અમેરિકામાં હાયર એજ્યુકેશન માટે વિદેશથી આવેલા ઘણા યુવાનો અને યુવતીઓ ફાસ્ટ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં સમાઈ ગયા



અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં તાજેતરમાં મિનિમમ વેતનને લઈને ભારે ચર્ચા થઈ છે. ફાસ્ટ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં લઘુતમ પગાર વધારીને કલાકના ૨૦ ડોલર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટિપ્સની પણ કમાણી થાય છે. લેબર સંગઠનોનું કહેવું છે કે આટલો પગાર તો મળવો જ જાેઈએ. જ્યારે ફૂડ ઈન્ડસ્ટ્રીને આ વેતન વધારે પડતું લાગે છે.

અમેરિકામાં સૌથી આધુનિક અને ખાસ કરીને ગુજરાતીઓમાં ફેવરિટ સ્ટેટનું નામ લેવામાં આવે તો તેમાં કેલિફોર્નિયા આગળ રહેશે. કેલિફોર્નિયા મોંઘું છે અને સાથે સાથે સારી કમાણી કરાવે, સારો પગાર આપે તેવું સ્ટેટ પણ છે. તાજેતરના એક રિસર્ચ પ્રમાણે કેલિફોર્નિયાના ફાસ્ટ ફૂડ વર્કર્સનો પગાર આખા અમેરિકામાં સૌથી વધારે થઈ ગયો છે. ઘણી જગ્યાએ સારી વ્હાઈટ કોલર જાેબમાં પણ એટલી કમાણી ન થઈ શકે જેટલી કમાણી કેલિફોર્નિયામાં ફાસ્ટ ફૂડ આઉટલેટમાં કામ કરતા યુવાન વર્કર્સને થતી હોય છે. કેલિફોર્નિયામાં મોટા ભાગના ફાસ્ટ ફૂડ વર્કર્સ હવે દર કલાકે ઓછામાં ઓછા ૨૦ ડોલર કમાય છે. ઘણાની કમાણી તેના કરતા પણ વધુ છે. અમેરિકાની સમગ્ર રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં આ સૌથી ઊંચા વેતન છે. આમ છતાં હવે નવો પગારવધારો આવ્યો છે અને તેના કારણે રેસ્ટોરન્ટ માલિકો પરેશાન છે. તેમનું કહેવું છે કે હવે વધુ પગાર આપવો પડશે તો ઘણા લોકોની જાેબ જવાની છે અને કસ્ટમરે પણ ફાસ્ટ ફૂટ માટે વધુ નાણાં ખર્ચવા પડશે. કેલિફોર્નિયામાં પગાર વધારવા માટે ગયા વર્ષે એક કાયદો પણ પસાર થઈ ગયો છે. તેમાં જે ફાસ્ટફૂડ ચેઈન આખા દેશમાં ૬૦ અથવા વધુ લોકેશન પર હોય તેમણે વર્કરને દર કલાકે ઓછામાં ઓછા ૨૦ ડોલર ચૂકવવા પડશે. આ સ્ટેટમાં બાકીની તમામ ઈન્ડસ્ટ્રી માટે કલાક દીઠ ૧૬ ડોલરનું મિનિમમ વેતન ચાલે છે જ્યારે રેસ્ટોરન્ટ ચેઈનમાં કામ કરતા સાડા પાંચ લાખ લોકોને દર કલાકે તેમના કરતા ચાર ડોલર વધુ મળશે. અમેરિકામાં ફાસ્ટ ફૂડ ઈન્ડસ્ટ્રી સૌથી ઝડપથી ગ્રોથ કરી રહી છે. મેકડોનલ્ડે જાહેરાત કરી કે તાજેતરના વર્ષોમાં તેણે સૌથી વધુ રેવન્યુ ગ્રોથ અને નફાનું માર્જિન પ્રાપ્ત કર્યું છે. યુએસમાં મોંઘવારી કે ફુગાવાનો જે દર છે તેના કરતા મેકડોનલ્ડમાં મેનુમાં પ્રાઈસ વધારે ઝડપથી વધે છે. છેલ્લા એક દાયકામાં અમેરિકામાં ફાસ્ટ ફૂડનો ભાવ ૪૭ ટકા વધારે વધી ગયો છે જ્યારે બાકીની ફૂડ આઈટમોના ભાવમાં ૨૯ ટકાનો વધારો થયો છે. હેલ્ધી ફૂડ ખાવાની, શુગર ન ખાવાની, ખોરાકમાં સોલ્ટ ઘટાડવાની ગમે તેટલી વાતો થતી હોય પરંતુ લોકો ફાસ્ટ ફૂડ દાબી દાબીને ખાય છે અને તેના કારણે આ ઈન્ડસ્ટ્રીને ઊંચા પગાર આપવાનું પણ પોષાય છે. આ ઈન્ડસ્ટ્રીના એક્સપર્ટ્‌સ કહે છે કે છેલ્લા એક દાયકામાં ઓપરેટિંગ કોસ્ટ કરતા ભાવ એટલા બધા વધી ગયા છે કે ફાસ્ટ ફૂડ કંપનીઓને કંઈ વાંધો આવે તેમ નથી. તેઓ ઈચ્છે ત્યારે મેનુ પ્રાઈસ વધારી દે છે. તેથી આ ઈન્ડસ્ટ્રીમાં લોકોને કલાકના ૨૦ ડોલર આપવામાં આવે તેમાં કંઈ ખોટું નથી. કેલિફોર્નિયામાં પહેલી એપ્રિલથી વર્કર્સ માટે વેતનમાં વધારો થયો તે અગાઉ વોશિંગ્ટન સ્ટેટ સૌથી આગળ હતું જ્યાં કલાકના મિનિમમ ૧૬.૨૮ ડોલર પગાર ચૂકવાતો હતો. અમેરિકામાં હાયર એજ્યુકેશન માટે વિદેશથી આવેલા ઘણા યુવાનો અને યુવતીઓ ફાસ્ટ ફૂડ ઈન્ડસ્ટ્રીમાં સમાઈ ગયા છે. કેટલાક તો તેમાં ફૂલ ટાઈમ જાેબ કરવા લાગ્યા છે. ઘણા સ્ટુડન્ટ ફાસ્ટ ફૂડ આઉટલેટમાં સપ્તાહમાં આઠ દશ કલાક કામ કરે છે અને તે ઉપરાંત બીજી જાેબ પણ કરે છે. ઘણા સ્ટુડન્ટનું કહેવું છે કે ૨૦ ડોલર એક કલાકના મળે તે બહુ સારી વાત છે કારણ કે બીજી ઘણી જગ્યાએ તો ૧૫ કે ૧૬ ડોલર પણ માંડ મળે છે. કોઈ પણ ઈન્ડસ્ટ્રીમાં પગારવધારાનો બોજ આવે એટલે આ બોજ ગ્રાહકો પર નાખી દેવામાં આવે છે. ફાસ્ટ ફૂડ સેક્ટરમાં પણ એવું જ છે તેથી ફૂડ આઈટમો મોંઘી થશે. બીજી તરફ વર્કરના અધિકારો માટે લડતા લોકો કહે છે કે કોઈ વ્યક્તિ કલાકના ૧૬.૬૦ ડોલરના પગારે કામ કરે તે બહુ ઓછું કહેવાય કારણ કે આવી જાેબમાં તે વર્ષે માંડ ૩૪,૦૦૦ ડોલર કમાઈ શકે. કેલિફોર્નિયામાં ચાર વ્યક્તિનું ફેમિલી હોય તો આટલી કમાણીમાં તો વ્યક્તિ ગરીબી રેખાની નીચે જતો રહે. તેથી લેબર ગ્રૂપે આ પગારવધારાની પહેલેથી માંગ કરી હતી અને તેઓ હવે રાજી છે.

અમેરિકામાં સરકારે નક્કી કરેલો દર કલાકનો બેઝલાઈન પગાર માત્ર ૭.૨૫ ડોલર પ્રતિ કલાક છે અને છેક ૨૦૦૯થી તેમાં વધારો નથી થયો. વાસ્તવમાં તમામ ઈન્ડસ્ટ્રીમાં આના કરતા પગાર વધી ગયો છે. કેલિફોર્નિયામાં બિઝનેસ કરનારા લોકો કહે છે કે આ સ્ટેટમાં મિનિમમ વેતન છેલ્લા ૧૦ વર્ષથી વધતું જ જાય છે. કેલિફોર્નિયામાં બિઝનેસ કરવો હોય તો લઘુતમ પગારમાં વધારાની તૈયારી રાખવી જ પડે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution