ફ્લાઇટ દરમિયાન મુસાફરો માટે ફરી ભોજનની સર્વિસ શરુ કરાઈ

દિલ્હી-

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજરમાં ફેરફાર કર્યો છે અને એરલાઇન્સ કંપનીઓને ભોજન પીરસવાની મંજૂરી આપી છે. મુસાફરોને હવે એરલાઇન્સની નીતિ અનુસાર પેકેજ્ડ ફૂડ, નાસ્તો અને પીણાં આપવામાં આવશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે એરલાઇન હવે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર અનુસાર મર્યાદિત પીણાં સાથે ગરમ ભોજન આપી શકાય છે.

સરકારે એરલાઇન્સને ડિસ્પોઝલ પ્લેટ, કટલરી અને સેટ-અપ પ્લેટોનો ઉપયોગ કરવા જણાવ્યું છે જેનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે નહીં. ડિસ્પોઝેબલ ગ્લાસ,બોટલ,કેન અને કન્ટેનરમાં જ ચા,કોફી અને અન્ય પીણાં પીરસવામાં આવશે. આ સાથે જ તમામ ભોજન અને પીણાં માટે ક્રૂએ ગ્લોવ્ઝનો દર વખતે નવો સેટ પહેરવો પડશે. 

આ ઉપરાંત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ માટે મનોરંજનની પણ મંજૂરી આપી દેવાઈ છે. સરકારે બોર્ડિંગ અગાઉ એરલાઇન્સોને સૂચના આપી છે કે ડિસ્પોઝેબલ ઈયરફોન્સનો ઉપયોગ કરવામાં આવે અથવા યાત્રીઓ માટે સાફ અને કીટાણુંરહિત ઈયરફોન આપવામાં આવે. એસઓપી અનુસાર એરલાઇન્સે દરેક ફ્લાઇટ બાદ તમામ ટચપોઈન્ટ્સને સાફ અને કીટાણુરહિત કરવા પડશે. 

નોંધનીય છે કે 25 મેના રોજ ઘરેલુ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ત્યારે સરકારે ખાદ્ય અને પીણા સેવાઓ તેમજ મનોરંજન પર પ્રતિબંધ મૂક્યો હતો.વંદે ભારત મિશન અંતર્ગત 7 મેના રોજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ હતી. કોવિડ -19 રોગચાળો અને લોકડાઉનને કારણે ઘરેલું ફ્લાઇટ્સ 25 માર્ચથી અને 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution