ઉનાળાની કાળઝાળ ગરમીમાં આગના બનાવોમાં એકાએક વધારો થયો છે.ત્યારે વડોદરા નજીક આવેલ નંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં સ્થિત ડામર બનાવતી કંપનીમાં આગ લાગતા નાસભાગ મચી હતી. બાયો ભઠ્ઠીમાં લાગેલી આગ ક્ષણોમાંજ વિકરાળ બનતા આસપાસની કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. બનાવની જાણ થતા નંદેસરી ફાયર વિભાગની ટીમ તુરંત પહોંચી હતી અને ફાયર એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યુ નથી. પરંતુ પ્રાથમિક તબક્કે આગ ઓઈલ લીકેજ થતા લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડોદરા નજીક આવેલા નંદેસરીમાં આવેલ એન ટી પી ટાર કંપનીમાં આકરી ગરમીમાં બપોરના સમયે આગ લાગી હતી. ડામર બનાવતી કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી. જાે કે આગની જાણ થતાજ નંદેસરી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગની બે ગાડીઓ ઘટનાસ્થળે પોહચી કામગીરી શરૂ કરી હતી. ડામરની કંપનીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જાેવા મળ્યા હતા. નંદેસરી ફાયર વિભાગના સૂત્રોએ કહ્યુ હતુ કે, બપોરે ૧.૧૫ કલાકે કોલ મળ્યો હતો. ટીમ જ્યારે પહોંચી ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગ ડામરની બાયો ભઠ્ઠીમાં લાગી હતી. આ આગ ઓઇલ લીકેજ થતા લાગી હોવાનું પ્રાથમીક અનુમાન છે. ૧ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને કાબુમાં લેવા માટે ૨ ગાડી નંદેસરી ફાયર વિભાગની અને એક ગાડી સ્થાનિક કંપનીની મદદથી કામગીરી કરાઈ હતી. આ આગને નિયંત્રણમાં લેવા માટે ફાયર વિભાગે ૨૦૦ લીટર કેમિકલ ફોમનો ઉપયોગ કર્યો હતો.બનાવી જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. સદનસીબે આગના બનાવવામાં કોઈ જાન હાનિ થઈ નથી.