દિલ્હી-
માર્ચ મહિનામાં સમગ્ર દેશમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝારખંડમાં કરા સાથે વરસાદ પડવાની સાથે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો, જેનાથી તાપમાનમાં ઘટાડો થયો છે. ૧૪ અને ૧૫ માર્ચના રોજ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે શનિવારે ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કરા સાથે વરસાદ પડશે.
આ રાજ્યોમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે, જ્યારે કાશ્મીર, લદાખ અને પંજાબમાં યેલો અલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના ઘણા વિસ્તારમાં કરા પડશે. ઝારખંડમાં ઘણા વિસ્તારોમાં ગુરુવાર સાંજે ભારે વરસાદ પડ્યો હતો. લોકોને ગરમીમાં રાહત મળી હતી. અહીં મેક્સિમમ તાપમાન ૩૩ ડીગ્રી નોંધાયું હતું. હવામન વિભાગે શુક્રવારે પણ કરા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. રાજસ્થાનના કોટામાં ગુરુવારે ત્રણવાર વાતાવરણ બદલાયું. બપોર સુધી તડકો હતો, બપોર પછી વાદળા આવ્યાં અને સાંજે ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શનિવારે વાદળાં વિખેરાઈ જશે અને વાતાવરણ સાફ થઈ જશે. હરિયાણામાં શુક્રવારે ભારે પવન સાથે વરસાદ પડશે. આ દિવસે ૪થી ૫ ડીગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે. પંજાબનાં ઘણાં શહેરોમાં ૧૭ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જલંધરમાં પણ ઝાપટાં પડવાની સંભાવના છે.