સફળતાની માસ્ટર કીઃ પોઝિટિવ એટીટ્યુડ

બે મહાપુરૃષોના આ બે સૂત્રો મને બહુ ગમે છે. એક તો બીજી સદીમાં થઈ ગયેલો રોમન રાજા અને ફિલસૂફ માર્કસ ઓરેલિયસે કહ્યું હતું “આપણે જેવું વિચારીએ છીએ એવું આપણું જીવન બને છે.” અને બીજું બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડના વડાપ્રધાન, ઇતિહાસકાર, લેખક, અને ચિત્રકાર રહી ચુકેલા વિન્સટન ચર્ચિલનું આ વાક્ય “અભિગમ એક નાનકડી બાબત છે પરંતુ જીવનમાં એ મોટો પ્રભાવ પાડે છે.”
અભિગમ અર્થાત એટીટયુડ એટલે શું? કોઇ પણ વસ્તુ બાબત કે માણસો વિશે માનસિકતાની સ્થિતિને અભિગમ કહેવામાં આવે છે. તમે કોઇપણ વસ્તુ કે પરિસ્થિતિમાં શું જુઓ છો એના કરતા કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. તમે શું સાંભળો છો એ મહત્વનું છે. તેમ શું વિચારો છો એના કરતા કેવી રીતે વિચારો છો એ મહત્વનું છે. અભિગમ હકારાત્મક કે નકારાત્મક અથવા તો એક વસ્તુ માટે બંને હકારાત્મક-નકારાત્મક પણ હોઇ શકે છે. નકારાત્મક અભિગમ ધરાવનારાઓને બધુ જ ખોટું અને અર્થહીન દેખાય છે. હકારાત્મક અભિગમમાંથી જીવનની કૃતજ્ઞતા અને આનંદ મળે છે. નકારાત્મક અભિગમથી નિરાશા, ગુસ્સો અને ભય પ્રકટ થાય છે. હકારાત્મક અભિગમથી કોઇ કાર્ય પૂર્ણ થાય કે લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે કાર્યક્ષમતા અને સંતોષ મળે છે.
જીવનની ઘણી બધી પરિસ્થિતિઓ આપણા કાબુ બહાર હોય છે. આપણે એને બદલી શકતા નથી પરંતુ જૂજ પરિસ્થિતિઓ એવી હોય છે જેને આપણે બદલી શકીએ છીએ. જેવી પરિસ્થિતિ આવે એનો સ્વિકાર કરવો જાેઇએ. કોઇ પણ પરિસ્થિતિમાં આપણે નિરાશ થઇએ, કડવાશ કે ગુસ્સામાં જીવીએ અથવા તો પરિસ્થિતિનો તાગ મેળવવા ઊંડા ઉતરીએ, એની સામે પ્રતિકાર કરીએ અને સમસ્યામાંથી બહાર નીકળીએ અને નવેસરથી જીવવાનું શરુ કરીએ. આ બધું આપણે પરિસ્થિતિને કેવા અભિગમ સાથે સ્વિકારીએ છીએ એના ઉપર આધાર રાખે છે. હકારાત્મક અભિગમનો અર્થ એવો નથી કે દરેક વખતે આપણે સ્મિત કરતા રહીએ અને સુખદ દેખાવવાનો પ્રયત્ન કરીએ. જીવનની પરિસ્થિતિઓને આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ એ મહત્વનું છે. દરેક બાબતને હકારાત્મક અને આશાવાદી માનસિકતા સાથે જુઓ છો, એ તમને તો લાભ કરાવે જ છે પરંતુ બીજા લોકો ને પણ એનો લાભ થાય છે.
જીવનમાં સફળ થવું હોય તો હકારાત્મક વિચારો અને અભિગમ તથા ખંતપૂર્વક પરિશ્રમ કરવા જેવી બાબતો અનિવાર્ય છે. અડધા ભરેલા પાણીના ગ્લાસમાં નિરાશાવાદીને ગ્લાસ અડધો ‘ખાલી’ લાગે છે તો આશાવાદી માણસને અડધો ‘ભરેલો’ લાગે છે. આપણા હાલના વડાપ્રધાન તો એક ડગલું આગળ વધીને એવું પણ વિચારતા હતા કે, અડધો ગ્લાસ પાણીથી અને અડધો ગ્લાસ હવાથી ભરેલો છે, અર્થાત્‌ ગ્લાસ આખો ભરેલો છે! આ માનસિકતા થોડી ઉચ્ચ પ્રકારની ગણાય પરંતુ વિશ્વના મોટાભાગના લોકો આટલી ઉચ્ચ હકારાત્મક માનસિકતા કેળવી શકતા નથી, કદાચ એ જરૂરી પણ નથી. ડેલ કાર્નેગીએ એક બહુ સરસ વાત કરી છે ઃ નકારાત્મક વાતની શરૂઆત પણ હકારાત્મક રીતે થવી જાેઈએ. નકાર રસ્તો બંધ કરી દે છે. જ્યારે હકાર રસ્તા ખોલી આપે છે. નકાર આત્મવિશ્વાસને હણી લે છે, જ્યારે હકાર આત્મવિશ્વાસનો ગુણાકાર કરે છે. સવાલ માત્ર એવી દષ્ટિનો જ છે.
સકારાત્મક વલણ આનંદપૂર્વક જીવન જીવવામાં મદદ કરે છે. તે જીવન જીવવાની આશા આપે છે અને ચિંતાઓ તથા નકારાત્મક વિચારોને ભૂલી જવા માટે સંવેદનશીલ બનાવે છે. હકારાત્મક અભિગમ સાથે, લાંબુ જીવન સારા સ્વાસ્થ્ય સાથે આનંદથી જીવી શકાય છે. તેમજ માનસિક તાણ પણ ઓછી રહે છે અને વધુ સ્ફૂર્તિ તથા ઉર્જાવાન શક્તિ નો અનુભવ થાય છે. કોઈપણ કાર્ય કરવાની ક્ષમતા આવી જાય છે અને તે દેખીતી રીતે અઘરું લાગતું કાર્ય તમે ખૂબ જ સહેલાઈથી કરી શકાય છે. જેના કારણે આત્મસન્માન પણ વધે છે. તમારી અંદર રહેલી શક્તિનો વિકાસ થાય છે અને તમે દરેક ક્ષેત્રમાં સહેલાઈથી સફળતા પ્રાપ્ત કરી શકો છો. વ્યક્તિનું હકારાત્મક વલણ અન્ય વ્યક્તિ સાથેનો વ્યવહાર સરળ બનાવે છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે તંદુરસ્ત આંતરક્રિયા થાય છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેની આંતરક્રિયામાં પરિણામ હકારાત્મક મળે છે. સકારાત્મક વલણ ધરાવતા લોકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ શ્રેષ્ઠ જુએ છે.
માનસશાસ્ત્રીઓ કહે છે તમે જેવું વિચારો છો એવા બનો છો. જીવનમાં જેણે પ્રગતિ કરી એ બધા જ લોકો હકારાત્મક, આશાવાદી વિચારસરણી ધરાવતા હતા. એમ માત્ર હું જ નથી કહેતો પરંતુ હાર્વડ બિઝનેસ સ્કૂલનાં એક અભ્યાસમાં પણ આની પુષ્ટિ થઈ છે. આ અભ્યાસ મુજબ ધંધામાં સફળતા માટે ચાર બાબતો મુખ્ય છે. માહિતી, બુદ્ધિ, કાર્યકુશળતા અને અભિગમ. મજેદાર વાત તો આ છે કે આ અભ્યાસમાં એવું તારણ નીકળ્યું કે માહિતી, બુદ્ધિ અને કાર્યકુશળતાનો ફાળો માત્ર ૭ ટકા છે જ્યારે કે એકલો અભિગમનો ફાળો ૯૩ ટકા છે. ધંધામાં જે વાત સત્ય છે એ જીવનમાં પણ સત્ય છે.
હમણાં જ જાણીતા એક્ટર રણવીરસિંઘે આપેલા તેના પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેની ૨૩મી બર્થડે ઉપર તેની બહેન ‘ડી ડી એલ જે’ના ફોટા વાળી કેક લાવી હતી. તેના ઉપર તેણે રણવીર સિંઘનો ફોટો લગાવી દીધો હતો ત્યારે તે ફિલ્મનો હીરો શાહરુખ ખાન તેનો રોલ મોડલ હતો, ત્યારે તેણે તે ફોટો લઈ પોતાની દિવાલ પર લગાવી અને નક્કી કર્યું કે હું પણ યશરાજ બેનરની મુવીમાં એક્ટર તરીકે કાર્ય કરીશ. આ વિચારથી તેના ૨૫મા બર્થ ડે માં યશરાજ બેનર હેઠળ તેને પ્રથમ તેનું મુવી ‘બેન્ડ બાજા ઓર બારાતી’ સાઇન કરી. આમ કહી શકાય કે હકારાત્મક વલણ રાખવાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution