ન તો તે પરત ફરવાનો ઇનકાર કરી રહ્યો હતો, પરંતુ તેના નિયંત્રણની બહારના કારણોસર તે પરત ફરી શક્યો નથી. એવું મનાઇ રહ્યું છે કે, ચોક્સી એન્ટીગુઆ અને બાર્બુડામાં રહે છે અને ભારત ચોક્સીના પ્રત્યાર્પણની માગ કરી રહ્યું છે, જેનો તેણે સ્થાનિક કોર્ટમાં વિરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા ૨૦૧૮થી મેહુલ ચોક્સી અને તેમના પરિવારના સભ્યો તેમજ બેંકના અધિકારીઓ સામે તપાસ કરાઇ રહી છે. રૂા. ૧૩,૪૦૦ કરોડના કેસમાં ધરપકડથી બચવા માટે મેહુલ ચોક્સી પરિવાર સાથે વિદેશ ફરાર થઇ ગયો હતો. જેને પરત ભારત લાવવા માટે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા સતત પ્રયાસો કરાઇ રહ્યા છે.
જાેકે, મેહુલ ચોક્સી અને પરિવાર દ્વારા પ્રત્યાપર્ણની અરજી સામે સ્થાનિક કોર્ટમાં વિરોધ કરાઇ રહ્યો છે. જેની સામે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા સતત પ્રયાસો કરાઇ રહ્યા છે. બીજી તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વારા મેહુલ ચોક્સી અને પરિવારની મિલકતોની જપ્તીની કાર્યવાહી હાથ ધરાઇ છે.