અમદાવાદ-
તા. ૮ અને ૯ સપ્ટે.એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે ૮ સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે, જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં ૮થી ૧૪ સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે, જેને કારણે વરસાદની જે ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે. હાલમાં રાજ્યમાં વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં કુલ વરસાદની ઘટ ૪૧ ટકા છે, પરંતુ આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞે આપ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં ૨૪ કલાકમાં લો-પ્રેશર રચાશે, જે ૭થી ૮ સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં વધી શકે છે થંડર સ્ટ્રોમની ગતિવિધિ. ૮ સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોંચશે, તેની સાથે મોન્સૂન ટ્રફ નીચે આવશે. આથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેની અસર ૮થી ૧૪ સપ્ટેમ્બર સુધી રહેશે. જેને કારણે રાજ્યભરમાં વરસાદ પડશે. વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે.અમદાવાદઃ ગુજરાતમાં આજથી ૩ દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો સહિત સામાન્ય લોકોને પણ મોટી રાહત મળશે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૦મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી ૧૪મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી, બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.