સુખી દાંપત્યજીવનની માસ્ટર-કીઃ સહનશક્તિ અને ધીરજ

 હાલના સમયે સૌથી મોટી જાે કોઇ સમસ્યા હોય તો એ છે બહુ જ ટૂંકા સમયમાં છૂટાછેડાના વધતા જતા કેસો. આપણે ક્યારેય વિચાર્યું છે કે દિવસે દિવસે છૂટાછેડાના આટલા બધા કેસ શા માટે વધી રહ્યા છે? કોઈક તો એવું કારણ હશે જે આ કેસ વધવા માટે જવાબદાર હોય. લગ્નવ્યવસ્થા એ ભારતીય સંસ્કૃતિની સૌથી અગત્યની અને મહત્વની વ્યવસ્થા છે. લગ્નવ્યવસ્થાના કારણ, હેતુ અને તેની અસરો વિશે જાે વિચારવામાં આવે તો જ લગ્નવ્યવસ્થાનું મહત્વ સમજાય છે અને લગ્નવ્યવસ્થાનું મહત્વ સમજાય તો એને પાલન કરવાની, વળગી રહેવાની જરૂરિયાત સમજાતી હોય છે.

આપણી સંસ્કૃતિમાં લગ્નવ્યવસ્થાનું એક આગવુ મહત્વ છે. લગ્નવ્યવસ્થા શા માટે જરૂરી છે અને એના શું ફાયદા છે એ વિશે પૂરી જાણકારી હોય તો લગ્નવ્યવસ્થામાં શ્રદ્ધા બેસે છે. એક મિનિટ માટે વિચારીએ કે જાે લગ્નવ્યવસ્થા હોત જ નહીં તો શું થાત ? તો જવાબ એવો આવે કે બધા પોતપોતાની રીતે આઝાદ હોત, ન પતિ, ન પત્ની. કે ન તેનો પરિવાર. એક રીતે કહીએ તો પ્રાણીઓ જેવું જીવન હોત. સૌ પોતપોતાના પેટની ચિંતા કરતા હોત. કોઈ વ્યવસ્થા ન હોત. લગ્નવ્યવસ્થા ન હોત તો સંબંધો પણ ન હોત. પરિવાર ન હોત, પ્રેમ અને લાગણી ન હોત, પોતાપણાની ભાવના ન હોત અને એથી વધારે સમાજ વ્યવસ્થા વિખરાઈ ગઈ હોત. વિદેશી સંસ્કૃતિ પ્રમાણે ભારત દેશમાં પણ એક સ્ત્રીના અનેક પતિ અને એક જ પુરુષની અનેક પત્ની હોત, વળી દરેક પતિ પત્નીના બાળકો, એકબીજાના સંબંધો, ફ્રી સેક્સ જેવા અનેક પ્રશ્નો ઉભા થતા હોત. આ બધાને ગૂંચવાડા નિવારવા અને આપણી સંસ્કૃતિ અને આપણી ધરોહરને સાચવી રાખવા માટે લગ્નવ્યવસ્થા જરૂરી છે.

હા, એ વાત સાચી છે કે બદલાતા સમય પ્રમાણે આપણી લગ્નવ્યવસ્થા જુનવાણી અને જડ લાગે છે. લગ્નવ્યવસ્થા પણ કંઇક બદલાવ માંગે છે. અનેક ક્ષતિઓના કારણે આ વ્યવસ્થા પણ હવે ઓક્સિજન પર જીવી રહી છે. એ સાચું કે આ વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે, ઘણો બદલાવ આવશ્યક છે. પરંતુ એની પાછળ પણ અનેક કારણો રહેલા છે અને એ બધા કારણોને ઝીણવટ પૂર્વક તપાસતા એટલું સમજાય કે જે વ્યવસ્થા હાલમાં છે એ જ આપણા દેશ અને આપણી સંસ્કૃતિ માટે યોગ્ય છે. આપણી પાસે આ વ્યવસ્થામાં વિશ્વાસ કરવા અને એને ટકાવી રાખવા સિવાય બીજાે કોઈ રસ્તો નથી. આપણે જ્યારે આ વ્યવસ્થા ટકાવવાની છે ત્યારે એને સારામાં સારી રીતે નિભાવી શકીએ એવા પ્રયાસ કરવા જાેઈએ. આજના સમયમાં લગ્નમાં યુવાનોને ભરોસો નથી. એક પ્રકારનો ડર છે લગ્ન બાબતે અને લગ્ન વ્યવસ્થા માટે બિલકુલ આદર-સન્માન કે વ્યવસ્થાની ગંભીરતા નથી એવું કહીએ તો ખોટું નથી. અને આ કારણસર જ આજની યુવા પેઢી લગ્નને જાણે કે રમત સમજતી હોય એવું જાેવા મળે છે. શિક્ષણ વધે એમ સમજણ પણ વધતી હોય અ જાે સાચુ હોય તો આજની પેઢીના પતિ-પત્ની કેમ આ વ્યવસ્થા સાચવવામાં નબળા પુરવાર થાય છે?

 લગ્ન વ્યવસ્થા તો સદીઓથી આજ ચાલી આવે છે. અને એક જમાનામાં આપણી લગ્ન વ્યવસ્થા એ ઉત્તમ વ્યવસ્થા ગણાતી. હ્લારણ કે પતિ પત્ની આ વ્યવસ્થાને ખૂબ આદર, પ્રેમ અને માનભેર સાચવતા. બહુ પહેલાંના સમયમાં લગ્નની કોઈ ચોક્કસ ઉંમર નહોતી. એ સમયમાં લગ્નગ્રંથિથી જાેડાનાર બંને પાત્રોને એકબીજાને જાેવા કે પસંદ કરવાનો અધિકાર નહોતો. એ સમયે મોટાભાગે બધા જ સંયુક્ત કુટુંબો હતા. શિક્ષણનું પ્રમાણ ઓછું હતું અને સ્ત્રીઓમાં તો લગભગ નહીવત હતું.

એ સમયમાં ઈશ્વરે કરેલી રચના મુજબ પુરુષ અર્થોપાર્જન અને સ્ત્રી ઘર સંભાળવાનું કાર્ય કરતી અને એ રીતે લગ્ન વ્યવસ્થા એમાં સંપૂર્ણ પુરવાર થતી. નાની ઉંમરમાં કાચી વય અને કાચી સમજાણે દીકરી પોતાના સાસરે જતી. બે પરિવાર વચ્ચેનો ભેદ પણ સરખું ન સમજતી હોય એ ઉંમરે સાસરે આવી જતી દીકરી પોતાનો પરિવાર હોય એ રીતે પરિવારમાં સમાઈ જતી. ઘરકામ, રસોઈ અને આધ્યાત્મિકતા એ બધું જ એ સાસરે આવીને શીખતી. અત્યંત જરૂરી કામ કે પ્રસંગ સિવાય દીકરીના માતા-પિતા તેના સાસરે ન જતા અને જવું જ પડે તોપણ દીકરીના ઘરનું પાણી ન પીતા. આ બધાના કારણે દીકરીના પિયર વાળાની દખલઅંદાજી એના સાસરામાં નહોતી. પહેલેથી બધા જ કામ સાસરિયાની ઘરેડ, માનસિકતા મુજબ થતા હોવાથી અને ઘરની ચાર દીવાલ એ જ સ્ત્રી નું કાર્યક્ષેત્ર હોવાથી સમોવડીયાપણું, કમાતા હોવાનો અહમ, સરખી સમજણ અને શિક્ષણ હોવાનું અભિમાન, આમાનું કશું જ નહોતું. લગભગ દરેક સ્ત્રીની સ્થિતિ એકસરખી હતી અને આ જ ઘરેડમાં જીવતી દરેક સ્ત્રીમાં ઈર્ષા કે અદેખાઈનું પ્રમાણ બિલકુલ નહતું.

દીકરીને પણ સાસરે જતી વખતે એવું જ શીખવવામાં આવતું કે હવે સાસરુ તારું ઘર છે અને એ ઘરમાંથી તું અર્થી પર ચઢીને જ બહાર નીકળીશ અને દીકરી પણ આ વાત ગાંઠે બાંધી લેતી. એક જમાનો હતો કે જ્યારે સાસુઓ ખરેખર વિલન જેવી હતી. વહુને ઘરની કામવાળી કે બળદ સમજવામાં આવતી. એ જમાનામાં વડીલોની આમન્યા, મર્યાદા અને ડર પણ એટલા જ હતા અને એ જ રીતે દરેક વહુ સાસુથી ડરતી. પોતાને અને પતિને કે બાળકોને કઈ રીતે જીવવ,ું શું ખાવું, કેવું પહેરવું, ક્યાં અને ક્યારે જવું - આ બધું જ ઘરના વડીલો નક્કી કરતા અને એ જ રીતે જીવાતું છતાં ક્યારેક કોઈની ફરિયાદ નહોતી. દીકરીને પણ સાસરે વળાવતી વેળા માતાપિતા એવી શીખ પણ આપતા હોય છે કે એ પિયર નથી, સાસરું છે અને સાસરું એટલે એક પ્રકારની કેદ જુલમ અને અત્યાચાર અને છતાં આ સમાજની વ્યવસ્થા છે અને મને કે કમને તેમાં ફિટ બેસવાનું હોય એવો અભિગમ પણ. એ જ કારણસર પહેલાના સમયમાં લગ્ન વિચ્છેદના કિસ્સાઓ બનતા જ નહીં.

આજના સમયમાં લગ્ન વિચ્છેદ એ જાણે કે બહુ જ સામાન્ય ઘટના બની ગઈ છે. આ કારણો તપાસતાં કેટલીક ખૂબ સામાન્ય વાતો સામે આવે છે. સૌથી પહેલી વાત તો એ કે સમોવડા થવાની હોડ, સમાન શિક્ષણ અને સ્ત્રીનું કામ, મુખ્યત્વે ત્રણ કારણસર અત્યારે લગ્ન તૂટવાના સૌથી વધારે બનાવ બનતા હોય છે. બદલાતા સમય સાથે સ્ત્રી શિક્ષણનો નારો આવ્યો. સ્ત્રી શિક્ષણને પ્રધાન્ય આપવામાં આવ્યુ.. પુરુષ જેટલું ભણેલી સ્ત્રી કમાય પણ પુરુષ જેટલું જ. જેના કારણે સ્ત્રી પોતાને પુરુષ સમોવડી માનવા લાગી. પરિણામે વાણી સ્વાતંત્ર્ય વિચાર સ્વાતંત્ર્ય અને પોતાની રીતે જીવવાનું સ્વાતંત્ર્ય- આવા મુદ્દાઓ આવ્યા.

 સાથે સાથે દરેક કામમાં પત્ની એવું પણ વિચારતી થઈ કે જાે પોતે કમાઈ શકે તો પુરુષ ઘરકામ કેમ ન કરી શકે? આજના સમયમાં આ ખોટું પણ નથી. પરંતુ વડીલો જૂનવાણી વિચારના હોય છે. આધુનિક વિચારસરણી વડીલોને ફિટ નથી બેસતી હોતી. અને પરિણામે લગ્ન વિચ્છેદના પ્રશ્નો બનતા હોય છે. ઘણી વખત સ્ત્રીને શિક્ષિત હોવાનો અને કમાવાનો અહમ અને અમુક કાર્યો પોતે નહીં જ કરે અથવા પોતે ન જ કરવા જાેઈએ એવી જડ માન્યતાને કારણે પણ ઘણીવાર લગ્ન વિચ્છેદ સુધી પહોંચી જાય છે. 'હું માફી નહીં જ માંગુ’થી લઈને 'બંને સાથે ઓફિસથી આવ્યા છીએ તો હું પાણી ભરીને નહી આપું’ જેવા નાના પ્રશ્નોમાંથી પણ લગ્નજીવન ભંગાણને આરે આવીને ઊભું રહી જતું હોય છે.

આજની ભણેલી-ગણેલી અને કમાતી સ્ત્રી પતિ કે તેના પરિવાર તરફથી અપમાન કે બંધન સહન નથી કરી શકતી. સ્વતંત્ર વિચારસરણી ધરાવતી આજની યુવતીઓ પરિવારમાં એડજસ્ટ થવામાં કાચી પડે છે. કેટલીક વખત પોતે કમાતી હોવાના કારણે ઘરકામ કરવામાં નાનમ અનુભવતી હોય છે. આ કારણથી પરિવારમાં સતત ઘર્ષણ રહેતું હોય છે. બદલાતા સમય સાથે સ્ત્રીઓ પણ પોતાના અસ્તિત્વનો સ્વીકાર કરતી થઈ છે અને કરાવતી પણ થઇ છે. જરા અમથી પ્રતિકૂળ પરિસ્થિતિ એને વિચલિત કરી નાખે છે.

આજની પેઢીમાં ધીરજ અને સહનશીલતાનો ગુણ બિલકુલ જાેવાં મળતો નથી. યુવતી પરણીને સાસરે આવે ત્યારે તે કોરી પાટી જેવી હોય છે. જિંદગીના આટલા વર્ષો મોજ મજા અને ભણવામાં કાઢ્યા હોય એવી યુવતી પાસે આવતાની સાથે જ ઘર સંભાળી લે એવી અપેક્ષા રાખવી એ વધારે પડતી છે, છતાં ઘણી વખત યુવતી આવી તમામ આપેક્ષાઓ પુરી કરવાના પૂરા પ્રયાસ કરે છે પરંતુ ઘણી વખત નિષ્ફળતા મળતી હોય છે.

 આપણે જાણીએ છીએ કે પોતાની જિંદગીના ૨૫ -૨૬ વર્ષ જે ઘરમાં વિતાવ્યા હોય એ ઘરના રીતરિવાજ અને રૂઢિ દીકરીના સાસરીયાના ઘરના રીતરિવાજ અને રૂઢિ કરતા અલગ હોવાના. આવા સમયમાં પત્નીએ સાસરિયાનાં રીતરિવાજ અને રૂઢિને અપનાવવાના હોય છે. પરંતુ પોતાના વાણી, વર્તન, સ્વભાવ કે ટેસ્ટ- કોઈ પણ બાબતમાં બાંધછોડ કે કોમ્પ્રોમાઇઝ ન કરી શકતી પત્ની એટલો સમય રાહ નથી જાેઈ શકતી અને લગ્ન જીવનના ટૂંકાગાળામાં જ 'પોતે ઘરમાં સેટ નહીં થઈ શકે’ એવા બહાના હેઠળ અલગ થઈ જતી હોય છે. કેટલીક વખત પતિ-પત્ની વચ્ચે થયેલી બોલાચાલી અને અન્ય બનાવને લીધે ગુસ્સામાં આવીને કોઈ એક વ્યક્તિ ઘર છોડવાની વાત કરીને ઘરમાંથી નીકળી જતી હોય છે. એવા સમયે સાથીદારે સહારો આપી અને તેને રોકવાના હોય છે. પરંતુ સામેના પાત્રની પણ જીદને લઈને એ વાતની જેમની તેમ રહે છે પરિણામે બંને વચ્ચે વૈમનસ્ય વધતું જાય છે લગ્નજીવન ખોરવાઈ જાય.

આજકાલ સમાજમાં સૌથી વધારે એવા કિસ્સા જાેવા મળે છે કે દામ્પત્યજીવનમાં સેટ થવા કે ધીરજ રાખવાને બદલે સહનશીલતાના ગુણને નેવે મૂકી નાનીઅમથી વાતમાં પતિ પત્ની તદ્દન ટૂંકાગાળામાં અલગ થઈ જતા હોય છે. કેટલીકવાર તો બન્ને પાત્રોના લગ્ન વખતના ફોટાનું આલ્બમ આવે એ પહેલાં પતિ પત્ની અલગ થઈ ગયા હોય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution