અંક્લેશ્વર, તા.૧૪
અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદી કાંઠે વસેલા ગામની સીમમાં આવેલી ખેડૂતોની જમીનોનું ધોવાણ થવુ કોઈ નવી સમસ્યા નથી. વર્ષ દરમ્યાન નદીનાં પાણીમાં આવતા ઉતારચઢાવથી અનેક વખત જમીનનું ધોવાણ થયા કરે છે , પરંતુ પૂર તોફાની પાણી ખેડૂતો માટે મોટી તારાજી સર્જી રહ્યા છે. ખેતરોની જમીનનું ધોવાણ થતા ખેતર કોતર સમાન બની ગયા છે. અંકલેશ્વર નાં નર્મદા નદી કિનારે વસેલા ધરતીપુત્રો સરકારની ઉદાસીનતાથી હવે લાચાર બન્યા છે.
નર્મદા નદીમાં જળસ્તર વધતા અને પ્રોટેક્શન વોલની અધૂરી કામગીરીએ ખેડૂતોની જમીન ગુમાવવાની નોબત લાવી દીધી છે. વર્ષ દરમ્યાન પણ નદીનાં પાણીમાં વધારો ઘટાડો થતા જમીન નું ધોવાણ થયા જ કરે છે., પરંતુ નર્મદા નદીમાં સર્જાતી પૂરની આફત ખેડૂતો માટે મોટી મુસીબત લઈને આવે છે.અંકલેશ્વર તાલુકાનાં નદી કિનારે વસેલા જુના તરીયા - ધંતુરીયા , સક્કર પોર ગામની મહામુલી જમીનનું ધોવાણ થતા ખેડૂતો પાયમાલ બન્યા છે. જ્યારે પુરના કારણે ફળદ્રુપ અને મૂલ્યવાન જમીનનાં ધોવાણ થતા કેટલાય ખેડૂત જમીન વિહોણા બન્યા હોવાનું કહેવાય રહ્યુ છે.વર્ષો થી ખેડૂતો પ્રોટેકશન વોલ ની માંગ કરી રહ્યા છે,પરંતુ અધૂરી કામગીરી થી ખેડૂતો હવે ઈશ્વરનાં ભરોશે રહ્યા છે.જાણવા મળ્યા મુજબ જુના તરીયા ગામની સીમ માં આવેલ ૧૫૦ વીંઘા જમીન ધોવાણ થયુ છે , જેમાં ખાસ કરીને શેરડી તેમજ કપાસ નાં ઉભા પાક સાથે ખેતરની જમીન ધોવાય ગઈ છે.અને ખેતરો કોતર સમાન બની ગયા છે , જેમાં ખેડૂત ન તો ખેતી કરી શકે છે ન તો ખેતરમાં પડેલા ખાડા પુરી શકે છે.ખેડૂત પ્રભુ વસાવાએ જણાવ્યુ હતુ કે અફસોસ પાક નુક્શાનનો નથી પરંતુ જમીન ધોવાણનો છે.સરકાર પ્રોટેક્શન વોલ અંગે ગંભીરતાપૂર્વક ર્નિણય કરે એ જરૂરી છે. નહી તો ખેડૂતોની બચેલી જમીન પણ પાણીમાં ગરકાવ થઇ જશે તેમ તેઓએ જણાવી રહ્યા છે. રાજ્ય સરકાર પાસે જમીન ધોવાણ અંગે વળતર આપવા ખેડૂતો માંગ કરી રહયા છે.જ્યારે તરીયા ગામનાં માજી સરપંચ રેવાદાસ પટેલે રોષપૂર્વક જણાવ્યુ હતુ કે જમીન ધોવાણ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ જ સર્વે થતો નથી.નર્મદા નિગમ તેમજ રાજ્ય સરકાર સામે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો , જ્યારે ચૂંટણીમાં જીત્યા બાદ કોઈ પ્રતિનિધિ પણ ખેડૂતોની સમસ્યા જોવા આવતુ નહોવાનું તેઓએ જણાવ્યુ હતુ.