મારવન અટ્ટાપટ્ટુ : સતત નિષ્ફળતાઓ પછી પ્રચંડ સફળતા

લેખક: કેયુર જાની | 

બ્રુસલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે “નિષ્ફળતા મળે તે શરમજનક નથી. પરંતુ તે નિષ્ફળતાને કારણે આપણા લક્ષની ઊંચાઈ ઘટાડવી શરમજનક છે”. બ્રુસલીની વાતમાં દમ છે. સફળતા કોઈને સસ્તામાં નથી મળતી. તે અગાઉ નિષ્ફળતાની અવસ્થામાંથી પસાર થવું પડતું હોય છે. લક્ષ્યને પામવાની જીદ છોડનારને એક દિવસ સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોય છે. નિષ્ફળતાઓ બાદની સફળતાની મજા જ કઈ અલગ હોય છે. શ્રીલંકાની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મારવન અટ્ટાપટ્ટુનું જીવન પણ તેવું જ રહ્યું છે.

ક્રિકેટ જગતમાં શ્રીલંકા એક મજબૂત ટીમ તરીકે ઉભરી હતી. ત્યારે મારવન અટ્ટાપટ્ટુ કોલેજ સ્તર ઉપર ક્રિકેટ રમી રહ્યાં હતાં. તેમની કોલેજ સ્તરની રમતમાં પરફોર્મન્સને કારણે શ્રીલંકામાં લિસ્ટેડ ક્રિકેટ રમવાની તક આપવામાં આવી. શ્રીલંકામાં લીસ્ટેડ ક્રિકેટમાં ૩૨૯ મેચ રમીને મારવન અટ્ટાપટ્ટુએ ૧૦૮૦૨ રન બનાવ્યાં. લગભગ ૩૩ની સરેરાશથી રન બનાવી રહેલા મારવન અટ્ટાપટ્ટુને શ્રીલંકાની ફર્સ્ટકલાસ ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમતા મારવને ૨૨૮ મેચ રમીને ૧૪૫૯૧ રન બનાવ્યાં. સરેરાશ ૬૪ની એવરેજથી બેટિંગ કરતા અટ્ટાપટ્ટુને શ્રીલંકા ક્રિકેટ બોર્ડે નેશનલ ટીમમાં સ્થાન આપ્યું. માત્ર વીસ વર્ષની ઉંમરમાં મારવન અટ્ટાપટ્ટુ શ્રીલંકાની ક્રિકેટ ટીમમાં બેટ્‌સમેન તરીકે સ્થાન પામ્યાં.

શ્રીલંકાની ટીમ માત્ર એક ટેસ્ટ મેચ રમવા માટે ૧૯૯૦માં ભારતના પ્રવાસે આવી હતી. ચંદીગઢ ખાતેની ટેસ્ટ મેચમાં અટ્ટાપટ્ટુનું ડેબ્યુ થયું. શ્રીલંકાની બેટીંગ આવી અને માત્ર ૫૩ રનમાં પાંચ વિકેટ પડી જતા શ્રીલંકાની ટીમ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ. સાતમા ક્રમાંકે ડેબ્યુટન્ટ મારવન અટ્ટાપટ્ટુ બેટીંગમાં ઉતર્યા. ઘરેલું ક્રિકેટમાં તેમના રેકોર્ડ જાેતા તેવી ધારણા હતી કે આ વીસ વર્ષનો છોકરો પીચ ઉપર ટકીને શ્રીલંકાની બાજી સંભાળી લેશે. પરંતુ તેવું બન્યું નહીં. પોતાની ડેબ્યુ મેચમાં અટ્ટાપટ્ટુ શૂન્યમાં આઉટ થઇ ગયાં. આખી શ્રીલંકાની ટીમ માત્ર ૮૩ રનમાં પેવેલિયન ભેગી થઇ ગઈ. ફોલોઓનમાં બીજા દાવમાં અટ્ટાપટ્ટુ છઠ્ઠા ક્રમે બેટીંગમાં ઉતર્યા અને શૂન્ય રનમાં આઉટ થઇ ગયાં. ડેબ્યુ મેચની બંને ઇનિંગમાં શૂન્ય આઉટ થતા શ્રીલંકાના ક્રિકેટ ચાહકોમાં નારાજગી ફેલાઈ. મારવનને ટીમમાંથી બહાર રસ્તો દેખાડવામાં આવ્યો. અટ્ટાપટ્ટુ ફરીથી નેટ પ્રેક્ટિસ કરવા લાગ્યાં અને ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. તેમાં ધ્યાનાકર્ષક પરફોર્મ કરતા રહ્યાં.

અટ્ટાપટ્ટુને ડેબ્યુ કરાવી એક મેચ બાદ ડ્રોપ કર્યાના ૨૧ મહિને પછી બીજી તક આપવામાં આવી. ઓગસ્ટ ૧૯૯૨માં ઑસ્ટ્રલિયા સામેની ટેસ્ટ મેચમાં રમતા મારવન અટ્ટાપટ્ટુ પહેલી ઇનિંગમાં શૂન્ય ઉપર આઉટ થઇ ગયાં. બીજી ઇનિંગમાં માત્ર એક રન બનાવીને આઉટ થઇ જતા ફરીથી શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેમને ટીમમાંથી ડ્રોપ કર્યા. ડ્રોપ થયા બાદ ઘરેલુ ક્રિકેટમાં અટ્ટાપટ્ટુ જાેરદાર ફોર્મ બતાવી રહ્યા હતાં. જેથી ત્રીજી વખતે મોકો આપવા શ્રીલંકન ક્રિકેટ બોર્ડે સત્તર મહિના બાદ ટીમમાં સ્થાન આપ્યું. ત્રીજી વાર મળેલા મોકામાં પણ બંને ઈનિંગમાં અટ્ટાપટ્ટુ શૂન્ય રનમાં આઉટ થઇ ગયઈં. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં છ ઈનિંગમાં માત્ર એક રન બનાવી શકનાર અટ્ટાપટ્ટુની ચોતરફથી ટીકા થઇ રહી હતી.

મારવન અટ્ટાપટ્ટુ ઇન્ટરનેશનલ ક્રિકેટ માટે યોગ્ય નહીં હોવાનું જાહેર મંચ ઉપર બોલાતું હતું. અટ્ટાપટ્ટુની રમત તે સ્તરની નહીં હોવાનું શ્રીલંકાની મીડિયામાં છપાતું રહ્યું. અટ્ટાપટ્ટુ આ ટીકાઓને ધ્યાન ઉપર લેવાને બદલે નેટમાં સખત મહેનત કરી રહ્યાં હતાં. આખરે ઇન્ટરનેશનલ મેચમાં ડેબ્યુ કાર્યના છેક સાતમા વર્ષે ૧૯૯૭માં ચોથી વાર તેમને છેલ્લી તકના ભાગ રુપે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું. ૧૯૯૭માં ભારત સામે મોહાલીમાં બેટિંગમાં ઉતરેલા અટ્ટાપટ્ટુએ ઓપનીંગ બેટિંગ કરતા ૧૦૮ રન બનાવ્યાં. સાત વર્ષના સંઘર્ષ બાદ પીચ ઉપર ઉભેલો કોઈ અલગ જ ખેલાડીને દુનિયાએ જાેયો. અટ્ટાપટ્ટુએ તેમના ટીકાકારોના મોંઢા સદી મારીને બંધ કરી દીધાં. ત્યાર બાદ મારવન અટ્ટાપટ્ટુએ પાછળ વાળીને ન જાેયું. તેમણે ૧૬ ટેસ્ટ સેન્ચુરી અને ૧૧ વનડે સેન્ચુરી સાથે કુલ ૫૫૦૨ ટેસ્ટ રન્સ અને ૮૫૨૯ વનડેમાં રન્સ બનાવ્યાં. સાત વર્ષમાં ચાર બ્રેક મળતા સુધી સતત નિષ્ફળ રહેલા મારવન અટ્ટાપટ્ટુ વર્ષ ૨૦૦૩માં શ્રીલંકાની ટીમના કેપ્ટન બન્યાં. નિષ્ફળતાથી નિરાશ થયા વગર સફળતા કઈ રીતે હાંસલ કરવી તેનું મારવન અટ્ટાપટ્ટુ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution