મુંબઇ:મંગળવારે શેરબજારમાં ફરી એકવાર જાેરદાર આફત જાેવા મળી હતી. આજે બીએસઇ સેન્સેક્સ ૮૨૦.૯૭ પોઈન્ટના ઘટાડા સાથે ૭૮,૬૭૫.૧૮ પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે એનએસઇ નિફ્ટી ૫૦ પણ ૨૫૭.૮૫ પોઈન્ટના જંગી ઘટાડા સાથે ૨૩,૮૮૩.૪૫ પોઈન્ટ પર બંધ થયો હતો. આજે બજાર સારા ઉછાળા સાથે લીલા રંગમાં ખુલ્યું હતું. પરંતુ ટ્રેડિંગના છેલ્લા કેટલાક કલાકોમાં અચાનક વેચવાલી વધતા બજાર તૂટી ગયું હતું. આજે બજારમાં કડાકામાં રોકાણકારોના રૂા. ૯ લાખ કરોડ ધોવાયા હતા.
આજના તાજેતરના ઘટાડાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, સેન્સેક્સની ૩૦ કંપનીમાંથી ૨૬ કંપનીના શેર લાલમાં બંધ થયા હતા અને માત્ર ૩ કંપનીઓના શેર જ નજીવા વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે કોઈ ફેરફાર સાથે બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં એનટીપીસીના શેરમાં આજે સૌથી વધુ ૩.૦૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.