મેઘા, પ્રેમ કદી પરાણે ન થાય

યાદ બની વરસે અને દિલ તરસે હર અહેસાસમાં

ભીંજાઈ લથબથ તારી ચાહતના આ વરસાદમાં

મેઘાની મોટી સુંદર આંખોમાં બારી બહાર ધબકતા દ્ર્‌શ્યને ઝીલવાની મથામણ હતી. તે કેટલીયવાર સુધી આસમાનને તાકી રહી.

આસમાન જાણે વર્ષાના બુંદોથી ધરાને આલિંગન આપવા બેકરાર હતું. એ દ્ર્‌શ્ય જાણે મેઘાની અંદર ધરબાયેલી સંવેદનાનો ઉપહાસ કરતું હોય તેમ કાળા ડીબાંગ વાદળો જાેઈ તે ધ્રુજી ઉઠી. પરંતુ એક પ્રેમાળ અવાજે તેની ભીતરની ભાવનાઓને દૂર હડસેલી સ્મિત ફરકાવી દીધું.

 "મેઘા, ચાલ ને યાર..શું મોસમ છે. લાગે છે થોડી જ વારમાં મુશળધાર વરસાદ વરસી પડશે. સીઝનનો આ આપણો પહેલો વરસાદ છે. તારી સાથે મન ભરીને મારે આ વરસાદ અને આપણા સાથને માણવો છે.” સમીર ઑફિસેથી સડસડાટ આવી સામે ઊભેલી મેઘાને પોતાની બાથમાં લેતા બોલ્યો.

"સમીર વરસાદમાં પલળવા માટે કોઈ આમ પોતાનુ કામ છોડી દોડે. તું પણ શું નાના છોકરા જેવું કરે છે. મને ક્યાંય નથી જવું. એમ પણ મને વરસાદ બિલકુલ નથી ગમતો.” મેઘા, સમીરને ટોકતી ધીરેથી તેનાથી અળગી થતાં બોલી.

"તું જાણી જાેઈ મને પરેશાન કરે છે, બાકી કદી એવું કોઈ હોતું હશે કે જેને વરસાદ ન ગમે? મેઘા ડાર્લિંગ! તારા થનાર પતિને તારી સાથે મસ્ત વરસાદમાં ભીંજાઈ તારા પ્રેમમાં તરબતર થવાની ઝંખના છે. શું તને મારી સાથે ભીંજાવું નહી ગમે?”

પરંતુ મેઘા કઈ રીતે જવાબ આપે! ચોમાસાનો વરસાદ અને વીજળીના ચમકારા મેઘાના મનમાં પણ એક અનોખા દ્વંદ્વની આતિશબાજી કરતાં. ભૂતકાળની સંવેદનની હેલી વર્તમાનમાં ઘુસી મેઘાના દિલને હચમચાવી મૂકતી. સમીરનો આ અંદાઝ અને પ્રેમ વ્યક્ત કરવાની રીતે મેઘાને ભૂતકાળમાં ધકેલી દીધી. મેઘાની નજરો સામે આવું જ કોઈ દ્ર્‌શ્ય તરવરી ઉઠ્‌યું.

 "મેઘા, વરસાદમાં તને આમ ભીંજાતી જાેઈ એમ થાય કે વરસાદની જેમ હું પણ તારા પર વરસી પડું.” બોલતાં બોલતાં સાહિલે, મેઘાને પોતાની તરફ ખેંચી.

 "સાહિલ, તને ખબર છે ને! વરસાદમાં લોંગ ડ્રાઇવ જવા માટે હું આખું વર્ષ રાહ જાેઉં છું. ચાલ, હવે મને છોડ અને બાઇક ચાલુ કર. આજે તો દૂર દૂર જઈ આ ધરતીની જેમ મારે પણ મહેંકવું અને ગહેંકવું છે.”

