મિનાક્ષી શૈષાાદ્રી: દમદાર અભિનેત્રી

લેખકઃ ખ્યાતિ શાહ | 


બોલિવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે લગ્ન બાદ પોતાના સ્ટારડમને અલવિદા કહ્યું છે. તેમાંની એક છે મીનાક્ષી શેષાદ્રી. જાેકે, સ્ટારડમને અલવિદા કહેવા પાછળ તેમની પાસે અનેક કારણો હતા. ૯૦ના દાયકાની વાત કરીએ તો મિનાક્ષી માત્ર અભિનેત્રી જ નહીં, પરંતુ નૃત્યાંગના, પ્રોડ્યુસર અને સારી સ્પીકર પણ હતી.

મીનાક્ષી શેષાદ્રીને નૃત્ય માટે એટલો લગાવ છે કે તે પોતાની જાતને અભિનેત્રી કરતાં નૃત્યાંગના વધુ માને છે. ૯૦ના દાયકાની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી માધુરી દીક્ષિત નહીં, પરંતુ મીનાક્ષી શેષાદ્રી હતી. મીનાક્ષીનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૬૩ના રોજ બિહારમાં એક તમિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારમાં તેનું નામ શશીકલા રાખવામાં આવ્યું હતું. તેણે વેમપતિ ચીન્ના સત્યમ અને જય રામારાવ પાસેથી ભારતીય શાસ્ત્રીય નૃત્યકળા ભરતનાટ્યમ, કુચીપુડી, કથક અને ઓડીસીની તાલીમ મેળવી હતી. ૧૯૮૧માં માત્ર ૧૭ વર્ષની વયે ઇવ્સ વીકલી મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને વિજેતા પણ બની હતી. જે બાદ તેણે ૧૯૮૧માં જ જાપાનના ટોકીયોમાં યોજાયેલી મિસ ઇન્ટરનેશનલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મીનાક્ષીએ ૨૦થી વધુ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી છે. ૧૯૮૩માં મનોજકુમાર નિર્મિત ફિલ્મ ‘પેઇન્ટર બાબુ’થી મીનાક્ષીના બૉલીવુડ કેરિયરની શરૂઆત થઇ હતી. આ ફિલ્મમાં યાદગાર ભુમિકા ભજવ્યા બાદ મીનાક્ષીએ ૧૯૮૩માં જેકી શ્રોફ સાથે સુપર હિટ મુવી ‘હીરો’માં મુખ્ય ભૂમિકા ભજવી. જે ફિલ્મ આજે પણ લોકોના માનસ પટલ પર અંકાયેલી છે. એટલું જ નહીં, આ ફિલ્મે જ મીનાક્ષીને સુપર સ્ટારનો દરજ્જાે અપાવ્યો હતો.

પછી તો જાેવાનું જ શું! મીનાક્ષીના બોલિવુડના સુપરસ્ટાર સાથે કામ કરવાની સફર શરૂ થઈ ગઈ. જેકી શ્રોફ, ઋષિ કપૂર, અમિતાભ બચ્ચન, સની દેઓલ, વિનોદ ખન્ના સાથે મીનાક્ષીની જાેડીએ ચાહકોમાં ખુબ જ નામના મેળવી હતી. ચાહકોમાં મીનાક્ષીની લોકપ્રિયતાની તો તે સમયે મીડિયા દ્વારા પણ પ્રશંસા પણ કરવામાં આવતી હતી. તેની શ્રેષ્ઠ અને સૌથી પોપ્યુલર જાેડી કે પછી બેસ્ટ ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી જાે કોઈની સાથે હોય તો તે અનિલ કપૂર સાથે હતી.

મીનાક્ષી એક અભિનેત્રી અને નૃત્યાંગના સાથે સાથે એક સુંદર ગાયક પણ હતી. તેણે જેપી દત્તાની ફિલ્મમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ રચિત કાવ્યાત્મક નોટ્‌સને પોતાનો સ્વર પણ આપ્યો છે. તેણે ચંકી પાંડે અને નાના પાટેકર સાથેની એક ફિલ્મ ‘તડપ’માં એક ગીત પણ ગાયું હતું. એટલું જ નહીં, તેણે અમિતકુમાર અને સુરેશ વાડેકર સાથે આરડી બર્મન રચિત ગીતને પણ સ્વરબંધ કર્યું હતું.

કોઈ અભિનેત્રી બેસ્ટ નૃત્યાંગના, ગાયક અને ખૂબ જ લોકપ્રિય હોય તો તે બોલીવુડ જગતમાં ચર્ચામાં ન હોય તેવું બને જ નહીં. મીનાક્ષીનું નામ પણ એ લિસ્ટમાંથી બાકાત રહ્યું નથી. અનિલ કપૂર સાથે બેસ્ટ કેમેસ્ટ્રી નિભાવતી મીનાક્ષી ક્યાંક ને ક્યાંક કુમાર સાનુ સાથે ઘણી ચર્ચામાં હતી. મહેશ ભટ્ટની ‘જૂર્મ’ ફિલ્મના પ્રીમિયર શોમાં મીનાક્ષી અને કુમાર સાનુ પ્રથમ વાર મળ્યા અને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા. કુમાર સાનુ અને પત્ની રીટાના ડિવોર્સનું કારણ પણ મીનાક્ષી સાથેનું અફેર જ રહ્યું હતું.

મીનાક્ષીની દમદાર ફિલ્મ ‘દામિની’માં તો તેની તારીફ કરવાથી મીડિયા, કલા જગત અને ફિલ્મ ક્રિટીક્સ થાકતા ન હતા. ‘દામિની’ને દમદાર બનાવવામાં મીનાક્ષીને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ‘દામિની’ના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીનું દિલ મીનાક્ષી પર આવી ગયું હતું. તેમણે મીનાક્ષીને પ્રપોઝ પણ કર્યું પરંતુ મીનાક્ષીએ તેને નકારી કાઢ્યું હતું. જેના કારણે તેને ફિલ્મ છોડવાની પણ નોબત આવી ગઈ હતી. જેથી ફિલ્મમાં દામિનીના કિરદાર માટે માધુરીનો એપ્રોચ કરવામાં આવ્યો હતો. પરંતુ માધુરીએ તે ઓફર સ્વીકારી નહીં. મીનાક્ષીએ તેની કારકિર્દીની અંતિમ ફિલ્મ‘ ઘાતક’ કરી જે બાદ તેને બોલીવુડને અલવિદા કહી દીધું હતું.

૧૯૯૫માં મીનાક્ષીએ બેન્કર હરીશ મૈસુર સાથે સિવિલ વેડિંગ કરી ન્યુયોર્કમાં રજીસ્ટર્ડ લગ્ન કર્યા. તેણે ટેક્સાસમાં ભરતનાટ્યમ કથક અને ઓડીસીનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલાને મીનાક્ષીએ વિદેશની ભૂમિ પર પ્રોત્સાહિત કરવા અને તેને આગળ વધારવાની મીનાક્ષીની ઇચ્છાએ જ તેને ‘ચેરિશ’ ડાન્સ સ્કુલની શરૂઆત કરવા પ્રેરી હતી.

૨૦૦૬માં માર્ગારેટ સ્ટીફન્સે મીનાક્ષીના જીવન પર ‘ડાયરેક્ટર મિનાક્ષી એક્સેપ્ટ હર વિંગ્સ’ નામની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવી હતી. બે કલાકની મ્યુઝિકલ ડોક્યુમેન્ટરીમાં મીનાક્ષીની જીવનશૈલીમાં નૃત્યાંગના અને અભિનેત્રીમાંથી ગૃહિણી તરીકેના બદલાવનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. ડોક્યુમેન્ટરીમાં મીનાક્ષીના બોલીવુડ છોડ્યા બાદ તેના સરળ લગ્ન પછીના જીવનની ઊંડી સમજ અપાઈ હતી. બોલીવુડને અલવિદા કહી મીનાક્ષી આજે અમેરિકામાં પોતાના પરિવાર સાથે સમય વિતાવે છે. તેની સાથે સાથે જ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલાને આગળ વધારી રહી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution