વિજય દિન અથવા કારગિલ વિજય દિન ૨૬મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના માનમાં ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને ‘કારગિલ વિજય દિન’ તરીકે જાહેર કર્યો હતો.આ યુદ્ધ ૬૦ દિવસથી વધુ સમય લડાયું હતું જે આખરે ૨૬ જુલાઈનાં રોજ પૂરું થયું હતું. અંદાજે ૧૮ હજાર ફૂટ ઊંચાઈ પર કારગિલમાં લડવામાં આવેલા આ યુદ્ધમાં આશરે ૫૨૭ ભારતીય જવાન શહીદ થયા હતાં અને આશરે ૧૩૦૦ ઉપરાંત જવાન ઘાયલ થયાં હતાં.
આપણે બધાં ભલે આજનો દિવસ જુદી-જુદી રીતે દેશની અંદર રહીને ઉજવીએ પણ આપણે બધાં સામાન્ય લોકો આપણા તહેવારો અને પ્રસંગો આનંદ અને ઉલ્લાસથી ઊજવી શકીએે એ માટે સરહદો પર ગમે તેવી કડકડતી ઠંડી,અંગ દઝાડતો તાપ કે મુશળધાર વરસાદ જાેયાં વગર દેશના વીર જવાનો ખડે પગે સજ્જ છે.આ એ જવાનો છે જેમનાં દિલમાં કોઈ અમૂલ્ય કે સુખદ ક્ષણો ન માણવાનો અફસોસ નહિ પણ દેશ માટે કુરબાન થઈ જવાની ખુમારી વધારે છલકતી હોય છે.ત્યારે આજે વાત કરીએ આ વીરતા પર આધારિત ફિલ્મ ‘એલ.ઓ.સી કારગિલ’ અને તેના નિર્માતા નિર્દેશક જે.પી. દત્તા વિશે.
‘એલઓસી કારગિલ’ એ ૨૦૦૩ની ભારતીય હિન્દી - ભાષાની ઐતિહાસિક યુદ્ધ ફિલ્મ છે. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલા કારગિલ યુદ્ધ પર આધારિત છે, જેનું નિર્માણ અને દિગ્દર્શન જેપી દત્તા દ્વારા તેમના બેનર ‘જેપી ફિલ્મ્સ’ હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં બોલિવૂડ સ્ટાર્સ સંજય દત્ત,અજય દેવગન,અભિષેક બચ્ચન,સુનીલ શેટ્ટી, સૈફ અલી ખાન, મનોજ બાજપાઈ, અક્ષય ખન્ના, સંજય કપૂર નાગાર્જુન, સુદેશ બેરી, આશુતોષ રાણા, રાજ બબ્બર,અને અરમાન કોહલી સહિત અનેક અભિનેતા અભિનેત્રીઓએ અભિનય કર્યો છે. આદેશ શ્રીવાસ્તવ અને અનુ મલિક દ્વારા કંપોઝ કરાયેલ સંગીત છે. જેમાં ગીતો જાવેદ અખ્તરે લખ્યા હતા. સારેગામા લેબલ દ્વારા સંગીત રજૂ કરવામાં આવ્યું હતું .બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર , લગભગ ૧૫ લાખ યુનીટ્સનું વેચાણ થયું હતું. આ ફિલ્મનું સાઉન્ડટ્રેક આલ્બમ વર્ષનું આઠમું સૌથી વધુ વેચાણ થયેલું આલ્બમ હતું. ફિલ્મ રિલીઝ થયા પછી, એલ.ઓ.સી. કારગીલને વિવેચનાત્મક રીતે મિશ્ર પ્રતિસાદ મળ્યો અને દર્શકોમાં તે ખાસ્સી લોકપ્રિય બની હતી. ૨૫૫ મિનિટના રનિંગ ટાઈમ સાથે, તે અત્યાર સુધીની સૌથી લાંબી ભારતીય ફિલ્મોમાંની એક છે.જેપી દત્તાની અગાઉની યુદ્ધ મૂવી ‘બોર્ડર’ની જેમ,ભારતીય સૈન્યએ ‘એલઓસી કારગીલ’ના નિર્માણ અને ફિલ્માંકન દરમિયાન તકનીકી સહાય અને સામગ્રી પૂરી પાડી હતી. જેમાં ભારતીય વાયુસેનાના વિમાનો અને હેલિકોપ્ટર દર્શાવવામાં આવ્યા હતા.
૪૯મા ફિલ્મફેર પુરસ્કાર માં આ ફિલ્મ માટે શ્રેષ્ઠ નિર્દેશક - જેપી દત્તા,શ્રેષ્ઠ સહાયક અભિનેતા - મનોજ બાજપેયી ,શ્રેષ્ઠ સંગીત નિર્દેશક - અનુ મલિક, શ્રેષ્ઠ ગીતકાર - જાવેદ અખ્તરને નોમિનેશન મળ્યું હતું.
જ્યોતિ પ્રકાશ દત્તા(જે.પી. દત્તા)નો જન્મ ૩ ઓક્ટોબર ૧૯૪૯ના રોજ મુંબઈમાં થયો હતો. તેઓ
એક ભારતીય બોલિવૂડ ફિલ્મ નિર્માતા,લેખક અને દિગ્દર્શક છે, જે દેશભક્તિના એક્શન યુદ્ધ ફિલ્મો બનાવવા માટે જાણીતા અને લોકપ્રિય છે. તેઓ ખાસ કરીને ૧૯૮૫-૨૦૧૮ દરમિયાન વધુ સક્રિય હતા.તેમની પત્ની બિંદિયા ગોસ્વામી પણ એક સફળ અભિનેત્રી છે. જેની સાથે તેમને બે પુત્રીઓ નિધિ અને સિદ્ધિ છે.
દત્તા ‘જેપી ફિલ્મ્સ’ના બેનર હેઠળ તેમની ફિલ્મોનું નિર્માણ કરે છે. તેઓ ઘણી દેશભક્તિપૂર્ણ યુદ્ધ ફિલ્મો અને એક્શન શૈલીની ફિલ્મોના નિર્દેશન માટે જાણીતા છે. તેમની ફિલ્મોમાં ઘણીવાર ખુબ મોટી સ્ટાર કાસ્ટ હોય છે. તેમણે ૧૯૮૫માં વખણાયેલી એક્શન ફિલ્મ 'ગુલામી’થી દિગ્દર્શનની શરૂઆત કરી હતી અને યતીમ, બટવારા, ક્ષત્રિય, સરહદ, પલટન અને બોર્ડર જેવી એક્શન ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.૧૯૯૮માં, તેમને તેમની સુપર હિટ યુદ્ધ ફિલ્મ ‘બોર્ડર’ માટે ભારતના રાષ્ટ્રપતિ તરફથી રાષ્ટ્રીય એકતા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે દેશભક્તિપૂર્ણ યુદ્ધ ફિલ્મો રેફ્યુજી , એલઓસી કારગિલ અને ઉમરાવ જાનની રિમેકનું નિર્દેશન કર્યું હતું. તેમણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો-૨૦૧૦ માટે ફીચર ફિલ્મ વિભાગમાં જ્યુરીનું નેતૃત્વ પણ કર્યું હતું.
દેશના વીર જવાનોની વીરતા અને શહાદતને કચકડે કંડારવું કઠિન હોય છે. હકિકતમાં દેશના બહાદુર નરબંકાઓ પોતાના પ્રાણની પરવા કરવા કર્યા વગર સતત રાત દિવસ દેશની સરહદોની રક્ષા કરે છે ત્યારે દેશમાં સુખસાહ્યબી સાથે જીવન ગુજારતા કેટલાક ભ્રષ્ટ લોકો ભ્રષ્ટાચાર આચરી આવા શહીદોની વીરગતિને વ્યર્થ કરી દે છે ત્યારે માથું શરમથી ઝુકી જાય છે. ત્યારે આજે કારગીલ વિજય દિવસે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભારતના વીર સપૂતો શહાદતના યજ્ઞમાં આહુતિ ન બને અને સદાય અજેય અમર રહે.