મેઘા અને સાહિલ બંને એકબીજાને ગળાડૂબ ચાહતાં હતાં. મેઘા એટલે જાણે વરસાદની મીઠી હેલી. ચંચળ અને ખુશ મિજાજ! વરસાદને જાેઈ તે રીતસર પાગલ થતી. દર વખતની જેમ આજે પણ તે સાહિલને લોંગ ડ્રાઇવ પર લઈ જવા જીદ કરી રહી હતી.

"મેઘા આજે નહી. આજે વરસાદ પણ પુષ્કળ વરસે છે અને પવન પણ ખૂબ છે.”

પણ એમ માને તો એ મેઘા શેની! બંને એકબીજાના પ્રેમથી ભીંજાતા બાઈક પર ફરી રહ્યાં હતાં અને એકબીજા સાથે મસ્તી કરતા ગીતો ગણગણી રહ્યા હતાં. મેઘા વરસાદની એક એક બુંદને પોતાનામાં સમાવવા બેકરાર હતી.

ત્યાં જ સામેથી અચાનક એક કાર આવી અને સાહિલની બાઈક સાથે ટકરાઈ. બાઈક રોડની પાછળ આવેલી ખાઈમાં ગરકાવ થઈ ગઈ.

જ્યારે મેઘા ભાનમાં આવી ત્યારે તેના પર આભ તૂટી પડ્યું. જે સાહિલ તેની જીંદગી હતો તે તેનાથી દૂર થઈ ગયો. હસતી રમતી મેઘા જીવતી લાશ બની ગઈ.

મેઘાએ ઘણી શોધખોળ કરવા છતાં સાહિલની કોઈ ભાળ મળી ન હતી. બધાના કહેવા અનુસાર સાહિલ હવે આ દુનિયામાં નહતો. પણ મેઘાનું દિલ આ વાત માનવા તૈયાર નહતું.

મેઘા બસ ચૂપચાપ બારીની બહાર આસમાનને જાેયાં કરતી. ત્યારથી વરસાદ જાણે તેનો દુશ્મન બની ગયો હતો.

થોડા સમય બાદ ખુદને નોકરીમાં વ્યસ્ત કરી મેઘા એક નીરસ જીંદગી જીવી રહી હતી. ત્યાં તેની મુલાકાત સમીર સાથે થઈ.

સમયની સાથે સમીરનાં પ્રેમ અને સંગાથે મેઘાને ફરી જીંદગીને જીવતા શીખવી. છતાં મેઘા હજુ સાહિલને ભૂલી શકી ન હતી.

 આજે ફરી એવો જ વરસાદ, એ જ પવનનો વેગ અને બાઈકની તેજ રફતાર..મેઘા અંદરને અંદર વલોવતી હતી. મેઘા અને સમીર હજુ મેઈન રોડથી થોડે જ આગળ ગયા હશે કે મેઘાએ ચીસ પાડી.

સમીરે તરત ગાડી ઉભી રાખી અને મેઘાને પોતાના આલિંગનમાં લેતા કહ્યું,“મેઘા, હું જાણું છું કઈંક એવું છે જે તું મારાથી છુપાવે છે.” વર્ષોથી દબાયેલ દર્દ આંખો વાટે છલકવા લાગ્યું. મેઘાએ બધી જ વાત કરી. સમીરે તેને શાંત કરી પોતાની આગોશમાં લઈ લેતા કહ્યું, “મેઘા, તું તારા મનમાં જે હોય તે નિઃસંકોચ કહે.”

"સમીર, મારું દિલ કહે છે કે મારો સાહિલ જીવે છે. મને મળ્યા વગર તેમ આમ મને છોડી ને જઈ ન શકે.” મેઘા જાણે હજુ પણ સાહિલના પ્રેમને મહેસુસ કરી શકતી હતી.

વહેતા જતા સમયની સાથે મેઘાને અહેસાસ થઈ ગયો હતો કે સમીર તેને ખૂબ પ્રેમ કરે છે. હવે પોતાના દિલનો બોજ પણ હળવો થઈ ગયો હતો.

થોડા સમય બાદ એક દિવસ સમીર મેઘાના ઘરે આવ્યો, “મેઘા.. યાર, આપણાં બંનેની આગળ પાછળ કોઈ નથી. એકલા રહેવા કરતા લગ્ન કરી સાથે રહીએ. આ વખતે હું તારી ના નહી સાંભળું.” મેઘાનું મૌન જાેઈ સમીરે તેની નજીક આવી કહ્યું, “ચિંતા ન કર. જીંદગીના હર મોડ પર મારા માટે સૌ પ્રથમ તારી ખુશી હશે.”

બીજા દિવસે સાંજે શિવ મંદિરમાં મેઘા દુલ્હન બની સમીરનો ઇંતજાર કરતી હતી. ત્યાં જ મોં પર ફૂલોનો સહેરો અને સુંદર ધોતી કૂર્તામાં સજજ સમીર આવી ગયો હતો. પંડિતજીએ બંનેના લગ્ન કરાવ્યાં.

ફૂલોની સેજ પર બેસી ધડકતા હૈયે મેઘા સમીરનો ઇંતજાર કરતી હતી. હજુ પણ દિલના સ્પંદન તો સાહિલ માટે બેકરાર હતાં. મહામુસીબતે ખુદને મનાવી રહી હતી. ત્યાં કોઈના પગલાંનો અણસાર જાેઈ તેણે ઘૂંઘટ ઓઢી લીધો.

પોતાને બાંહોમાં લેવા વીંટળાયેલા હાથનો સ્પર્શ થતાં જ મેઘાનું દિલ જાેરજાેરથી ધડકી ઉઠ્‌યું. તેણે જાતે જ પોતાનો ઘૂંઘટ ઊંચો કરી ધડકતા હૈયે નજર ઊંચી કરી. સમીરનો ફૂલોનો સહેરો હટાવ્યો.

"સાહિલ તું...?” અનહદ આશ્ચર્ય અને ખુશીથી ઉછળતા મેઘા સાહિલને ભેટી પડી. દિલમાં ધરબાયેલી લાગણીઓ ગાલ પર ઝાકળના બુંદો સમી સરકી રહી.

"હા..મેઘા આપણાં સાચા પ્રેમે આખરે આપણને એક કરી જ દીધાં. આનો બધો શ્રેય સમીરને જાય છે. તેણે જ આ લગ્ન કરાવ્યા છે.”

"પણ..કેવી રીતે..? તું...તું તો..” મેઘા હજુ પણ આઘાતમાં હતી.

"મેઘા, એક્સિડન્ટ બાદ ઘણા લાંબા સમય બાદ હોંશ આવ્યા. હોંશ આવતા જ હું તને મળવા દોડ્યો પણ ત્યાં સુધીમાં તું સમીરની થઈ ચૂકી હતી. તારી ખુશીને મારી ખુશી માની હું ફરી કદી તને ન મળ્યો પણ થોડા સમય પહેલા સમીરે મને શોધી કાઢ્યો.”

ત્યાં જ સમીરનો વોઇસ મેસેજ આવ્યો, “મેઘા, પ્રેમ કદી પરાણે ન થાય. તારા વિશ્વાસ અને શ્રદ્ધા જાેઈ કિસ્મતે પણ પલટવું પડ્યું. તો પછી હું કેમ પાછળ રહું? તારા દિલનો હર ધબકાર સાહિલ છે. પ્રેમની સાચી સમજ તંે જ મને આપી. તારા જેવી દોસ્તની અગણિત યાદો લઈ હું હંમેશ માટે અમેરિકા સેટલ થઈ રહ્યો છું. શું ખબર ત્યાં કોઈ મેઘા મારો ઇંતજાર કરતી હોય!”

 મેઘરાજા પણ ધરાને આલિંગન આપવા તડપી ઉઠ્‌યા હોય તેમ ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. મેઘા અને સાહિલ વરસાદની બુંદો સંગ ચાહતની બુંદોને ઝીલતા એકમેકમાં એકાકાર થઈ ગયાં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution